Home /News /kutchh /Kutch: STમાં મુસાફરી થશે મોઘી, એસટી નિગમના યુનિયનએ મુસાફરીના ભાડામાં વધારો કરવાની માગ કરી
Kutch: STમાં મુસાફરી થશે મોઘી, એસટી નિગમના યુનિયનએ મુસાફરીના ભાડામાં વધારો કરવાની માગ કરી
કર્મચારી મહામંડળે 56 ટકા જેટલા ભાવવધારાની માંગ કરી
છેલ્લા લાંબા સમયથી પેટ્રોલ અને ડિઝલના ભાવવધારાના કારણે એસ.ટી. નિગમ પર બોજો વધી રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્ય એસ.ટી. કર્મચારી મહામંડળ દ્વારા મુસાફરોના બસ ભાડામાં 56 ટકા ભાવવધારો કરવાની માંગ કરવામાં આવી છે.
Kutch: વિશ્વમાં કોરોના મહામારીએ (Corona Pandemic) પોતાનો કહેર વરસાવ્યા બાદ હજુ તો માંડ લોકોના ધંધા-નોકરી પાટા પર ચડ્યા હતા. ત્યાં જ રશિયા અને યુક્રેનના યુદ્ધે (Russia Yukraine War) વિશ્વભરમાં ઘેર પ્રત્યાઘાત પાડયા છે. યુદ્ધના કારણે વૈશ્વિક આયાત નિકાસ (Global Import Export) પર ફટકો પડતા સૌથી વધુ અસર પેટ્રોલ ડીઝલ પર પડી છે. ભારતમાં પણ આ કારણે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં સતત વધારા (Rise in Fuel prices) વચ્ચે પરિવહનનું ખર્ચ વધી રહ્યું છે. તો હવે ગુજરાતમાં એસટી નિગમના (GSRTC) યુનિયન દ્વારા પણ બસ મુસાફરીના ભાડામાં વધારો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જે કારણે કચ્છના હજારો લોકોને મોંઘવારીની વધુ એક માર સહન કરવી પડશે.
છેલ્લા થોડા સમયથી ડીઝલના ભાવમાં સતત વધારો આવતા ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની બસોને પણ આ ભાવવધારો મોંઘો પડી રહ્યો છે. ત્યારે ગુજરાત રાજ્ય એસ.ટી. કર્મચારી મહામંડળ દ્વારા છેલ્લા લાંબા સમયથી ખોટ ખાઈ રહેલા નિગમને ઉગારવા 56 ટકા જેટલા ભાવવધારાની માંગ કરી છે.
કર્મચારી મહામંડળ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી ભાવવધારો કરવા માંગ કરાઇ છે. તો સાથે જ કર્મચારી મહામંડળે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા નિગમને અપાતી સબસિડી છેલ્લા ત્રણ વર્ષથી ચૂકવાઈ નથી જેના એકલાની રકમ જ રૂ. 1700 કરોડ છે.
ઉલ્લેખનીય છે કે જો આ માંગણી સરકાર સ્વીકારે તો કચ્છના દૈનિક 65 થી 66 હજાર પ્રવાસીઓ પર આર્થિક બોજો વધશે. હાલ કચ્છ એસટી વિભાગ દૈનિક 360 જેટલા પ્રવાસ કરે છે. જેમાં 31 પ્રીમિયમ સર્વિસ પણ સામેલ છે, જેથી તેને રોજની 25 હજાર લિટર ડીઝલની ખપત છે. રોજના 65 હજાર જેટલા પ્રવાસીઓ બસ સેવાઓનો લાભ લે છે અને કચ્છ વિભાગને રોજની રૂ. 36 થી 37 લાખની આવક ઊભી થાય છે.
નોંધનીય બાબત છે કે 2014 બાદ એસ.ટી. નિગમ દ્વારા પેસેન્જર ભાડામાં કોઈ પ્રકારનો વધારો કરાયો નથી. જ્યારે કે તે સમયથી અત્યાર સુધી ડીઝલના ભાવમાં બે ઘણો વધારો થઈ ગયો છે. તો એસ.ટી. વિભાગને મળતાં બલ્ક ડીઝલના ટેન્કરોમાં પણ ભાવવધારો થયો હોવાથીથોડા સમય પૂર્વે જ નિગમે ટેન્કર ખરીદવાનું બંધ કરી બજારમાં ખાનગી પેટ્રોલ પંપ પરથી ડીઝલ ખરીદવાની ફરજ પડી છે.
તો ઉપરાંત વિદ્યાર્થીઓ માટે રાહત દરે અપાતા પાસ, વિદ્યાર્થીનીઓ માટે મફત સેવા અને અન્ય સેવાઓ પણ એસ.ટી. વિભાગ પર ભારે પડી રહ્યું છે. આ સર્વે કારણોથી એસ.ટી. નિગમ સતત ખોટ ખાઈ રહી છે, ત્યારે હવે રાજ્ય એસ.ટી. કર્મચારી મહામંડળે નિગમને ખોટમાંથી ઉગારવા ભાવવધારાની માંગ કરી છે.