કચ્છ: ભુજ શહેરની ભાગોળે આવેલા રાજાશાહી વખતના ગૌચર વાડા વન તંત્ર દ્વારા ખોદવામાં આવતા સ્થાનિક માલધારીઓએ રોષ દાખવ્યો હતો. સ્થાનિકોના પશુઓ તે વાડાઓમાં ચરિયાણ માટે જતા હોતાં વાડા ન તોડવાની કલેકટર કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી.
કચ્છ જિલ્લામાં માનવ વસતી કરતા પશુધનની વસતી વધારે છે તેવું સામાન્યપણે કહેવામાં આવે છે. ગુજરાત રાજ્યના ચોથા ભાગના પ્રદેશ કચ્છમાં રણ વિસ્તાર વધુ હોતાં, પશુઓના ચરિયાણ માટે ખૂબ ઓછી જમીન ધરાવે છે. ગ્રામીણ વિસ્તારના માલધારીઓ પોતાના પશુઓને ગામની આસપાસ ગૌચર જમીનોમાં લઈ જતા હોય છે. આવી ગૌચર જમીનો પર દબાણ અથવા પવનચક્કીઓ ઊભી કરવા મુદ્દે પણ ગ્રામજનો વિરોધ દર્શાવતા હોય છે.
ભુજ શહેરની ભાગોળે આવેલા પાલારા વિસ્તારમાં હાલ વન તંત્ર દ્વારા આવા વાડા તોડવાની કામગીરી થતી હોતાં સ્થાનિક માલધારીઓએ વિરોધ દર્શાવ્યો હતો. સ્થાનિકો મુજબ આ વાડાઓનો રાજાશાહી વખતથી તેઓ વપરાશ કરી રહ્યા છે અને તેમના પશુઓના ચરિયાણ માટે ખૂબ જરૂરી છે. જો કે વન તંત્ર દ્વારા આ જમીનનો ગેરકાયદેસર રીતે વપરાશ કરતા હોવાના દાવા સાથે વાડાઓના ફરતે ખાડા ખોદવામાં આવ્યા છે.
બુધવારે પાલારા વિસ્તારના માલધારીઓએ આ મુદ્દે કલેકટર કચેરી ખાતે રજૂઆત કરી હતી. વન તંત્રને આવા ગૌચર વાડાઓ ન તોડવાનું આદેશ આપવામાં આવે તેવી રજૂઆત આવેદન પત્ર પાઠવી ગ્રામજનોએ કરી હતી.
રજૂઆત કરવા આવેલા ભુજ શહેર માલધારી સંગઠનના સભ્ય આસિફ ચાકીએ જણાવ્યું હતું કે અનેક દાયકાઓથી ગામના પશુઓ આ વિસ્તારમાં ચરિયાણ કરે છે. "આ વિસ્તારમાં મીઠી ઝાડીઓ હોતાં, અમારા ગામના 1100થી 1200 ઢોર અહીં ચરિયાણ કરે છે. જો આ વિસ્તાર અમારા પશુધન માટે બંધ થઈ જશે તો તેમની પાસે આરોગવા કોઈ ગૌચર જમીન બચશે નહીં." તેવું આસિફભાઈએ જણાવ્યું હતું.