Dhairya Gajara, Kutch: ભારતની આઝાદી પછી કચ્છ રાજ્ય પણ ભારત સંઘમાં જોડાયું હતું. રાજાશાહી પૂરી થયા બાદ પણ કચ્છ રાજપરિવાર આજ દિન સુધી પોતાની ધાર્મિક પરંપરાઓ નિભાવતો આવ્યો છે. સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ પ્રસંગો પર યોજાતી અનેક પુજા વિધીઓમાંથી ભુજના દરબાર ગઢમાં યોજાતી ચંદ્ર પૂજા સૌથી મહત્વપૂર્ણ છે તેવું કહી શકાય. કચ્છમાં જાડેજા રાજવંશનું શાસન શરૂ થયું તે સમયથી આજ સુધી હર મહિને અચૂકપણે આ પૂજા પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવે છે.
કચ્છનું જાડેજા ક્ષત્રિય રાજપરિવાર ચંદ્રવંશી છે અને તે કારણે જ આ કુળમાં ચંદ્રની પૂજા કરવી ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 1549માં રાઓ ખેંગારજી દ્વારા કચ્છની રાજધાની ભુજ ખસેડવામાં આવી હતી ત્યારથી હર મહિનાની અજવાળી બીજના અહીં આવેલા તેમના દેવસ્થાનમાં ચંદ્ર પૂજા કરવામાં આવે છે. ભૂકંપ બાદ મૂળ મંદિરનો સ્થળ જર્જરિત થતાં મંદિરને પ્રાગ મહેલની બાજુમાં આવેલા ટીલામેડી ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આજે પણ આ મંદિરમાં આ 474 વર્ષ જૂની ચંદ્ર પૂજા નિયમિતપણે કરવામાં આવે છે.
કચ્છના અંતિમ મહારાઓ પ્રાગમલજી ત્રીજા દ્વારા પણ સતત 40 વર્ષ સુધી આ પૂજા કરવામાં આવી હતી. આ પૂજા કેટલી મહત્વપૂર્ણ છે તેનો અંદાજો તેના પરથી જ લગાવી શકાય છે કે મહારાઓ પોતે દેશ દુનિયાના કોઈ પણ ખૂણામાં હોતાં તો પણ આ પૂજા વિધિસર સંપન્ન થાય તેની કાળજી રાખતા હતા. અન્ય કોઈ પ્રતિનિધિ હાજર ન હોય તો પોતે મુંબઈથી માત્ર પૂજા કરવા પરત ભુજ આવ્યા હોવાના પણ અનેક પ્રસંગ બન્યા છે.
બે વર્ષ પહેલા મહારાઓના અવસાન બાદ તેમના પત્ની અને પરિવારના મોભી મહારાણી પ્રીતિ દેવી દ્વારા પણ આ પરંપરા ચાલુ રાખી આ ચંદ્ર પૂજાની પરંપરા બરકરાર રાખવામાં આવી છે.
હર મહિને યોજાતી ચંદ્ર પૂજા જ નહીં પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન નાગ પંચમીના ભુજંગ દેવની પૂજા, માઇ આઠમની પૂજા, શ્રાવણ માસમાં રુદ્રાણી ખાતે પત્રી વિધિ અને આસો નવરાત્રી દરમિયાન માતાનો મઢ અને ભુજ આશાપુરા મંદિર ખાતે યોજાતી પત્રી વિધિ સહિત 30 જેટલી પૂજા વિધિ આજે પણ રાજપરિવાર દ્વારા નિભાવવામાં આવે છે.