Home /News /kutchh /Kutch: વેલ્ડીંગ કામ કરતા પિતાના પુત્રએ ખેલ મહાકુંભમાં કુસ્તીમાં મેદાન માર્યું, હવે ખેલો ઈન્ડીયામાં રમશે
Kutch: વેલ્ડીંગ કામ કરતા પિતાના પુત્રએ ખેલ મહાકુંભમાં કુસ્તીમાં મેદાન માર્યું, હવે ખેલો ઈન્ડીયામાં રમશે
અંજારના ખેલાડીએ રાજ્યકક્ષાએ મેદાન માર્યા બાદ રાષ્ટ્રીય કક્ષાએ રમશે
કચ્છના અંજારમાં વેલ્ડીંગ કામ કરતા પિતાના પુત્રએ ખેલ મહાકુંભમાં કુસ્તી રમતમાં સર્વેને પછાડી વિજેતા બન્યા બાદ હવે હરિયાણા ખાતે યોજાનારી ખેલો ઈન્ડીયા રાષ્ટ્રીય પ્રતિયોગિતામાં ભાગ લેશે.
Dhairya Gajara Kutch: અંજારના (Anjar Kutch) રહેવાસી મોહિત આહિરને બાળપણથી જ રમત ગમતનો શોખ હતો અને ગુજરાત સરકારની રાજ્ય સ્તરની સ્પર્ધા ખેલ મહાકુંભે (Khel Mahakumbh) મોહિતને નવી પાંખો આપી છે. જ્યારે મોહિત 9 વર્ષનો હતો ત્યારથી જ કબડ્ડી રમતો હતો. મોહિતને કબડ્ડીમાં પણ ઘણા પારિતોષિક મળ્યા છે. રમતગમતક્ષેત્રે મોહિતની ધગશને કોચ ગોવિંદભાઈ ભરવાડે પારખી અને તેને કુસ્તી રમત માટે તૈયાર કરવા તાલીમ આપી, જેનું પરિણામ હાલમાં યોજાયેલી ખેલ મહાકુંભમાં દેખાયું છે. મોહિતે કુસ્તીની (Wrestling competition) રમતમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો.
મોહિતના પિતા અંજાર શહેરમાં વેલ્ડિંગનું કામ કરે છે. અંજારની શાળામાં અભ્યાસ કરતા મોહિતન્ડ બનાસકાંઠાની જિલ્લા લેવલની સ્પોર્ટસ સ્કૂલમાં પ્રવેશ મળ્યો છે, જ્યાં તેની તમામ જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. મોહિતને આર્થિક મદદ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા માસિક સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવે છે. આ સાથે રહેવા-જમવાની સુવિધા સાથે સ્પોર્ટસને લગતો તમામ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. મોહિત સ્વસ્થ રહે અને આગળ વધે તે માટે પૌષ્ટિક આહારનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આમ, મોહિત વધારેમાં વધારે સારું પ્રદર્શન કરીને દેશનું નામ રોશન કરે તે માટે સરકાર કટિબદ્ધ છે.
મોહિતે ખેલ મહાકુંભ 2018માં બ્રોન્ઝ મેડલ, ગુજરાત સ્ટેટ સબ જુનિયર 2021માં ગોલ્ડ મેડલ, ગુજરાત સ્ટેટ સબ જુનિયર 2022માં ગોલ્ડ તથા હાલ નડિયાદ ખાતે યોજાયેલી ખેલ મહાકુંભની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. મોહિતે બે નેશનલ કુસ્તી પ્રતિયોગિતામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરીને કચ્છ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ડિસ્ટ્રીક લેવલ સ્પોર્ટસ સ્કૂલ અને સ્પોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં મોહિતે અરજી કરી હતી જેમાં બંને જગ્યાએ પસંદગી પામતા હાલ તે બનાસકાઠા ખાતેની સ્પોર્ટસ સ્કૂલમાં અભ્યાસ કરે છે.
કુસ્તીમાં શ્રેષ્ઠ પ્રદર્શનને કારણે મોહિતની પસંદગી આગામી ખેલો ઈન્ડિયાની નેશનલ ચેમ્પિયનશિપમાં થઈ છે. આ સ્પર્ધા ૧ જૂનથી ૯ જૂન દરમિયાન હરિયાણામાં યોજાશે જેમાં મોહિત કુસ્તીની રમતમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. હાલ મોહિત અમદાવાદ ખાતે નેશનલ કુસ્તી કેમ્પમાં પણ પ્રેક્ટિસ કરે છે. આમ રાજ્ય સરકારના પ્રોત્સાહનના લીધે મોહિત કુસ્તીમાં આગળ વધી રહ્યો છે અને કચ્છનું ગૌરવ વધારી રહ્યો છે.