Dhairya Gajara, Kutch: ધુળેટીના દિવસે કચ્છભરમાં લોકો પોતપોતાના શહેર કે ગામના મુખ્ય સ્થળો પર ભેગા થઈ રંગોના આ પર્વ ઉજવે છે. તો આ દિવસને વધુ યાદગાર બનાવવા સમગ્ર જિલ્લામાંથી લોકો માંડવીના રમણીય બીચ પર પહોંચે છે અને દરિયાકિનારે ધૂળેટીની ઉજવણી કરે છે. માત્ર કચ્છના જ નહીં પરંતુ ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી પણ લોકો ધુળેટી ઉજવવા માંડવી બીચ પર આવે છે પોતાના જીવનની સૌથી યાદગાર ધુળેટી ઉજવે છે.
માંડવીનો વિંડફાર્મ બીચ પ્રવાસનની દૃષ્ટિએ કચ્છનો એક મહત્વનો સ્થળ છે. રણોત્સવ સમયે કચ્છનો સફેદ રણ જોવા આવતા પ્રવાસીઓ માંડવી બીચની પણ અચૂક મુલાકાત લે છે. તેવામાં ધુળેટીના દિવસે આ બીચ પર એક અલગ જ રોનક જામે છે જે માણવા લોકો દૂર દૂરથી અહીં આવે છે.
દરિયાકિનારે પોતાના મિત્રો સાથે રંગોથી રમી ત્યારબાદ દરિયામાં ડૂબકી લગાડવાની મજા માણવા ખાસ લોકો ધુળેટીના દિવસે આવે છે. અન્ય શહેરો કે ગામડાઓમાં સામાન્યપણે લોકો બપોર સુધી ધુળેટી રમતા હોય છે પરંતુ માંડવી બીચ પર સાંજે સૂરજ આથમે ત્યાં સુધી લોકો દરિયાકિનારે તેમજ દરિયામાં નહાતા નહાતા ધુળેટી રમતા નજરે પડે છે.
ગત વર્ષે માંડવી નગરપાલિકા દ્વારા ધુળેટી નિમિતે બીચ પર ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકો માટે ગુલાલ સાથે સંગીતનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, આ વર્ષે નગરપાલિકા દ્વારા આવું કોઈ આયોજન કરવામાં આવ્યું ન હતું પરંતુ છતાંય લોકોએ રાબેતા મુજબ વહેલી સવારથી જ બીચ પર પહોંચી પૂરજોશ સાથે ધુળેટી ઉજવી હતી.