Dhairya Gajara, Kutch: શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતું. દરેક શિક્ષક પોતપોતાની આગવી કોઠાસૂઝ વડે બાળકોને સમજી તેને અનુકૂળ શિક્ષણ આપવાનો પ્રયાસ કરે છે. ત્યારે કચ્છના એક શિક્ષક (Kutch Teacher) કિરતસિંહ ઝાલા મનોદિવ્યાંગ બાળકોને (Speciallyable) ભણાવી તેમને અન્ય વિદ્યાર્થીઓ સાથે સામાન્ય રીતે શિક્ષણ મળી શકે તે માટે તૈયાર કરે છે. તો પોતાની તાલીમ થકી તેમણે 50થી વધારે બાળકોને પગભર કર્યા છે. પોતાની બે દાયકા કરતાં વધારે કાર્યપ્રણાલી માટે હાલમાં જ તેમને રાજ્ય સરકાર તરફથી શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ (Best Teacher Award)પણ આપવામાં આવ્યો હતો.
ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે જાહેર કરવામાં આવતા રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અંતર્ગત ચાલુ વર્ષે રાજ્યના 44 શિક્ષકોની શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી હતી, જેમાં કચ્છના ચાર શિક્ષકોની પસંદગી થઈ છે. તે પૈકીના એક કિરતસિંહ વાઘુભા ઝાલા કે જેમની પસંદગી વિશિષ્ટ શિક્ષકની કેટેગરીમાં થઈ હતી, તેઓ છેલ્લા 23 વર્ષોથી મનોદિવ્યાંગ બાળકોને શિક્ષણ આપી રહ્યા છે.
IEDSS અંતર્ગત વિશિષ્ટ શિક્ષક તરીકે કિરતસિંહ ઝાલા છેલ્લા 23 વર્ષથી દિવ્યાંગ બાળકોને શિક્ષણ અને તાલીમ તથા પુનર્વસન માટે અભ્યાસ કરાવી રહ્યા છે. સ્પેશિયલ એજ્યુકેટર તરીકે તેમણે અનેક મનોદિવ્યાંગ તથા અન્ય દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓને શિક્ષણ તાલીમ અને પુનર્વસન માટેની તક પુરી પાડી છે. તો કચ્છના અંતરિયાળ રણકાંધી વિસ્તારમાં દિવ્યાંગ બાળકોનું સર્વે કરીને શાળામાં પ્રવેશ અપાવી મુખ્ય પ્રવાહમાં લાવવાના સઘન પ્રયત્નો પણ તેમના દ્વારા કરવામાં આવ્યા છે.
સ્પેશિયલ શિક્ષક તરીકે તેમણે સંસ્થાઓના સહયોગથી 700 જેટલા દિવ્યાંગ વ્યક્તિઓને સાધન સહાય પણ અપાવી છે. માત્ર અભ્યાસ ક્ષેત્રે નહીં પરંતુ સ્પોર્ટ્સ અને સંગીત ક્ષેત્રે પણ આવા બાળકોને આગળ વધવા પ્રોત્સાહન આપે છે. મનોદિવ્યાંગ બાળકોને સ્પેશિયલ ઓલિમ્પિક્સમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ સ્પોર્ટ્સમાં ભાગ લેવડાવી અને મેડલ પણ અપાવ્યા છે.
કિરતસિંહ ઝાલાને દિવ્યાંગ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ જિલ્લા કક્ષાએ વર્ષ 2016માં સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સ્પેશિયલ દ્વારા રિસોર્સ રૂમ સેન્ટર પર વિવિધ TLM મ્યુઝિક, ડાન્સ, યોગા પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ આપવું, પેરેન્ટ્સ કાઉન્સિલિંગ, મેડિકલ કેમ્પનું આયોજન કરી જરૂરિયાતમંદ દિવ્યાંગ બાળકોના ઓપરેશન કરાવવા, બ્લડ ડોનેશન કેમ્પ યોજવા, પોલિયોની રસી આપવી, રન ફોર યુનિટી તેમજ બલાઇન્ડ કાર રેલી, નવરાત્રી ઉત્સવ, સ્ટોલ પ્રદર્શન વગેરેનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
કિરતસિંહ દ્વારા આવા મનોદિવ્યાંગ બાળકોને યોગ્ય શિક્ષણ અપાવી તેમને પગભર કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પોતાની બે દાયકાની ફરજમાં તેમણે આવા 50થી વધારે બાળકોને રોજગાર અપાવી તેમને આત્મનિર્ભર કર્યા છે. આ સર્વે નોંધપાત્ર કામગીરીને જોઈ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ માટે તેમની પસંદગી થઈ હતી અને આગામી 5 સપ્ટેમ્બરના તેમને રાજ્યકક્ષાનો એવોર્ડ આપવામાં આવશે.