Dhairya Gajara Kutch: સામાન્યપણે વાલીઓ પોતાના સંતાનોને સારી ગુણવત્તાનું શિક્ષણ (Good quality education) અપાવવા ખાનગી શાળાઓમાં (Private Schools) મોકલવા ઉપરાંત ખાનગી ટ્યુશનમાં મોકલે છે. તો બીજી તરફ સરકારી શાળાઓમાંસારું શિક્ષણ ન મળતું હોવાનું માની તેના પ્રત્યે અણગમો રાખે છે. પણ ભુજની એક વિદ્યાર્થિનીએ વાલીઓને પોતાની આ માનસિકતા પર પ્રશ્ન ઊભા કરવા મજબૂર કર્યા છે. ભુજની એક સરકારી શાળામાં (Bhuj Government School) અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ કોઈ પ્રકારના ખાનગી ટ્યુશન વગર ધોરણ 12 સાયન્સમાં (Class 12 Result) 98 પર્સેન્ટાઇલ રેન્ક મેળવ્યો છે.
ભુજની ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઇસ્કુલ સરકારી શાળામાં અભ્યાસ કરી મિત્તલ અરવિંદભાઈ બુચિયા નામની વિદ્યાર્થિનીએ ધોરણ 12 સાયન્સ બી ગ્રુપમાં 84 ટકા ગુણ સાથે 98.89 પર્સેન્ટાઇલ રેન્ક મેળવ્યો છે. તો સાથે જ આવેલા ગુજકેટના પરિણામમાં મિત્તલે 120માંથી 105.5 મેળવ્યા હતા.
અહીં આશ્ચર્યની વાત એ છે કે માધ્યમ વર્ગમાંથી આવતી મિત્તલે કોઈ પણ પ્રકારના ખાનગી ટ્યુશન ક્લાસ વગર ધોરણ 12 સાયન્સમાં આટલા ગુણ મેળવ્યા છે. સરકારી શાળામાં અભ્યાસ કરતી મિત્તલ રોજ શાળામાં પોતાના શિક્ષકો દ્વારા કરાવવામાં આવેલો અભ્યાસ કરી ઘરે પોતાની જાતે છ થી આઠ કલાક અભ્યાસ કરતી અને જો કોઈ પ્રશ્ન ઉદભવે તો ફરી બીજા દિવસે આવી શિક્ષકોનું માર્ગદર્શન મેળવતી.
ઉલ્લેખનીય છે કે આજે ધોરણ 11 અને 12 સાયન્સ બાદ ઉજળી તકો હોવાથી અનેક વિદ્યાર્થીઓ આ પ્રવાહ પસંદ કરે છે અને હરીફાઈના જમાનામાં પોતાનો સંતાન દોડમાં પાછળ ન રહી જાય તે માટે લાકડા જેવી ફી વસૂલતા ખાનગી ટ્યુશન ક્લાસમાં પ્રવેશ મેળવે છે. આજે કચ્છમાં આ ટ્યુશનના ધંધા એવા વિકસ્યા છે કે સાયન્સ પ્રવાહના બે વર્ષના ટ્યુશનની ફી રૂ. એક લાખને પાર કરે છે અને જો બાળક ખાનગી શાળામાં અભ્યાસ કરતો હોય તો તે અલગ.
આ વચ્ચે એક સામાન્ય પરિવારમાંથી આવતી મિત્તલે લોકોને પોતાના વિચારો પર ફરી એક વખત વિચાર કરવા મજબૂર કર્યા છે અને સાબિત કર્યું છે કે યોગ્ય માર્ગદર્શન અને મન લગાવીને કરેલી મહેનતથી જ અભ્યાસમાં સારા ગુણ મેળવી શકાય છે, તેના માટે ખાનગી શાળા કે ખાનગી ટ્યુશનની જરૂર હોતી નથી.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર