Home /News /kutchh /ઉડતા ગુજરાત: કચ્છનો દરિયો બન્યો નશીલા પદાર્થોના વેપારનો મુખ્ય દ્વાર, ડ્રગ્સ બાદ ચરસના પેકેટ પકડાયા 

ઉડતા ગુજરાત: કચ્છનો દરિયો બન્યો નશીલા પદાર્થોના વેપારનો મુખ્ય દ્વાર, ડ્રગ્સ બાદ ચરસના પેકેટ પકડાયા 

તાજેતરમાં સીંધોડી દરિયાકિનારેથી સ્ટેટ આઇબીને ચરસના 20 પેકેટ મળી આવ્યા હતા

ત્રણ વર્ષ પહેલાં સૌપ્રથમ વખત દરિયાકિનારે ચરસના પેકેટ મળી આવ્યા બાદ આ સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે ચાલુ એપ્રિલ મહિનામાં જ ત્રણ વખત ચરસના પેકેટ મળી આવ્યા છે

Dhairya Gajara, Kutch: ભારત અને પાકિસ્તાનની સરહદ (India Pakistan Border) પર આવેલો કચ્છ જિલ્લો (Kutch District) ભૂગોળની દૃષ્ટિએ એક ખૂબ જ કઠિન વિસ્તાર છે. દેશના સૌથી મોટા જિલ્લાની મોટા ભાગની ઉત્તરી સીમા પાકિસ્તાન (Kutch Pakistan Border) સાથે જમીન અને દરિયાઇ માર્ગે જોડાયેલી છે. તો જમીન અને દરિયા ઉપરાંત આવેલું ક્રીક વિસ્તાર (Kutch Creek Area) આ સરહદની રખેવાળી માટે ખૂબ કઠિન બને છે. છેલ્લા થોડા સમયથી પાકિસ્તાનમાંથી ભારતમાં વિવિધ પ્રકારના માદક દ્રવ્યો ઘુસાડવા માટે કચ્છ એક સોફ્ટ એન્ટ્રી પોઇન્ટ તરીકે સાબિત થયું છે. કચ્છના મુન્દ્રા પોર્ટ પર ગત વર્ષે 21 હજાર કરોડનું ડ્રગ્સ પકડાયા ઉપરાંત છેલ્લા ત્રણ વર્ષોથી કચ્છની સમુદ્રી સીમાઓ પરથી દરિયામાંથી કરોડોની કિંમતનું ચરસ (Hashish in Kutch) પણ વહી આવ્યા છે.

અત્યાર સુધી ચરસના 4500થી વધારે પેકેટ પકડાયા

કચ્છના સમુદ્રી કિનારાઓ પાસેથી ચરસના પેકેટ મળવાનો સિલસિલો 2019થી શરુ થયું હતું. સૌપ્રથમવાર વર્ષ 2019માં વિવિધ જાપ્તામાં સુરક્ષા એજન્સીઓ ને 200થી વધારે પેકેટ મળી આવ્યા હતા. તે વર્ષમાં એકથી વધારે જાપ્તામાં ચરસના પેકેટ મળી આવતા બધી જ સીમા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી અને ત્યારથી જ અર્ધ લશ્કરી દળો દ્વારા પણ સીમા પર ચેકીંગમાં વધારો કરાયો હતો.

તો તેના બીજા વર્ષે 2020માં પણ આ તપાસ ઓપરેશન સતત ચાલુ રહી હતી જેમાં સમગ્ર વર્ષ દરમ્યાન સુરક્ષા એજન્સીઓ દ્વારા 1300 કરતા વધારે ચરસના પેકેટ શોધી કાઢ્યા હતા. આમાં સીમા સુરક્ષા બળ ઉપરાંત ભારતીય તટરક્ષક દળ, મરીન ટાસ્ક ફોર્સ ઉપરાંત સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરોને પણ તપાસ દરમિયાન ચરસના પેકેટ મળી આવ્યા હતા.

તો 2021માં તેના પહેલાંના બે વર્ષનો રેકોર્ડ તોડી સૌથી વધારે 3000થી વધારે પેકેટ પકડી પાડવામાં આવ્યા હતા. સમગ્ર વર્ષ દરમ્યાન દરેક સુરક્ષા એજન્સી દ્વારા સમયાંતરે તપાસ આદરી મોટી માત્રામાં ચરસના પેકેટ પકડી પાડ્યા હતા.

ત્યારે ચાલુ વર્ષે આ ચાર મહિનામાં જ સુરક્ષા એજન્સીઓને 34 જેટલા ચરસના પેકેટ મળી આવ્યા છે. જેમાંથી ચાલુ એપ્રિલ મહિનામાં જ ત્રણ વખત કચ્છના અબડાસા વિસ્તારમાંથી ચરસના પેકેટ મળી આવ્યા હતા. તો આ ત્રણ વર્ષમાં મળેલા પેકેટને ખૂબ સારી રીતે પેક કરેલા હોય છે જેથી પાણી અંદર ઘુસી શકે નહીં તેમજ તેના પર કોફી હોવાનું લખાણ પણ લખેલું હોય છે.



તારીખ 8 એપ્રિલના જખ મંદિર પાસેથી ચરસના બે પેકેટ મળ્યા હતા જે બાદ 13 તારીખે સ્ટેટ આઇ.બી.ને અબડાસાના સિંધોડી દરિયા કિનારેથી 6 પેકેટ મળ્યા હતા અને 19 તારીખે ફરી એક વખત ચરસના 18 આખા અને બે તૂટેલા પેકેટ મળી આવ્યા હતા. આ રીતે છેલ્લા ત્રણ વર્ષોમાં કચ્છના દરિયાકાંઠેથી 4500થી વધારે પેકેટ મળી આવ્યા છે, જેમાંથી 1432 જેટલા પેકેટ એકલા બી.એસ.એફ.ને મળેલા છે.

આટલી મોટી માત્રામાં ચરસ તણાઈ આવવા પાછળ શું હશે કારણ

છેલ્લા ત્રણ વર્ષથી કચ્છમાંથી ગેરકાયદેસર રીતે ભારતમાં ઘુસાડવામાં આવતું ચરસ અનેક સવાલો ઉભા કરે છે. સુરક્ષા એજન્સીઓ તેમજ ઇન્ટેલિજન્સ એજન્સીઓ દરેક દિશામાં તપાસ કરી રહી છે ત્યારે દરેક તારણની શક્યતાઓ પર પણ તપાસ થઈ રહી છે.



તો એક સુરક્ષા એજન્સીના અધિકારીએ જણાવ્યું હતું કે કચ્છ પાસે આવેલી આંતરાષ્ટ્રીય જળ સીમા પરથી અનેક પાકિસ્તાની માછીમારો ભારતીય સીમામાં ઘૂસી આવતા પકડાઈ જાય છે. જો કે, મોટે ભાગે તેમની પાસેથી કોઈ વાંધાજનક વસ્તુઓ મળતી નથી. તે જ રીતે કચ્છ મારફતે ભારતમાં ચરસ ઘુસાડવા માગતા લોકોને જ્યારે જવાનોના હાથે પકડી જવાની આશંકા હોય ત્યારે તેઓ મધદરિયે આ ચરસના પેકેટ પાણીમાં ફેંકી દેતા હશે. જેથી દરિયામાં ભરતી અને ઓટ મુજબ આ પેકેટ કચ્છના દરિયાકાંઠે તણાઈ આવતા હશે. ચરસ મળવાના આ બનાવો પાછળ સૌથી તાર્કિક કારણ આ જ છે તેવું અધિકારીએ પોતાની ઓળખ ગુપ્ત રાખવાની શરતે જણાવ્યું હતું.

આ પણ વાંચો: 6 વર્ષની બાળકી સાથે બળાત્કાર,  કોર્ટે ફટકારી આજીવન કેદ

પણ આ સમગ્ર વિષયમાં નોંધનીય બાબત એ છે કે આ ચરસ આવવાનો મૂળ હજુ સુધી કોઈ સુરક્ષા એજન્સી શોધી શકી નથી. અને બીજી બાજુ સરહદી ગામોના લોકોને આ ચરસનો જથ્થો હાથે લાગતા વહેંચવાનો પ્રયાસ પણ કર્યો હોય તેવા બનાવો પણ સામે આવ્યા હતા. માંડવીના બે લોકો આ ચરસ વહેંચતા પોલીસના હાથ ઝડપાયા હતા તો બીજી તરફ ભુજમાં પણ તેવા જ પેકિંગમાં વેંચવા માટે રખાયેલી ચરસ ઝડપાયું હતું. દરિયામાંથી મોતીની જેમ નીકળતા આ ચરસમાંથી જ્યારે લોકો કમાણી કરવાનું પ્રયાસ કરી રહ્યા છે તે કચ્છ અને દેશ માટે ગંભીર બાબત બને છે.
First published:

Tags: Drugs Case, Drugs racket, Kutch, કચ્છ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો