અમદાવાદની નિરમા યુનિવર્સિટી દ્વારા કારીગરોની જરૂર મુજબ મકાનોની ડિઝાઇન તૈયાર કરવા ડેટા કલેક્શન શરૂ કરવામાં આવ્યું છે તો આ પ્રકારના મકાન બનાવવા ટોચની સરકારી સંસ્થાઓ સાથે બેઠક પણ યોજી છે
Dhairya Gajara, Kutch: કચ્છ એ વિવિધ 16 હસ્તકળા કારીગરીનો ઘર છે. અહીંના અનેક કારીગર સમુદાયના લોકો પાસે આજે પણ પોતાનું ઘર નથી તો પોતાની હસ્તકળા મુજબના આવાસ તેમની પાસે હોય તો પોતાના નિવાસસ્થાને જ કારીગરો પોતાની કળાના ઉત્પાદનો બનાવી શકે અને ત્યાંથી જ પોતાની કારીગરીનો વેંચાણ પણ કરી શકે.
આ હસ્તકળા કારીગરો માટે ખાસ ઘર ડિઝાઇન કરવાનો એક નવતર પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ માટે અમદાવાદની પ્રતિષ્ઠિત નિરમા યુનિવર્સિટીના ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ચર એન્ડ પ્લાનિંગ દ્વારા ડેટા કલેક્શન પણ શરૂ કરવામાં આવ્યું છે.
ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ચર એન્ડ પ્લાનિંગ નિરમા યુનિવર્સિટી મોરિશિયસની એન્સા નોન્સ યુનિવર્સિટી સાથે મળી હર વર્ષે વિદ્યાર્થીઓ માટે રસપ્રદ પ્રોજેક્ટ યોજતા હોય છે. આ વર્ષે વિદ્યાર્થીઓ દ્વારા કારીગરોના નિવાસસ્થાનો પર કામ કરવામાં આવી રહ્યું છે, જેમાં કારીગરોને પોતાના નિવાસસ્થાને જરૂરી સુવિધાઓ, તેમની કારીગરી મુજબનો બાંધકામ અને તેમને પડતી મુસીબતોના ઉપાય શોધવા અભ્યાસ શરૂ કરાયો છે.
છાત્રો શુક્રવારે કચ્છ આવી પહોંચ્યા હતા અને અહીંની વિવિધ હસ્તકળાઓના કારીગરોના ઘર તેમજ વર્કશોપ નિહાળી તેમાંથી ડેટા એકત્રિત કરવાનું કામ શરૂ કર્યું છે. છાત્રો દ્વારા ભૂજોડી, નિરોણા જેવા ગામોમાં જઈ આ ડેટા કલેક્શન હાથ ધરવામાં આવશે. તો આ ડેટા કલેક્શનને માત્ર અભ્યાસ સુધી સીમિત ન રાખી, તેનું વાસ્તવમાં અમલીકરણ કરવા પણ પ્રયાસો હાથ ધરાઇ રહ્યા છે.
શુક્રવારે નિરમા યુનિવર્સિટી દ્વારા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓક્યુપેશનલ હાઉસિંગ, નેશનલ બેંક ફોર એગ્રિકલચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ) તેમજ હેન્ડિક્રાફટ કાઉન્સિલ ઓફ ઈન્ડીયા જેવી ટોચની સરકારી સંસ્થાઓ સાથે બેઠક કરી આ મુદ્દે ચર્ચા કરી હતી. તો આ સંસ્થાઓએ પણ આ પ્રોજેક્ટમાં રસ દાખવી જરૂરી આર્થિક યોગદાન આપવાની ઈચ્છા પણ દર્શાવી હતી. ઉલ્લેખનીય છે કે ભૂજોડી ખાતે આ માટે જમીન પણ જોવાઈ ગઈ છે અને લગભગ 2000 ચો. મી. જમીન પર બે ફેઝમાં 150 મકાન બનાવવામાં આવશે.