Home /News /kutchh /Students Special: હવે QR કોડ માર્કશીટ સુધી પહોંચ્યો, સ્કેન કરવાથી એવી એવી માહિતી મળશે કે...

Students Special: હવે QR કોડ માર્કશીટ સુધી પહોંચ્યો, સ્કેન કરવાથી એવી એવી માહિતી મળશે કે...

કચ્છ યુનિવર્સિટીનો અનોખો પ્રયાસ, માર્કશીટને બનાવી ડિઝિટલ

હવે કચ્છ યુનિવર્સિટીની માર્કશીટ પર આવેલા QR કોડ સ્કેન કરી વિદ્યાર્થીઓની વિગતો સાથે તેમનું પરિણામ પણ મોબાઈલ પર જ જાણી અને ચકાસી શકાશે

Dhairya Gajara, Kutch: આજના ડિજિટલ યુગમાં દરેક કામ મોબાઈલ વડે પાર પાડવા શક્ય બન્યા છે. તેમાં પણ હવે ઓનલાઇન પૈસા ચૂકવવાથી લઈને દરેક કામ હવે માત્ર એક QR કોડ સ્કેન કરીને પાર પાડવામાં આવે છે. ત્યારે કચ્છની ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીએ પણ ડિજિટલાઈઝેશન તરફ એક ડગલું આગળ માંડી હવે પોતાની માર્કશીટ પર QR કોડ છાપવાના શરૂ કર્યા છે. આ QR કોડ સ્કેન કરી વિદ્યાર્થીઓની માર્કશીટની બધી જ વિગત તો જાણી જ શકાશે પણ સાથે જ માર્કશીટ સાચી છે કે નહીં તે પણ જાણી શકાશે.

કચ્છ યુનિવર્સિટી દ્વારા સમયાંતરે જરૂરિયાત મુજબ માર્કશીટમાં ફેરફારો કરવામાં આવ્યા છે. ત્યારે હાલ યુનિવર્સિટી દ્વારા માર્કશીટને એક ડિજિટલ બદલાવ આપી તેમાં QR કોડ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.



કચ્છમાં પ્રથમ વખત થઈ રહેલા આ પ્રકારના પ્રયાસ થકી ભવિષ્યમાં ડુપ્લીકેટ માર્કશીટ બનતી રોકી શકાશે તેવો યુનિવર્સિટીને વિશ્વાસ છે. જો કે આજ સુધી કચ્છ યુનિવર્સિટીમાં ડુપ્લીકેટ માર્કશીટનો કોઈ બનાવ સામે આવ્યો નથી પરંતુ રાજ્યની અન્ય યુનિવર્સીટીઓમાં બનેલા બનાવને ધ્યાનમાં રાખી યુનિવર્સિટી દ્વારા આ નવતર પહેલ શરૂ કરાઇ છે. જો કે આ QR કોડ હાલ એક્ટિવ નથી અને નવા સત્રથી તેને એક્ટિવ કરવામાં આવશે.

અગાઉ યુનિવર્સિટી દ્વારા MKCL પ્રોગ્રામિંગ સોફ્ટવેર થકી માર્કશીટ તૈયાર કરવામાં આવતી હતી ત્યારે હવે GIPL નામના નવા પ્રોગ્રામિંગ સોફ્ટવેરનો ઉપયોગ શરૂ કરવામાં આવતા હવે વિદ્યાર્થીઓના પરિણામ મુજબ આ સોફ્ટવેર દરેક પરિણામ માટે એક QR કોડ પણ તૈયાર કરી માર્કશીટ પર મૂકશે. એડમિશન અથવા નોકરી માટે આ માર્કશીટ અપાતા તેના પરનો QR કોડ સ્કેન કરી વિદ્યાર્થીની વિગતો સાથે તેનો પરિણામ પણ ચકાસી શકાશે.

આ ઉપરાંત માર્કશીટમાં અન્ય ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. અગાઉ વિદ્યાર્થીઓના નામ પાછળ માટેનું નામ લખવામાં આવતું હતું જે હવે નીકળી ગયું છે. તો ટકાવારી મુજબ કયા ક્લાસથી વિદ્યાર્થી પાસ થયો છે તેનો વર્ગીકરણ પણ હવે માર્કશીટની પાછળ જોવા મળે છે. આ નવા બદલાવને વિદ્યાર્થીઓ પણ આવકાર આવી રહ્યા છે.
First published:

Tags: Kutch, Local 18, Students

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો