Home /News /kutchh /Kutch: 20 દેશના નેતાઓ સફેદ રણમાં કરશે મહત્વની ચર્ચા, જાણો શું છે આયોજન

Kutch: 20 દેશના નેતાઓ સફેદ રણમાં કરશે મહત્વની ચર્ચા, જાણો શું છે આયોજન

આ વર્ષે કચ્છના સફેદ રણમાં યોજાશે G20 સમિટ

ડિસેમ્બર મહિનાથી ભારતને મળનારા G20ના અધ્યક્ષપદ બાદ ફેબ્રુઆરી મહિનામાં કચ્છના પ્રસિદ્ધ સફેદ રણમાં 20 દેશોના પ્રતિનિધિઓ અર્થતંત્ર સુધારવા માટે વિચાર વિમર્શ કરશે 

Dhairya Gajara, Kutch: આગામી ફેબ્રુઆરી મહિનામાં વિશ્વવિખ્યાત કચ્છના સફેદ રણમાં 20 દેશોની આંતરાષ્ટ્રીય G20 સમીટ યોજાશે જેથી ફરી એકવખત કચ્છ વિશ્વફલક પર ચમકશે. આવતા ડિસેમ્બર મહિનાથી એક વર્ષ માટે ભારતને G20 નું અધ્યક્ષપદ મળશે ત્યારે આ મહત્વની આંતરાષ્ટ્રીય સમિટ માટે સફેદ રણની પસંદગી કરવામાં આવતા કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલયના અધિકારીઓ સફેદ રણ, ધોળાવીરા અને કાળો ડુંગરની સમીક્ષા કરવા પહોંચ્યા હતા. 1990ની આર્થિક કટોકટીના કારણે 1999માં G20ની રચના કરવામાં આવી હતી.

વૈશ્વિક અર્થતંત્રને સ્થિર કરવા ભારત ઉપરાંત આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ઈન્ડોનેશિયા, ઈટલી, જાપાન, કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, સાઉથ આફ્રિકા, ટર્કી, યુકે તેમજ યુરોપિયન યુનિયન સહિત 20 દેશો જોડાયા હતા. હર વર્ષે અલગ અલગ દેશોને આ સમીટની અધ્યક્ષતા પ્રાપ્ત થાય છે ત્યારે ડિસેમ્બરથી ભારતને આ સમીટની અધ્યક્ષતા મળશે.



ફેબ્રુઆરી 2023માં આ સમીટ કચ્છના સફેદ રણ ખાતે યોજાશે જે માટે વિદેશ મંત્રાલય દ્વારા રચાયેલી સેક્રેટરીયેટ ટીમના સાત સભ્યો સ્થળની સમીક્ષા કરવા મંગળવારે કચ્છ આવી પહોંચ્યા હતા. વિદેશ મંત્રાલયના ડેપ્યુટી સેક્રેટરી રાજીવ જૈન, સ્પેશ્યલ ઓફિસર લેફ્ટનન્ટ કર્નલ WD સિંઘ, સિક્યુરિટીના બી.કે.શર્મા, પ્રવાસન વિભાગના ડાયરેક્ટર જશવિંદર સિંઘ, વેંકટ આરડી, ખાનગી પ્રવાસન કંપનીના જનરલ મેનેજર અમૂલ્ય રતન સહિતના અધિકારીઓએ મંગળવારે ધોરડો ટેન્ટસીટી અને સફેદ રણની મુલાકાત લેવા સાથે ભુજથી ધોરડો હાઇવેની પણ સમીક્ષા કરી હતી.



મંગળવારે સફેદ રણ ખાતે મુખ્ય સમીટ સ્થળ ઉપરાંત આવાસ તેમજ અન્ય પરિવહન વ્યવસ્થાઓની ભૌતિક ચકાસણી કરી હતી. તો આજે બુધવારે આ ટીમ વિશ્વ ધરોહર ધોળાવીરા ખાતેની ટેન્ટ સિટીમાં રાજ્ય અને જિલ્લા તંત્રના અધિકારીઓ સાથે સમીટ અંગેની બેઠક કરશે, જે બાદ આવતીકાલે બુધવારે આ ટીમ કાળો ડુંગરની પણ મુલાકાત લેશે. કચ્છના સફેદ રણમાં વિકાસશીલ દેશો માટે મહત્વની એવી આ સમીટમાં 20 દેશોના પ્રતિનિધિઓ અને તેમનું મંત્રી મંડળ જોડાશે ત્યારે સુરક્ષા તેમજ પરિવહન માટે પણ સુદ્રઢ વ્યવસ્થા ગોઠવવામાં આવશે. 2015 માં સફેદ રણમાં સમગ્ર દેશના ડીજીપીની કોન્ફરન્સ યોજાઈ હતી ત્યારે આ G20 સમીટથી ફરી એકવખત આ નિર્જન રણમાં ઉચ્ચ અધિકારીઓ અને પ્રતિનિધિઓની ધમધમાટ જોવા મળશે.
First published:

Tags: G20 Summit, Kutch