White Rann: કચ્છનું રણ સફેદ કેમ છે? નિષ્ણાતોએ જણાવ્યું રહસ્ય!Dhairya Gajara, Kutch: છેલ્લા બે દાયકામાં કચ્છના સફેદ રણ તરફ દેશ વિદેશના પ્રવાસીઓ આકર્ષાયા છે. દૂર દૂર સુધી કંઈ ન દેખાય અને માત્ર અફાટ સફેદ જમીન દેખાતી હોય એવા આ રણને જોઈને પહેલી વખત જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ જાય છે. પણ શું તમને ખબર છે કે આ રણ સફેદ કેમ છે? લોકો કહેશે કે મીઠાના કારણે આ રણ સફેદ છે. પણ આ મીઠો અહીં આવ્યું કંઈ રીતે? અને શું પહેલાથી જ આ જમીન આવી હતી? એવી કઈ પ્રાકૃતિક ઘટનાઓ સર્જાઈ જેથી એક સમયે વિશાળ સાગર અને હજારો નદીઓની ભૂમિ પર આજે મીઠાના થર જામી ગયા અને તે સફેદ રણ બની ગયું. કચ્છ યુનિવર્સિટીના પૃથ્વી અને પર્યાવરણ વિજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડૉ. મહેશ ઠક્કરે News18 ને આ બધા પ્રશ્નોના જવાબ આપ્યા.
5000 વર્ષ પહેલાં સફેદ રણ કેવું હતું?
ચંદ્રની સપાટી સમું સફેદ રણ આજથી પાંચ હજાર વર્ષ પહેલાં પણ શું આવું જ હતું તે જાણવા અનેક સંશોધકોએ રિસર્ચ કરી. ભૂસ્તરશાસ્ત્રીઓએ ઇતિહાસમાં મળતાં પુરાવા ખૂંદી જાણ્યું છે કે પાંચ હજાર વર્ષ પહેલાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો જે મળી આવ્યા છે તે મુજબ આ વિસ્તારમાં કોઈ રણ ન હતું. પરંતુ અહીં વિશાળ સાગર હતું જે હડપ્પા સંસ્કૃતિના એક મુખ્યમથક ધોળાવીરા સુધી સીમિત હતું. તો ધોળાવીરાની આસપાસ હજારો નદીઓ વહેતી હતી, જેમાં એ સમયે ઇન-લેન્ડ નેવિગેશન સિસ્ટમ દ્વારા લોકો ધોળાવીરાથી હડપ્પા સંસ્કૃતિના અન્ય મથકો સુધી વેપાર કરતાં.
3500 વર્ષ પેહલા સફેદ રણ કેવું હતું?
સંશોધકોએ ત્રણ થી ચાર હજાર વર્ષ જૂના અથર્વ વેદનો અભ્યાસ કર્યો જેમાં કચ્છનો ઉલ્લેખ એક મોટા ટાપુ તરીકે કરવામાં આવ્યું છે જેની ચારેય તરફ પાણી હતું. સિંધ અને કચ્છના વચ્ચે જ્યાં આજે અફાટ રણ આવેલું છે તેને સિંધુ સાગર કહેવામાં આવ્યું છે. તો તેની આસપાસ વહેતી નદીઓમાં પણ સર નદી અને કોરી નદીનો ઉલ્લેખ જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે આજે આ નદી ક્રીક બની ગઈ છે અને સર ક્રીક ભારતનો પશ્ચિમી ખૂણો છે.
2000 વર્ષ પેહલા સફેદ રણ કેવું હતું?
આજથી અંદાજે બે હજાર વર્ષ પહેલાં એલેક્ઝાનડર ધ ગ્રેટ જેને સિકંદરના નામે પણ ઓળખવામાં આવે છે તે વિશ્વને કબ્જે કરવા નીકળ્યો હતો. ઈરાન, ઈરાક જેવા અનેક દેશો જીત્યા બાદ જ્યારે તે ભારતમાં પ્રવેશ્યો ત્યારે કચ્છમાં પ્રવેશ કરવું તેના માટે મુશ્કેલ બન્યું હતું. ઇતિહાસકારોએ વર્ણવ્યું છે કે સિંધ અને કચ્છ વચ્ચે છીછરા પાણીનો એક વિશાળ પ્રદેશ હતો જેને પાર કરવું તેની લાખોની સેના માટે મુશ્કેલ હતું.
1000 વર્ષ પેહલા સફેદ રણ કેવું હતું?
ઇતિહાસમાંથી મળતાં પુરાવાઓ મુજબ સૌરાષ્ટ્રના કાઠી રાજાઓને સિંધ જવું જોતું અને જ્યારે સિંધના રાજાઓને સૌરાષ્ટ્ર તરફ જવું હોતું ત્યારે તેઓ કચ્છમાંથી પ્રવેશ કરતા નહીં કારણ કે છીછરા પાણીમાં તેમની બોટ પણ ચાલે તેમ ન હતું અને તેઓ પગપાળા ચાલી શકે તેવી પણ ભૂમિ આ ન હતી. માત્ર તેઓ લાંબો ફેરો ખાઈ રણને ફરીને પ્રવાસ પૂરો કરતા હતા.
250 વર્ષ પેહલા સફેદ રણ કેવું હતું?
ઝારાના યુદ્ધ વિશે અનેક લોકો જાણતા હશે. 1762માં સિંઘના ગુલામશા કલોરાને કચ્છની રાજકુમારી પસંદ આવતા તેણે લગ્નની સાથે બન્ને રાજ્યોની સંધિ કરવાનો પ્રસ્તાવ મૂક્યો. કચ્છના રાજવીએ આ માંગ ન સ્વીકારતાં ગુલામશા કલોરાએ કચ્છ પર ચઢાઈ કરી હતી અને લખપતની ઉત્તર તરફ ઝારાના ડુંગર નીચે યુદ્ધ થયો હતો. આ યુદ્ધનો ઉલ્લેખ કરતાં ઇતિહાસકારો જણાવે છે કે આ પ્રદેશમાં મીઠું પણ છીછરું પાણી હતું જેમાં ચોખાની ખેતી થતી હતી. આ પ્રદેશને કચ્છીમાં સાયરા કહેવામાં આવે છે. આ સાયરાની આસપાસ થયેલા યુદ્ધમાં કલોરાએ વિજય તો મેળવ્યું પણ વિષમ પરિસ્થિતિ વાળા પ્રદેશમાં તે ટકી શકાયો નહીં અને પરત ફર્યો હતો. આ બાદ તેણે કચ્છને આર્થિક રીતે નુકસાન પહોંચાડવા સિંધથી અહીં આવતી નદીઓ પર ડેમ બાંધ્યા હતા જેથી કચ્છ સુધી પાણી પહોંચે નહીં અને લાખો કોરીના ચોખાનો ઉત્પાદન કરતા કચ્છને મોટી નુકસાની થાય.
સફેદ રણના નિર્માણ પાછળનું મુખ્ય કારણ:
ડૉ. ઠક્કર જણાવે છે કે હજારો લાખો વર્ષથી સતત ચાલતા ભૂકંપિય હલન ચલનના કારણે આ પ્રદેશમાં અનેક ફેરફારો આવ્યા છે. સફેદ રણના નિર્માણમાં કોઈ ભુકંપિય ઘટનાએ સૌથી મોટો ભાગ ભજવ્યો હોય તો તે 1819નું અલ્લાહ બંધ ભૂકંપ છે. 16મી જૂનના સાંજે 6.46 વાગ્યે ત્રાટકેલા આ ભૂકંપે એવી તબાહી મચાવી હતી કે ભુજમાં હજારો લોકોના મોત નીપજ્યા હતા. આ ભૂકંપમાં જ એક મિનિટની અંદર સિંધ અને કચ્છની વચ્ચે આવેલું એક 90 કિલોમીટર લાંબો અને 10 થી 13 કિલોમીટર પહોળો પ્રદેશ જમીનથી છ મીટર જેટલો ઊંચો ઉઠી ગયો હતો. આ કારણે સિંધમાં ગુલામશાએ બાંધેલા ડેમ ઉપરથી આવતું થોડું ઘણું પાણી પણ આવતું બંધ થઈ ગયું, જેથી લોકો તેને અલ્લાહે બાંધેલું બંધ, એટલે કે અલ્લાહ બંધ કહેવા લાગ્યા.
આવા અનેક ભૂકંપીય હલન ચલનના કારણે કચ્છ અને સિંધ વચ્ચેનો આ પ્રદેશ જે આજે રણ બન્યું છે તે સતત ઉપર ઉઠતું રહ્યું છે અને એક સમયે જ્યાં દરિયો હતો ત્યાં આજે માત્ર પવનના કારણે દરિયાનું પાણી કચ્છના પશ્ચિમી ખૂણેથી અંદર ધસી આવે છે. જો કે, જમીન પર વચ્ચે આવેલી એક ખૂંધના કારણે આ પાણી પાછું જઈ શકતું નથી અને આ સપાટ પ્રદેશ પર જમા થાય છે. સમુદ્રી પાણી હોવાના કારણે તેનું બાસ્પિભવન થયા બાદ જામીન પર મીઠાનું સ્તર જમા થાય છે. હર વર્ષે આ જ પ્રક્રિયાનું પુનરાવર્તન થાય છે અને નવા મીઠાના સ્તર બનતા જાય છે. આ રીતે એક સમયે દરિયા અને નદીઓનો પ્રદેશ આજે અફાટ સફેદ રણ બની લાખો લોકોને પોતાની તરફ આકર્ષે છે.