Home /News /kutchh /Kutch: પ્રાણપ્યારી ઘોડીના નિધન બાદ પરિવારે પોતાની વાડીમાં સમાધિ આપી પ્રાર્થનાસભા યોજી

Kutch: પ્રાણપ્યારી ઘોડીના નિધન બાદ પરિવારે પોતાની વાડીમાં સમાધિ આપી પ્રાર્થનાસભા યોજી

X
સમગ્ર

સમગ્ર ગુજરાતમાં પોતાની રેવાલ ચાલ અને સુંદરતા માટે પ્રખ્યાત હતી શોભા

કચ્છના અબડાસા તાલુકાના વિંઝાણ ગામે ક્ષત્રિય પરિવારના સભ્ય જેવી ઘોડીના નિધન બાદ પરિવારે તેને પોતાની વાડીમાં સમાધિ આપી વાડી ખાતે જ પ્રાર્થનાસભા યોજી તેની મોક્ષ પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી હતી.

Dhairya Gajara, Kutch: કચ્છ જિલ્લો માનવ અને પશુઓના (Kutch Animals) અનોખા સંબંધ માટે જાણીતો છે. માનવ વસતી કરતા ચડિયાતી પશુ વસતી ધરાવતા જિલ્લામાં (Kutch District) પશુપ્રેમના અનોખા દાખલ અવારનવાર જોવા મળે છે. હાલમાં જ કચ્છના અબડાસા તાલુકાના (Abadasa Kutch) વિંઝાણ ગામના એક પરિવારે બે દાયકાથી પોતાની સાથે રહેતી ઘોડીના મરણ બાદ તેને ન માત્ર પોતાની વાડીમાં સમાધિ આપી પણ તેની યાદમાં પ્રાર્થનાસભા (Funeral of Horse) પણ યોજી હતી.

"પુત્ર યુદ્ધે ચડતો હોય ત્યારે રજપૂત પિતા નબળા ઓહાણ ન લાવે,\" તેવું કહી કચ્છના ભદ્રેશ્વરના 12 વર્ષના કુંવર મહેરામણજી લાખોના લશ્કર સામે યુધ્ધમાં ઉતર્યા હતા. શત્રુનો વધ કરવા તેમની ઘોડી પટ્ટી એક છલાંગમાં અઢાર ક્રમનું આંતર કાપી શત્રુ પર ગીધની જેમ ત્રાટકી અમર થયા બાદ રાવળ જામ પણ બોલી ઉઠ્યા હતા કે, \"હાલા તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગ વખાણું\" આ કથા તો ગુજરાતી ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલી છે એવા કચ્છનો પ્રાણીઓ સાથેનો ઇતિહાસ અનોખો રહ્યો છે.

એવો જ એક પશુપ્રેમનો દાખલો ફરી કચ્છમાંથી જોવા મળ્યો છે. અશ્વપ્રેમી ક્ષત્રિય પરિવારે પોતાની પ્રાણપ્યારી ઘોડીના નિધન બાદ તેને પોતાની વાડીમાં સમાધિ આપી તેને મોક્ષની પ્રાપ્તિ થાય તેવી પ્રાર્થના સાથે અંતિમ વિદાય આપતા પ્રાર્થનાસભા યોજી હતી. અબડાસા તાલુકાના વિંઝાણ ગામના હકુમતસિંહ જાડેજાનો પરિવાર અનેક પેઢીઓથી ઘોડા પાળી રહ્યો છે. પોતાના 30 જેટલા ઘોડાને પોતાના પરિવારના સભ્ય માનતા પરિવારની શોભા નામની 32 વર્ષીય ઘોડીનું નિધન થતાં પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી.

આ પણ વાંચો- ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો, જાણો કયાં કેટલા કેસ નોંધાયા

હકુમતસિંહે જણાવ્યું હતું કે શોભા તેના નામ મુજબ જ ગુણ ધરાવતી હતી અને પરિવારના દરેક સભ્યો સાથે પ્રેમથી રહેતી હતી. પરિવારના તેમજ ગામના અનેક સભ્યોએ શોભા પર બેસી પોતાના લગ્ન કર્યા હતા તો પરિવારના અનેક બાળકોએ શોભા પર બેસી ઘોડેસવારી શીખી હતી. વય મર્યાદાના કારણે થોડા સમયથી બીમાર રહેતી શોભાએ હકૂમતસિંહ પાસે જ અંતિમ શ્વાસ લીધા બાદ ન માત્ર પરિવારમાં પણ સમગ્ર કચ્છ કાઠિયાવાડના અશ્વપ્રેમીઓમાં શોકની લાગણી ફેલાઇ હતી.

પોતાના જીવથી પણ વ્હાલી શોભાની દુઃખદ વિદાયથી શોકમગ્ન પરિવારે તેને પોતાની વાડીમાં જ સમાધિ આપી હતી. તો એક પરિવારના સભ્યની જેમ તેના દેહાંત બાદ તેને મોક્ષની પ્રાપ્તિ થાય તેવી પ્રાર્થના સાથે પોતાની વાડીએ પ્રાર્થનાસભા યોજી હતી. સમગ્ર ગુજરાતમાં પોતાની રેવાલ ચાલ અને રૂપના કારણે પ્રસિદ્ધ શોભાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા દૂર દૂરથી લોકો આ પ્રાર્થનાસભામાં પહોંચ્યા હતા.

આ પણ વાંચો- માત્ર 38 દિવસના બાળકને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના થકી મળ્યું નવજીવન

ઉલ્લેખનીય છે કે કાઠિયાવાડી નસ્લની આ ઘોડીનો પિતા જૂનાગઢ પેલેસની લાઈનેજનો હતો અને માતા સોનગઢ ચોટીલાના ઉદય ભગત બાપુ અને કિશોર ભગત બાપુની ઘોડી હતી. સોનગઢથી આવેલી શોભાએ હકુમતસિંહની વાડીની શોભા વધારી હતી તેવું તેમણે ઉમેર્યું હતું. રેવાલમાં ગુજરાત ચેમ્પિયન શોભાએ કચ્છ, રાજકોટ, અમદાવાદ, પાટણ, મહેસાણા સહિત તરણેતરના મેળામાં પણ રેવાલ તેમજ સુંદરતાની સ્પર્ધામાં ભાગ લઈ વિજેતા બની હતી.

આમ તો પ્રાણીઓનો ઉપયોગ આપણે મનુષ્યો પોતાના અંગત સ્વાર્થ માટે કરતા હોઈએ છે. પણ વર્ષોથી પાળેલા પશુના નિધનથી એક પશુપ્રેમી પરિવારમાં એક સભ્ય ગુમાવ્યા જેટલો જ શોક ફેલાતો હોય છે. વિંઝાણના આ ક્ષત્રિય પરિવારની લાગણી માનવ અને પશુ વચ્ચેના અનોખા સંબંધને ઉજાગર કરે છે.
First published:

Tags: Kutch, Kutchh News, કચ્છ સમાચાર