રાજા રામના દરબારમાં પધારેલા દેવતાઓ આ કૃતિમાં દેખાય છે
સામાન્યપણે ટ્રી ઓફ લાઇફ અને અન્ય આર્ટ પીસમાં જોવા મળતી રોગાન કળા વડે માધાપરના કારીગરે રાજા રામ દરબારની કૃતિ બનાવી રોગાન કળાને એક નવી ઊંચાઈ પર લઈ ગયા છે
Dhairya Gajara, Kutch: કોઈ જાદુની છડી કાપડ પર રંગીન ડિઝાઇન બનાવતી હોય તેવી રોગાન છાપ કળા કચ્છની સૌથી દુર્લભ કળામાંથી એક છે. ખૂબ ઓછા કારીગરો આ સદીઓ જૂની કળા સાથે જોડાયેલા છે પરંતુ આ ગણ્યા ગાંઠ્યા કારીગરો પણ પોતાના હાથના જાદુથી સૌને અચંભિત કરી દે છે. હાલમાં જ આ કળાના એક યુવાન કારીગર આશિષ કંસારાએ રોગાન કળા વડે રાજા રામ દરબારની કૃતિ બનાવી સૌને અચંભિત કરી મુક્યા છે.
સામાન્યપણે ટ્રી ઓફ લાઇફ જેવી કૃતિઓ જ રોગાનમાં જોવા મળતી હોય ત્યારે આશિષભાઈએ વનવાસ બાદ પરત ફરેલા ભગવાન રામના દરબારનું ચિત્ર બનાવી આ કળાને એક નવી ઊંચાઈ પર લઈ ગયા છે.
ભુજ શહેર નજીક આવેલા માધાપર ગામના આશિષ કંસારાએ પોતાના બાળપણમાં પાટણથી આ કળાનું જ્ઞાન મેળવ્યું હતું. છેલ્લા પાંચ વર્ષથી આશિષભાઈએ રોગાન તરફ પોતાનું સર્વસ્વ આપી મોટે પાયે રોગાન કામ કરવાનું શરૂ કર્યું છે. અન્ય કારીગરોની જેમ આશિષભાઈ પણ રોગાન કળા વડે બ્લાઉસ, ઘાઘરા, સાડી અને દુપટ્ટા તો બનાવે જ છે પરંતુ તેમના દ્વારા બનાવાતા દેવી દેવતાઓના ચિત્રો તેમને અન્ય કારીગરોથી અલગ પાડે છે.
રોગાન કળા ખૂબ મુશ્કેલ કળા માનવામાં આવે છે અને તે કારણે જ મોટાભાગના કારીગરો આ કળા વડે ટ્રી ઓફ લાઇફ જેવી કૃતિઓ બનાવતા હોય છે. પરંતુ આશિષ ભાઈ દેવી દેવતાઓના ચિત્રો પણ આ કળા વડે કાપડ પર ઉતરે છે જેને ખૂબ બારીક કારીગરીની જરૂર પડે છે. આવી જ વધુ એક કૃતિ બનાવતા આશિષભાઈએ હાલમાં રાજા રામ દરબારની કૃતિ પણ બનાવી છે. રામાયણમાં જ્યારે ભગવાન રામ વનવાસ પૂરું કરી અયોધ્યા પરત આવી ગાદી પર બેસે છે ત્યારે રામના ભાઈઓ અને હનુમાન ઉપરાંત શિવ, બ્રહ્મા, ગણેશ, વેદ વ્યાસ અને નારદ મુનિ પણ તેમને આવકારવા હાજર હોય છે. આ પ્રસંગને રામાયણમાં રાજા રામ દરબાર તરીકે દર્શાવવામાં આવ્યો છે.
લગભગ ત્રણ મહિનાથી વધારે સમયની મહેનત બાદ આશિષભાઈએ આ રજા રામ દરબારની કૃતિ તૈયાર કરી છે અને જેમ રોગાન કળામાં કાપડની અડધી બાજુ કામ કરી તેને વાળી બન્ને બાજુ રંગ આવે છે તેમ આ ચિત્ર બનાવવા આશિષ ભાઈએ બે અલગ અલગ કાપડનું વપરાશ કરતા રાજા રામ દરબની એક સાથે બે કૃતિઓ બનાવી છે.