Dhairya Gajara, Kutch: ભારતીયો એડજેસ્ટ કરવામાં માહેર છે. પછી તે ત્રણની સીટમાં ચોથાને એડજેસ્ટ કરવું હોય કે પછી ગરબાના રાઉન્ડમાં જોડીઓ વચ્ચે એક એકલા ખેલૈયાને એડજેસ્ટ કરવું હોય. પણ દયાપરમાં તો તંત્રએ સરકારી દવાખાનામાં જ મામલતદાર કચેરીને એડજેસ્ટ કરી લીધી છે. કચ્છના લખપત તાલુકાના મુખ્ય મથક દયાપરમાં બિલ્ડિંગના અભાવે છેલ્લા અનેક સમયથી મામલતદાર કચેરી દયાપર સી.એચ.સી.ની અંદર કાર્યરત છે. અહીં કોણ દર્દી છે અને કોણ અરજદાર એ જાણવું પણ પોતામાં જ એક પરીક્ષા છે.
કચ્છનો સૌથી છેવાડાનો સરહદીય લખપત તાલુકો વિકાસથી વંચિત છે તે કહેવું અતિશયોક્તિ નથી. અહીંની પોસ્ટ ઓફિસ, તિજોરી કચેરી અને કોર્ટ સુધ્ધાં પાસે પોતાની કચેરીઓ ન હોતાં તે ભાડાના મકાનમાં કાર્યરત છે. તો અહીંની અનેક શાળાઓનો પણ હાલ એવો જ છે. ઓરડાના અભાવે ક્યાંક વિદ્યાર્થીઓ ખુલ્લામાં ભણે છે તો ક્યાંક ગામની સમાજવાડીમાં બાળકોને ભણાવવામાં આવે છે.
તો તેવામાં તાલુકા મામલતદાર પણ કેમ બાકાત રહે. 2001ના ભૂકંપમાં લખપત મામલતદાર કચેરીને ભારે નુક્સાન પહોંચ્યું હતું. પડું પડું થતી આ જર્જરિત ઈમારતમાં 11 વર્ષ સુધી અનેક મામલતદાર અને અન્ય કર્મચારીઓને ભયમાં રહીને કામ કરી જતા રહ્યા. આ ઈમારતમાં કામ કરવાથી જીવનું જોખમ ઉભુ થાય તે આખરે તંત્રને સમજાતા નવ વર્ષ પહેલાં નક્કી કરાયું કે જ્યાં સુધી મામલતદાર કચેરીની નવી ઇમારત ન બને ત્યાં સુધી હંગામી ધોરણે તાલુકા કક્ષાની હોસ્પિટલમાં કચેરીને કાર્યરત રાખવી.
હંગામી ધોરણે ખસેડાયેલી કચેરી માટે આ જ નવું સરનામું બની ગયું હોય તેમ આજે નવ વર્ષ થયા છતાં પણ નવી મામલતદાર કચેરી તો કોઈના ખયાલોમાં પણ નથી આવતી જ્યારે કે જૂની જર્જરિત કચેરીનું પણ કોઈ નિરાકરણ થયું નથી. રમૂજ તો ત્યારે ફેલાય છે જ્યારે અરજદારો ભૂલથી ડોકટર પાસે જતા રહે છે. અને દર્દીઓ મામલતદાર પાસે જઈને પોતાની બીમારીનું વર્ણન કરવા લાગે છે.
કોરોના મહામારી દરમિયાન અહીં કામ કરવું ખૂબ મુશ્કેલ બની ગયું હતું તેવું મામલતદાર ખુદ જણાવે છે. કોરોના સમયે કોણ દર્દી છે અને કોણ અરજદાર તેની જાણ ન થતાં ચેમ્બરમાં કોણ પ્રવેશે છે તેના મુદ્દે ભય રહેતો અને ખૂબ જ સાવચેતીથી બે વર્ષ સુધી કામ કરવું પડ્યું હતું.
જો કે હજુ પણ નવી મામલતદાર કચેરી ટુંક સમયમાં બને તેવા કોઈ એંધાણ વર્તાઇ રહ્યા નથી. નવ વર્ષે પણ હજુ તો ફક્ત જૂની બિલ્ડિંગ તોડવાની જિલ્લા કલેકટરની મંજુરી મળી છે. આ વર્ષના બજેટમાં નવી બિલ્ડિંગ માટે ફાળવણી તો કરાઈ પરંતુ 6 મહિના સુધી હજુ તો નવી બિલ્ડિંગ માટે કોઈ પણ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવી નથી.