Dhairya Gajara, Kutch: હાલ સમગ્ર દેશમાં કેન્દ્રીય રક્ષા મંત્રાલયની (India Defence Ministry) અગ્નિવીર યોજનાનો (Agniveer Scheme) વિરોધ જોવા મળી રહ્યો છે, તો દેશના અનેક વિસ્તારોમાં આ વિરોધ પ્રદર્શનમાં હિંસાના ચમકારા (Agniveer Protests) પણ જોવા મળ્યા હતા. દેશમાં સેનામાં (Indian Army) ભરતી થવા મુદ્દે આવા તણાવ વચ્ચે કચ્છના એક યુવાને અન્ય યુવાનોને એક અનોખી દિશા ચીંધી છે. કચ્છના દયાપરમાં રહેતા 23 વર્ષીય યુવાને કેન્દ્રીય રક્ષામંત્રીને (Defence Minister) પોતાના લોહીથી લખેલા પત્રમાં (Letter written with blood). શૂન્ય વેતન સાથે સેનામાં જોડાઇને દેશ સેવા કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે, સાથે હાલ સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડી રહેલા છાત્રોને પણ આવો હિંસક વિરોધ બંધ કરવા અપીલ કરી છે.
મૂળ ભાવનગર (Bhavnagar) જિલ્લાના નાનકડા ટીમાણા ગામના વતની દીપક ડાંગરે વાત કરતાં જણાવ્યું હતું કે હાલ તેઓ કચ્છ યુનિવર્સિટીમાં એમએસડબ્લ્યુમાં અભ્યાસની સાથે સેવાકીય પ્રવૃત્તિ કરે છે. દેશસેવાની ભાવના બાળપણથી માતા-પિતા પાસેથી મળી છે. પરિવારના સભ્યો આર્મી, નેવી તેમજ અન્ય સુરક્ષા એજન્સીઓમાં ફરજરત છે એમ કહેતાં ઉમેર્યું હતું કે સાડાચાર હજાર જેટલી વસતિ ધરાવતા ટીમાણા ગામના 20 જેટલા યુવાનો સેનામાં ફરજ બજાવી રહ્યા છે.
શાળાકાળમાં એનસીસીના કેડેટ રહી ચૂકેલા આ યુવાને ભારતીય સેનામાં સૈનિક તરીકે ફરજ બજાવવાની અદમ્ય ઇચ્છા વ્યક્ત કરતાં કોઇપણ વેતન લીધા વિના દેશસેવાની તક મળે એવા આશય સાથે પોતાના લોહીથી રક્ષામંત્રીને પત્ર પાઠવ્યો હતો. તેમણે દયાપરના આરોગ્ય કેન્દ્રમાં પોતાનું લોહી બોટલમાં એકઠું કરીને પત્રમાં લખાણ કર્યું હતું, જેમાં સેનામાં તક મળશે તો નોકરી શરૂ કરવાથી પૂરી થાય ત્યાં સુધી એકપણ રૂપિયાનું વેતન લીધા વિના ફરજ બજાવવાની તૈયારી દર્શાવી હતી.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય રક્ષા મંત્રાલય દ્વારા વિવિધ લશ્કરી દળોમાં ભરતી માટે જાહેર કરાયેલ અગ્નિવીર યોજના બાદ દેશના વિવિધ ખૂણાઓમાં સેનામાં ભરતી થવા ઈચ્છુક વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અલગ અલગ રીતે યુવાનો વિરોધ દર્શાવી રહ્યા છે ત્યારે અનેક સ્થળો પર હિંસા પણ ભભૂકી ઉઠી હતી. ત્યારે હિંસાનો માર્ગ પકડનાર યુવાનોને દીપકે એક નવી રાહ ચીંધી છે. માત્ર અહિંસાનો પ્રયોગ કરવા જ નહીં પણ દેશ સેવા માટે બલિદાન આપવાની સલાહ યુવાનોને આપી હતી.