ભુજ : કચ્છ (Kutch Rain Updates)માં આ વર્ષે મેઘરાજાએ ભારે હેત વરસાવ્યું છે. 23મી ઓગસ્ટ સુધી કચ્છમાં સિઝનનો 188 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં કોઈ પણ વિસ્તારમાં પડેલો આ સૌથી વધારે વરસાદ છે. સોમવારે પણ કચ્છમાં મેઘમહેર શરૂ રહી હતી. ત્યારે કચ્છની જીવાદોરી સમાન એવો ટપ્પર ડેમ (Tappar Dam) છલકાયો છે. ડેમ ઓવરફ્લો (Overflow) થયા બાદ તેના ત્રણ દરવાજા ખોલવમાં આવ્યા છે. પૂર્વ કચ્છને આ ડેમમાંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવતા ડેમ નીચે આવતા 12 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સોમવારે પણ ભુજ તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો. ભુજ શહેર, માધાપર સહિતમાં પવન સાથે વરસાદ પડ્યો હતો.
ભુજની ખારી નદીમાં પાણી વહેતું થયું
કચ્છમાં વરસાદથી ભુજની ખારી નદી વહેતી થઈ છે. આ એ નદી છે જ્યાં રઈસથી લઈને અનેક ફિલ્મોનાં શૂટિંગ થયા છે. નદી વહેતી થતાં નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા.
કચ્છમાં વરસાદથી ભુજ-માધાપર હાઇવે પર પાણી ભરાયા છે. પાણીને કારણે વાહન ચાલકોને ખૂબ પરેશાની ભોગવવી પડી હતી. ભુજના બસ સ્ટેશન વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા. પાણી ભરાવાને કારણે વેપારીઓએ પોતાની દુકાનો સ્વયંભુ બંધ રાખી હતી. બીજી તરફ હમીરસર તળાવ ભરાવા આવતા લોકો સવારથી જ જોવા માટે ઉમટી પડ્યા હતા. તળાવ ભરાવા આવતા લોકોમાં અનોખી ખુશી જોવા મળી હતી. બીજી તરફ નખત્રાણા તાલુકાનાં દેવીસર ગામનાં ભારે વરસાદના કારણે ઘરોમાં પાણી ભરાયા હતા. નીચાણવાળા વિસ્તોરોના ઘરોમાં પાણી ભરાતા લોકોએ હાલાકીની સામનો કરવો પડી રહ્યો છે.
કચ્છની જીવાદોરી સમાન ટપ્પર ડેમ ઉપરાંત પાવર પટ્ટીના નીરોણા ગામનો નાની સિંચાઇ યોજનાનો ડેમ પણ ઓવરફ્લો થયો છે. બીજી તરફ અબડાસા તાલુકાના સાંધવ ગામમાં નદી બે કાંઠે વહી રહી છે. નદી બે કાંઠે વહેતા કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેના પગલે રવા, બીટીયારી, ભાચુંડા, સાંધવ સહિતના ગામોને જોડતો રસ્તો બંધ થયો છે. જ્યારે અબડાસાના જ ગોયલા ગામ ખાતે લોકો મકાન ખાલી કરીને ઊંચાણવાળા વિસ્તારમાં સ્થળાંતર કરી ગયા છે. ગોયલા ડેમ તૂટવાની શક્યતાને લઈને લોકોએ સ્થળાંતર કર્યું છે.
વરસાદ વચ્ચે ભૂકંપનો આંચકો
કચ્છમાં મેઘમહેર વચ્ચે ભૂકંપનો આંચકો નોંધાતા લોકોમાં ભય ફેલાયો છે. સોમવારે સવારે 10:07 મિનિટે 4.1ની તિવ્રતાના કંપની સાથે ધરા ધ્રુજી હતી. રાપરથી 29 કિલોમીટર દૂર સ્થળ પર આંચકો અનુભવાયો હતો.