Dhairya Gajara, Kutch: આજના આ આધુનિક યુગમાં ટેકનોલોજીનો વધુમાં વધુ વપરાશ કરી કામને સરળ અને ઝડપી બનાવવા લોકો માંથી રહ્યા છે. તો ભારતીય ડાક (Indian Post) દ્વારા પણ ટેકનોલોજીની મદદથી ટપાલ ઝડપી પહોંચાડવા તરફના પ્રયાસમાં ભારતમાં પહેલી વખત ડ્રોન મારફતે ટપાલ (Indian Post Drone Delivery) પહોંચાડવાનો પ્રયોગ હાથ ધરાયો હતો. ભારત સરકારના કમ્યુનિકેશન અને ટેકનોલોજી મંત્રાલય (Ministry of Communication and Technology) દ્વારા કચ્છની બે પોસ્ટ ઓફિસ વચ્ચે ડ્રોન મારફતે ટપાલ મોકલી દેશમાં પ્રથમ વખત આ પ્રકારનો પ્રયોગ હાથ ધર્યો હતો.
ભારતનું પોસ્ટ વિભાગ ડ્રોનથી ડિલીવરીના અદ્યતન યુગમાં પ્રવેશવા જઈ રહ્યું છે. શુક્રવારે ભુજના હબાય ખાતેની ઓફિસમાં ડ્રોનથી પાર્સલની ડિલીવરીનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું અને પછી ધીમે ધીમે સેવા વિસ્તારવામાં આવશે. દેશમાં ડ્રોનથી ટપાલ સેવા શરૂ કરવા માટે સૌપ્રથમ કચ્છમાં સરવે હાથ ધરાયો છે.
રાજ્યમાં ડ્રોનથી ટપાલની ડિલીવરીનો પ્રથમ પ્રયોગ કચ્છમાં જ થઈ રહ્યો છે. ડોરસ્ટેપ બેન્કિંગ બાદ પોસ્ટ વિભાગ ડ્રોનથી ડિલીવરી જેવું આધુનિકતા તરફ કદમ ઉપાડી રહ્યું છે. રાજકોટ ખાતેના આસીસ્ટન્ટ ડાયરેક્ટર, એસ.આર.એમ.અને વર્તુળની ટેકનિકલ ટીમ ઉપરાંત સ્થાનિકના અધિકારીઓ સહિતની ઉચ્ચ ટીમની હાજરીમાં હબાય ડી.ઓ.માં ડ્રોનથી પાર્સલ સર્વિસનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.
આ સંદર્ભમાં ભુજ પોસ્ટ વિભાગના સુપ્રિટેન્ડન્ટ પોસ્ટના ઇન્ચાર્જ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ તમામ પ્રક્રિયા દિલ્હી સ્તરથી થઈ રહી છે અને અહીંના અધિકારીઓ પાસેથી માત્ર પોસ્ટ ઓફિસના સરનામા લેવામાં આવ્યા છે. દિલ્હીથી 4 સભ્યોની ટીમ ભુજ આવી છે અને હાલમાં સર્વે હાથ ધરાયો છે.હાલ ડ્રોનથી ટપાલ સેવા શરૂ કરાઈ નથી માત્ર તપાસ કરવામાં આવી રહી છે કે આ પ્રકારની ડિલિવરી શક્ય છે કે નહીં. વધારે માહિતી સર્વે થયા બાદ સેન્ટ્રલ લેવલેથી મેળવી શકાશે.
ડ્રોન ટેસ્ટિંગ દરમિયાન અદ્યતન ડ્રોનમાં લગભગ ચાર કિલો વજનનું પાર્સલ મુકાયું હતું જે હબાયથી નવીનાળ મોકલવામાં આવ્યું હતું. ગુજરાતમાં આવા પંદરેક સ્થળ અને રૂટ નક્કી કરાયા છે જેમાં હબાયમાં કેન્દ્રના સ્તરે પ્રથમ ટેસ્ટિંગ થઈ હતી. આ માર્ગમાં મોટી ઈમારતો અને ટ્રાફિક ન હોવાથી ડ્રોન ડિલિવરી માટે અનુકૂળ છે. ઉલ્લેખનીય છે કે વિદેશોમાં ડ્રોન મારફતે ડિલિવરી છેલ્લા લાંબા સમયથી શરૂ થઈ ગયી છે અને ભારતીય પોસ્ટ માટે આ એક નવી સિદ્ધિ કહી શકાય તેવી છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર