Home /News /kutchh /Kutch: આવું તો ખેડૂત જ કરી શકે! ખેતર બહાર જ શરૂ કરી ફળની દૂકાન, આવક થઇ ડબલ

Kutch: આવું તો ખેડૂત જ કરી શકે! ખેતર બહાર જ શરૂ કરી ફળની દૂકાન, આવક થઇ ડબલ

X
બજાર

બજાર ભાવ કરતાં અનેકગણી ઓછી કિંમત મળતી હોવાથી પરેશાન થયેલા ખેડૂતે વાડી બહાર જ કન્ટેનરમાં દુકાન બનાવી માલ વહેંચવાનું શરુ કરતા લોકોને સસ્તા ભાવે તાજા શાકભાજી મળે છે.

બજાર ભાવ કરતાં અનેકગણી ઓછી કિંમત મળતી હોવાથી પરેશાન થયેલા ખેડૂતે વાડી બહાર જ કન્ટેનરમાં દુકાન બનાવી માલ વહેંચવાનું શરુ કરતા લોકોને સસ્તા ભાવે તાજા શાકભાજી મળે છે.

Dhairya Gajara, Kutch: કચ્છ એક રણપ્રદેશ હોવા છતાંય અહીં ખેતી મુખ્ય વ્યવસાય છે. કચ્છના પ્રગતિશીલ ખેડૂતોના અવનવા પ્રયોગો અને પરિશ્રમ થકી આ જિલ્લાએ ખેતીના ક્ષેત્રમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. પરંતુ છતાંય ખેડૂતોનું ઉત્પાદન બજાર સુધી પહોંચવામાં અનેક મુશ્કેલીઓ આવતી હોય છે. કચ્છના એક ખેડૂતે આ મુશ્કેલી દૂર કરવા પોતાની વાડી બહાર જ બજાર ઊભી કરી છે. ભુજ અંજાર હાઇવે પર હાઇવેની બાજુમાં એક એસી કન્ટેનર મૂકી ખેડૂત પોતાની વાડીનું ઉત્પાદન સીધું ગ્રાહકોને વહેંચી રહ્યો છે.

ભુજથી અંજાર જતા મહામાર્ગ પર રેલડી ગામમાં હરેશ ઠક્કરની વાડી આવેલી છે. આમ તો હરેશભાઇએ સૂકા રણપ્રદેશમાં કમલમ ડ્રેગન ફ્રૂટ, એક્ઝોટિક વેજીટેબલ, કચ્છી કેસર કરી ઉપરાંત સફરજન અને સ્ટ્રોબેરી જેવા ફળોનું સફળ વાવેતર કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્રોત બન્યા છે. તો આ વર્ષે હરેશભાઇએ ગ્રાહકોને અને પોતાને આર્થિક ફાયદો થાય તે માટે પોતાની વાડીની બહાર હાઇવે પર એક કન્ટેનરમાં ફળોનું વેંચાણ શરૂ કર્યું છે.હરેશભાઇએ કન્ટેનરની એક બાજુની દીવાલ કાઢી તેની જગ્યાએ કાંચ લગાડી અંદર એર કન્ડીશન ફીટ કરી ફ્રેશ ફ્રોમ ફાર્મ ટુ ફોર્ક પ્રકારનું એક નવતર વેંચાણ કેન્દ્ર શરૂ કર્યું છે. અંદાજે સવા લાખ રૂપિયામાં તૈયાર થયેલું આ કેન્દ્ર હાઈવેની બાજુમાં રખાયેલું હોતાં આવતા જતા લોકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બને છે અને લોકો ત્યાં થંભી તેની મુલાકાત લે છે અને સાથે જ ફળ શાકભાજીની ખરીદી પણ કરે છે.

ફળ શાકભાજી વાડીમાંથી સીધા ગ્રાહકોને મળતાં તેના પાછળ ખેડૂતના અનેક પ્રકારના ખર્ચની બચત થાય છે અને તે કારણે ગ્રાહકોને પણ બજાર કરતા સસ્તા ભાવે પોતાનો માલ વહેંચી શકે છે. News18 સાથે વાત કરતા હરેશભાઇએ જણાવ્યું હતું કે આ પ્રકારની વેંચાણ પદ્ધતિથી જથ્થાબંધ વેપારી, છુટક વેપારી અને ટ્રાન્સપોર્ટ ખર્ચ બચે છે જે કારણે ખરીદનારને શાકભાજી સસ્તા ભાવે મળી રહે અને ખેડૂતની આવક પણ બમણી થાય.

આ સિસ્ટમનો એક દાખલો આપતા હરેશભાઇએ જણાવ્યું હતું કે બજારમાં દૂધીના છૂટક ભાવ રૂ. 60 પ્રતિ કિલોગ્રામ છે જ્યારે કે ખેડૂતને જથ્થાબંધ ભાવ માત્ર રૂ. 10 પ્રતિ કિલો મળે છે. જો આ જ રીતે ખેડૂતો પોતાની વાડી બહાર અથવા ગામમાં કન્ટેનર અથવા અન્ય કોઈ રીતે સીધું વેંચાણ શરૂ કરે તો ગ્રાહકોને ફાયદો થવાથી તેમનું વેંચાણ વધશે અને તેમની કમાણીમાં પણ અનેક ગણો વધારો થાય. તો સાથે જ હરેશભાઇએ ઈચ્છા વ્યક્ત કરી હતી કે જો સરકાર દ્વારા પણ આ પ્રકારે કોઈ નિશ્ચિત સ્થળ આપી વેંચાણ કેન્દ્રો સ્થાપવા ખેડૂતોને પ્રોત્સાહન આપવામાં આવે તો આ કૃષિપ્રધાન દેશમાં ખેડૂતોની આવકમાં ખરેખર એક મોટો સુધારો આવશે.
First published:

Tags: Fruits, Kutch, ખેડૂત

विज्ञापन