કચ્છના અંતિમ મહારાવ પ્રાગમલજી ત્રીજાની ઈચ્છા હતી કે રાજાશાહી ચાડવા રાખાલમાં મહામાયા માતાજીનું મંદિર બને અને તેમના દ્વારા શરૂ કરવામાં આવેલું કામ તેમના દેહાંત બાદ તેમના પત્ની મહારાણી પ્રીતિદેવીએ પૂર્ણ કરાવ્યું
Kutch: કચ્છમાં આવેલા અનેક યાત્રાધામોના (Kutch Temples) કારણે ઉનાળા દરમિયાન પણ પ્રવાસન (Kutch Tourism) સારું રહેતું હોય છે. તો કચ્છમાં વધુ એક પ્રવાસનધામ ઉમેરવા કચ્છના રાજવી પરિવારે (Kutch Royal Family) બીડું ઉઠાવ્યું છે. કચ્છના અંતિમ રાજવીની ઈચ્છા હતી કે રાજાશાહી ચાડવા રખાલમાં (Chadva Rakhaal) મહામાયા દેવીનું મંદિર બનાવવામાં આવે અને તેમના દેહાંત બાદ તેમના પત્ની દ્વારા આ મંદિર બંધાવી તેમની ઈચ્છા પૂરી કરવામાં આવી રહી છે. તો સાથે જ આ મંદિરના પ્રાંગણમાં 51 શક્તિપીઠના (51 Shaktipeeth) દર્શન પણ લોકોને મળશે.
કચ્છના અંતિમ રાજવી મહારાવ પ્રાગમલજી ત્રીજાની ઈચ્છા હતી કે ભુજ તાલુકાના સામત્રા ગામ નજીક આવેલા ચાડવા રખાલ ખાતે શ્રી મહામાયા માતાજીનું એક ભવ્ય મંદિર બનાવવામાં આવે. તેમની આ ઇચ્છા અનુસાર તેમણે જાતે જ મંદિરની ડીઝાઈન બનાવી તેનું કામ શરૂ કરાવ્યું હતું. ભુજથી 25 કિલોમીટર દૂર આવેલા અને 1200 એકરમાં ફેલાયેલા ચાડવા રખાલ જંગલમાં આ મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે.
શ્રી મહામાયા માતાજી સાથે, શ્રી રુદ્રાણી માતાજી, શ્રી મહાકાળી માતાજી, શ્રી હિંગલાજ માતાજી અને શ્રી ત્રિપુરાસુંદરી માતાજીનું મંદિર અહીં બની રહ્યું છે. તો અંદાજે રૂ. 7.50 કરોડના ખર્ચે બનેલા આ મંદિરને ફરતે 51 નાના મંદિરોમાં 51 શક્તિપીઠના દર્શન થશે. નિર્માણના છેલ્લા તબક્કામાં પહોંચેલા આ મંદિરનું આવતી તારીખ 11, 12 અને 13 મેના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે જેમાં મુખ્ય આચાર્યપદે કાશીના આચાર્ય નવલશંકર કરુણાશંકર રાજગોર ઉપસ્થિત રહેશે.
કચ્છના રાજવી પરિવાર દ્વારા નિર્માણાધિન આ મંદિરના પ્રાણપ્રતિષ્ઠામાં ગુજરાતના વિવિધ રાજવી પરિવારો સહિત ત્રિપુરા, ગોંડલ અને જયપુરના રાજવી પરિવારો પણ ઉપસ્થિત રહેશે. તો ઉલ્લેખનીય છે કે પાંચ દેવી અને 51 શક્તિપીઠ સહિત અર્ધનારીશ્વરનું મંદિર પણ અહીં બનાવવામાં આવ્યું છે. તો સાથે જ મંદિરના નીચેના ભાગે એક ધ્યાન કેન્દ્ર પણ બનાવાયું છે.
કચ્છના અંતિમ રાજવી મહારાવ પ્રાગમલજી ત્રીજાની ઈચ્છા હતી કે તેઓ આ મંદિરનું નિર્માણ કરે પણ કોરોના મહામારી (Corona pandemic) ના દોરમાં તેમના દેહાંત બાદ તેમના પત્ની મહારાણી પ્રીતિદેવી દ્વારા આ કામ પૂરું કરાયું છે. મહારાવની ઈચ્છા મુજબ તેમના ધર્મપત્ની દ્વારા જાત નિરીક્ષણ કરી આ મંદિરને મહારાવની કલ્પના મુજબ બંધાવ્યું છે.
તો કચ્છના રાજાશાહી ઇતિહાસમાં અનેક મંદિરો કચ્છના મહારાણીઓ દ્વારા બંધાવવામાં આવ્યા છે. કચ્છ રાજ્યના ભુજ શહેરને પોતાનું નિવાસ અને વહીવટ સ્થાન બનાવનાર રાજપરિવારોના અનેક ઐતિહાસિક સ્મારકો આજે પણ અહીં હાજર છે. તો કચ્છભરમાં મહેલો બાંધનાર અહીંના રાજવીઓ ઉપરાંત અહીંના મહારાણીઓ દ્વારા અનેક મંદિરો પણ બંધાવવામાં આવ્યા છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર