Dhairya Gajara, Kutch: સાંધા અને હાડકાના દુખાવા માટે ફિઝિયોથેરેપી સૌથી ઉત્તમ સારવાર માનવામાં આવે છે. તો બીજી તરફ રાસાયણિક દવાઓ રહિત સારવાર માટે લોકો આયુર્વેદિક ઈલાજ પસંદ કરતા હોય છે. જો કે આ બંને પદ્ધતિના સમન્વય થકી ઉત્તમ પરિણામ મેળવવા કચ્છમાં પ્રથમ વખત આયુર્-ફિઝિયો થેરેપીની શરૂઆત કરવામાં આવી છે. આ પ્રકારનું ઈલાજ ઓછા સમયમાં સારું પરિણામ આપી શકે છે તેવી તબીબોનું માનવું છે. કચ્છની સૌપ્રથમ ફિઝીયોથેરેપી કોલેજ ચાણક્ય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝીયોથેરેપી ખાતે કચ્છમાં અગાઉ ક્યારેય ન થયું હોય તેવું આયુર્વેદ અને ફિઝીયોથેરેપીના સમન્વયથી દર્દીઓનું ઈલાજ કરવામાં આવી રહ્યું છે. આ પદ્ધતિ મેડિકલ સાયન્સ માટે નવી નથી. દક્ષિણ ભારતના વિવિધ વિસ્તારો સહિત દેશના અન્ય સ્થળો પર પણ છેલ્લા અનેક સમયથી આ પદ્ધતિ અપનાવવામાં આવી છે ત્યારે કચ્છમાં પ્રથમ વખત આ પદ્ધતિ થકી દર્દીઓને ઝડપી અને રસાયણ મુક્ત સારવાર આપવામાં આવી રહી છે.
શરીરના વિવિધ અંગોમાં ઉત્પન્ન થતી પીડાને દૂર કરવા તેમજ તે પરત સામાન્ય રીતે કામ કરી શકે તે માટે સૌપ્રથમ આયુર્વેદ પદ્ધતિ અપનાવવામાં આવે છે. આયુર્વેદિક લેપ, દવાઓ તેમજ વિવિધ પ્રકારના તેલને વપરાશમાં લઈ દર્દીની સારવાર કરવામાં આવે છે. તો તેની સાથે જ રેગ્યુલર ફિઝીયોથેરેપીમાં ઇલેક્ટ્રિક ઉપકરણો વડે અપાતી સારવાર પણ આપવામાં આવે છે.
તબીબોનું કહેવું છે કે આ પ્રકારે બન્ને પદ્ધતિના સમન્વયથી દર્દીઓને સામાન્ય ઈલાજ કરતા બ ઘણો ફાયદો થાય છે. સામાન્યપણે જે ઈલાજને 15 થી 20 દિવસ લાગતા હોય છે તે પરિણામ આયુર્-ફિઝિયો થેરેપીથી એક સપ્તાહથી દસ દિવસની અંદર મળી રહે છે. તો સાથે જ આ પદ્ધતિ સંપૂર્ણપણે રાસાયણિક દવાઓથી રહિત હોતાં દર્દીઓને આડઅસરની પણ કોઈ ચિંતા રહેતી નથી.
ચાણક્ય આયુર્-ફિઝિયો ક્લિનિક ખાતે આયુર્વેદ તબીબ તરીકે ફરજ બજાવતા ડૉ. નિકિતા ઉદ્દેશીએ જણાવ્યું હતું કે સાંધા વાના દર્દીઓને સામાન્યપણે પંચકર્મ જેવી આયુર્વેદિક પદ્ધતિથી રાહત આપવામાં 15 થી 20 દિવસ લાગે છે ત્યારે ફીઝિયોથેરેપી સાથે તે એક અઠવાડિયામાં પરિણામ દેખાડે છે. તો ફીઝિયોથેરેપી તબીબ તરીકે ફરજ બજાવતા ડૉ. માનવ સોનીએ જણાવ્યું હતું કે આ પદ્ધતિમાં આયુર્વેદ અને ફીઝિયોથેરેપી એકસરખો મહત્વ ધરાવે છે. બન્નેને જુદી જુદી રીતે જે પરિણામ લાવવામાં 10-10 દિવસ લાગતા હોય તે પરિણામ આયુર્-ફીઝિયો દ્વારા એક સપ્તાહમાં પણ મેળવી શકાય છે.