Dhairya Gajara, Kutch: હાલ રણોત્સવ ચાલુ છે ત્યારે કચ્છના પ્રવાસે આવનારા લોકોની સંખ્યા ખૂબ વધારે રહે છે. આવામાં ભુજ એરપોર્ટની નબળી ફ્લાઇટ કનેક્ટિવિટી લોકો માટે પરેશાની બની હતી. જો કે, રણોત્સવના કારણે ફ્લાઇટની માંગ વધતા સપ્તાહમાં ચાર દિવસ ઉડાન ભરનારી ભુજ મુંબઈ ફ્લાઇટ હવે દરરોજ ઉડાન ભરશે. 20 તારીખથી એલયાન્સ એરની ફ્લાઇટ દૈનિક ભુજ આવશે અને ભુજથી પરત ઉડાન ભરશે.
વર્ષો પહેલાં જેટ એરવેઝની ફ્લાઇટ દરરોજ ભુજથી મુંબઈ ઉડાન ભરતી હતી અને તેને પ્રવાસીઓની સંખ્યા પણ સારી મળી રહેતી હતી. પરંતુ જેટ એરવેઝ બંધ થયા બાદ ભુજથી મુંબઈને જોડતી કોઈ ફ્લાઇટ ટકી શકી નથી. આ વચ્ચે છેલ્લા લાંબા સમયથી એલાયન્સ એરની 70 સીટર ફ્લાઇટ ભુજ મુંબઈ વચ્ચે કાર્યરત છે. આ ફ્લાઇટ સોમવાર, મંગળવાર, ગુરુવાર અને શનિવાર એમ સપ્તાહમાં ચાર દિવસ ઉડાન ભરી રહી છે.
આ વચ્ચે ગત મહિનાથી રણોત્સવ શરૂ થતાં દેશ વિદેશથી પ્રવાસીઓની કચ્છમાં આવ વધી ગઈ છે. રોડ અને રેલ માર્ગે સારી પરિવહન સુવિધા હોતાં પ્રવાસીઓને રાહત મળે છે પરંતુ ફ્લાઇટ પસંદ કરનારા વર્ગ માટે અનિયમિત ફ્લાઇટ પરેશાની બની રહે છે. ભુજ એરપોર્ટ તરફથી પણ એરલાઇન્સ કંપનીને ફ્લાઇટ ની ફ્રિકવનસી વધારવા વિનંતી કરવામાં આવી હતી. તો પ્રવાસીઓનો ધસારો સારો રહેતા એરલાઇન્સ કંપનીએ આ ફ્લાઇટ દૈનિક ચલાવવાનું નક્કી કર્યું છે.
ઉલ્લેખનીય છે કે હજુ તો રણોત્સવની શરૂઆત થઈ છે અને ડિસેમ્બર જાન્યુઆરી દરમિયાન પ્રવાસીઓની આવ અનેક ઘણી વધશે ત્યારે વધારે કંપનીઓ દિલ્હી અને મુંબઈથી ભુજ સુધીની ફ્લાઇટ શરૂ કરે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. સ્પાઇસ જેટ અને અકાશા એરલાઇન્સ પણ ભુજ એરપોર્ટથી ફ્લાઇટ શરૂ કરવા વિચારણા કરી રહી છે. તો બીજી તરફ ભારતને G20 સમીટની પ્રેસિડેન્સી મળતાં આગામી ફેબ્રુઆરી મહિનામાં 20 દેશના પ્રતિનિધિઓ કચ્છના સફેદ રણમાં પ્રવાસન મુદ્દે વિચાર વિમર્શ કરશે. આ કારણે પણ ફ્લાઇટની કનેક્ટિવિટી વધે તેવું લાગી રહ્યું છે.