Dhairya Gajara, Kutch: કેન્દ્રીય બજેટ નજીક આવતા ફરી એકવખત કચ્છને ઇન્ટરનેશનલ એરપોર્ટ આપવાની માંગ ઉઠવા પામી છે. દેશના છેવાડાનો પરંતુ દેશના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવતા દેશના સૌથી મોટા જિલ્લાને આ વર્ષના કેન્દ્રીય બજેટમાં ઘણી આશાઓ છે. ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ કચ્છ દ્વારા વખતોવખત વિવિધ સ્તરે એક આંતરાષ્ટ્રીય એરપોર્ટની માંગ કરવામાં આવી છે. તો આ વર્ષેના યુનિયન બજેટ કચ્છ માટે એક આંતરાષ્ટ્રીય એરપોર્ટની ભેટ હોય તેવી ઈચ્છા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વ્યક્ત કરાઈ હતી.
સરહદી જિલ્લા કચ્છના મુખ્ય મથક ભુજનો એરપોર્ટ પોતાની સ્વચ્છતા અને તેના વિશેષ બાંધકામ માટે ખૂબ જાણીતો છે. જે તે સમયે આંતરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવાના ધ્યેય સાથે બનાવાયેલો આ એરપોર્ટ આજ દિન સુધી ડોમેસ્ટિક એરપોર્ટ બનીને રહી ગયો છે. વખતોવખત તેને આંતરાષ્ટ્રીય ઉડાન ભરવા માટેની જરૂરી સુવિધાઓ પૂરી પાડવા માટેની મંજૂરી કચ્છની ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરવામાં આવી છે.
વર્ષ 2023નું યુનિયન બજેટ સત્ર નજીક આવતા ફરી એકવખત આ માંગ તીવ્ર બની છે અને ભુજના આંતરાષ્ટ્રીય એરપોર્ટ મળે તેવી ઈચ્છા ચેમ્બર ઓફ કોમર્સે દર્શાવી હતી. તો સાથે જ ચેમ્બર ઓફ કોમર્સે કચ્છને દેશની સર્વશ્રેષ્ઠ આરોગ્ય સુવિધા આપનાર એઇમ્સ હોસ્પિટલ મળે તેવી ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. એઇમ્સ થકી કચ્છ મેડિકલ હબ બનશે તેવી ખાતરી ચેમ્બરે દર્શાવી હતી.
દેશના સૌથી મોટા જિલ્લામાં આવેલી એકમાત્ર જિલ્લા સ્તરની હોસ્પિટલ પણ હાલ ખાનગી સંચાલન હેઠળ છે અને તેમાં સુવિધાઓના અભાવ વિશે અવારનવાર ફરિયાદો ઉઠતી હોય છે. ત્યારે એઇમ્સ જેવી હોસ્પિટલ કચ્છને મળે તો આ વિશાળ જિલ્લાના છેવાડાના લોકો પણ તેનો લાભ લઈ શકશે.
ઉલ્લેખનીય છે કે એક દાયકા પહેલા નરેન્દ્ર મોદીએ કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ સાથેની મુલાકાતમાં કહ્યું હતું કે કચ્છ આરોગ્ય સુવિધાઓનો હબ બની શકે છે. ત્યારે આ યુનિયન બજેટમાં કચ્છને આંતરાષ્ટ્રીય એરપોર્ટ સાથે એઇમ્સ હોસ્પિટલ મળે તો કચ્છના લોકો સાથે વિદેશમાં વસતા અને ખાસ ગલ્ફ દેશોમાં વસતા કચ્છી લોકો પણ પોતાના વતનમાં સર્વશ્રેષ્ઠ સારવાર મેળવી શકશે.