Home /News /kutchh /White Rann: સફેદ રણ જવા માટે અહીંથી મળશે ટેક્સી, આટલુ છે ભાડુ
White Rann: સફેદ રણ જવા માટે અહીંથી મળશે ટેક્સી, આટલુ છે ભાડુ
હાલ રણોત્સવ શરૂ થતા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યાં છે.
રણોત્સવ શરૂ થતાં જ કચ્છમાં ટેક્સી વ્યવસાય ફરી એકવખત ધમધમી ઉઠ્યું છે ત્યારે હાલ રેગ્યુલર ટેક્સી ઉપરાંત સેલ્ફ ડ્રાઇવ કાર અને વી.આઇ.પી. ટેક્સી સર્વિસનું ચલણ વધ્યું છે
Dhairya Gajara, Kutch: નવેમ્બર મહિનો શરૂ થાય એટલે કચ્છમાં પ્રવાસનની સીઝન શરૂ થઈ જાય છે. પહેલા દિવાળી વેકેશન, બાદમાં નાતાલ અને ત્યાર બાદ અંગ્રેજી નવું વર્ષ બધું એક બાદ એક આવતા કચ્છમાં સતત પ્રવાસીઓનો ઘસારો ચાલતો રહે છે. આ સમય દરમિયાન પ્રવાસનનો એક મુખ્ય ભાગ એવું ટેક્સી વ્યવસાય પણ ધમધમી ઉઠે છે. હાલ કચ્છમાં પણ મોટા પ્રમાણમાં ટેક્સીની બુકિંગ થઈ રહી છે ત્યારે અનેક ધંધાર્થીઓ પાસે ટેક્સી માટે ગ્રાહકોનો વેઇટિંગ લીસ્ટ ચાલે છે.
છેલ્લા દોઢ દાયકામાં વિકસેલું કચ્છનું પ્રવાસન વ્યવસાય કચ્છમાં અનેક લોકોને રોજગાર પૂરું પાડે છે. 2006માં રણોત્સવ શરૂ થયું ત્યારથી કચ્છમાં દેશ હરના તેમજ વિદેશી પ્રવાસીઓની આવ વધી છે. તો કચ્છ ફરવા આવતા લોકો માત્ર સફેદ રણ નહીં પરંતુ માંડવીનું વીંડફાર્મ બીચ અને વિજય વિલાસ પેલેસ, માતાનો મઢ આશાપુરા મંદિર, નારાયણ સરોવર અને કોટેશ્વરના શિવાલયો તેમજ કચ્છના મુખ્ય મથક ભુજની પણ મુલાકાત લે છે. તેમાં પણ આ વર્ષે ભુજનું સ્મૃતિ વન પ્રવાસીઓના લીસ્ટમાં નવું ઉમેરાયું છે. કચ્છ જિલ્લો ખૂબ વિશાળ હોતાં તેમજ એસ.ટી. બસો સિવાય પબ્લિક ટ્રાન્સપોર્ટ ખાસ વિકસ્યું ન હોતાં લોકોને ટેક્સીની સહારો લેવો પડે છે. આ કારણે કચ્છમાં ટેક્સીનું વ્યવસાય કરતા ધંધાર્થીઓ પણ ખૂબ વધ્યા છે. મુખ્યત્વે ભુજ અને ગાંધીધામમાં ઢગલાબંધ ટેક્સી સંચાલકો હોવા છતાંય સીઝન દરમિયાન ટેક્સી મેળવવા માટે પડાપડી થતી હોય છે.
કચ્છના ટેક્સી વ્યવસાયમાં હાલ કિલોમીટર દીઠ રૂ. 11 થી 12 હેચબેક એટલે કે ફાઈવ સીટર ગાડી માટે ભાડું લેવામાં આવે છે. તો બીજી તરફ 7 થી 8 લોકો બેસી શકે તેવી મોટી એસયુવી ગાડીઓનું ભાડું કિલોમીટર દીઠ રૂ. 18 આસપાસ રહે છે. તે ઉપરાંત ડ્રાઈવરનો એક અથવા બે ટકનો જમવાનો અંદાજિત રૂ. 200 ચાર્જ પણ અલગથી ચૂકવવું પડે છે. જો કે, ટેક્સી સંચાલકો ન્યૂનતમ 300 કિલોમીટરનું ભાડું તો વસૂલે જ છે. ભુજથી સફેદ રણ 90 કિલોમીટરના અંતરે હોતાં રાઉન્ડ ટ્રીપનું ભાડું રૂ. 3200 ની આસપાસ હોવું જોઈએ. પરંતુ ટેક્સી સંચાલકો 300 કિલોમીટર મુજબ ન્યૂનતમ રૂ. 3600 ભાડું લે છે. માટે જ મોટાભાગના પ્રવાસીઓ પોતાની ટ્રીપમાં સફેદ રણની સાથે તેની આસપાસ રહેલા કાળો ડુંગર અથવા ઇન્ડીયા બ્રિજ જેવા સ્થળોનું પણ સમાવેશ કરે છે.
સેલ્ફ ડ્રાઇવ કારનું ચલણ વધ્યું News18 સાથે વાત કરતા ભુજના એક ટેક્સી સંચાલકે જણાવ્યું હતું કે હાલ છેલ્લા થોડા વર્ષોમાં સેલ્ફ ડ્રાઇવ કારનું ચલણ વધ્યું છે. લોકો ભાડે કરેલી ગાડી પોતે ચલાવી તેમના સમય અને અનુકૂળતાએ ફરી શકે છે. આ માટે ગાડીનું દિવસનું ભાડું રૂ. 2500 લેવામાં આવે છે જેમાં પેટ્રોલ ડીઝલનો ખર્ચ પણ ગ્રાહક પર રહે છે. આ પ્રકારની સિસ્ટમ ગ્રાહકોના ફાયદામાં રહે પરંતુ આમાં ટેક્સી સંચાલકોની ખાસ કમાણી ન થતી હોતા દરેક સંચાલક પાંચ અથવા દસ દિવસનું પેકેજ નક્કી કરે છે. જેમાં તમને ઓછામાં ઓછાં પાંચથી દસ દિવસ માટે જ ગાડી ભાડે કરવી પડે છે.
વી.આઇ.પી. ટેક્સીની પણ માંગ વધી કચ્છમાં આવતા પ્રવાસીઓ દરેક વર્ગના હોય છે. ત્યારે વી.આઇ.પી. ટેક્સી સર્વિસ થકી લોકો આરામદાયક અને સુવિધાયુક્ત સફર મેળવવા લાગ્યા છે. ભુજના અન્ય એક ટેક્સી સંચાલકે News18 ને જણાવ્યું હતું કે અનેક લોકો હવે આ વી.આઇ.પી ટેક્સી માટે બુકિંગ કરાવવા લાગ્યા છે, જેનું ભાડું કિલોમીટર દીઠ રૂ. 20 સુધી લેવામાં આવે છે. આ કેટેગરીમાં ગ્રાહકને સાત સીટર ગાડી મળે જેમાં પડદા લાગ્યા હોય તો ગાડીમાં આઈસ બોક્સ અંદર પાણીની બોટલો પણ ગ્રાહક માટે રાખવામાં આવે છે. ગ્રાહકોને મુસાફરી સમયે વાંચવા ગુજરાતી તેમજ અંગ્રેજી છાપાઓ પણ અપાય છે તો ડ્રાઈવર પણ એકદમ પ્રોફેશનલ પહેરવેશમાં તેમના માટે દરવાજો ખોલે તેમજ બંધ કરે છે.