કચ્છ: કચ્છ ખાવડા નજીક ખોદકામ દરમિયાન મોટી દુર્ઘટના બની છે. અહીં ખોદકામ કરતી વખતે મોટી શીલા ખાબકતા દુર્ઘટના સર્જાઇ છે. કચ્છ ખાવડા પાસેના પૈયા ગામની પાસે આ ઘટના બની છે, જ્યારે એક કામદારનો મૃતદેહ મળી આવ્યો છે. સાથે જ અનેક લોકો ફસાયાની આશંકા સેવાઇ રહી છે. ઘટનાને પગલે પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી છે અને કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
એક શ્રમિકનો મૃતદેહ બહાર કઢાયો
કચ્છ ખાવડા પાસેના પૈયા ગામની પાસે સર્જાઈ ખોદકામ દરમિયાન શીલા ધસી આવતાં દુર્ઘટના સર્જાઇ છે. જેના પગલે ખોદકામ કરી રહેલા કામદારો દટાયા છે. ઘટનામાં હિટાચી સહિત ટ્રકનો કચ્ચરઘાણ વળી ગયો છે. જ્યારે કાટમાળ નીચેથી એક શ્રમિકનો મૃતદેહ બહાર કઢાયો છે અને અનેક લોકો ફસાયાની આશંકા છે. હજુ પણ અન્ય લોકો દટાયાની આશંકા વચ્ચે કાટમાળ હટાવાની કામગીરી હાથ ધરાઇ છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોઇ શકાય છે કે, કેવી રીતે ખોદકામ દરમિયાન આ દુર્ઘટના બની હતી.
નોંધનીય છે કે, ઘટનાને પગલે પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે અને કાટમાળ દૂર કરી દટાયેલા કામદારોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કાટમાળ નીચે કેટલા શ્રમિકો દટાયા છે, તે અંગે કોઇ ચોક્કસ આંકડો સામે આવ્યો નથી. પરંતુ કાટમાળ દૂર કરવાની કામગીરી પૂરી થયા બાદ જ તે અંગે જાણકારી સામે આવશે. સાથે જ પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા આ ઘટના અંગે વધુ માહિતી એકત્રિત કરી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.