છેલ્લા ત્રણ વર્ષથી કચ્છમાં સોલાર રુફટોપ થકી વીજળીનું ઉત્પાદન કરી આવક રળવાની શરૂઆત લોકોએ કરી છે ત્યારે આ વર્ષે ગ્રામીણ વિસ્તારોમાંથી આવતી અરજીઓ શહેરોને પાછળ મૂક્યું છે
Dhairya Gajara, Kutch: છેલ્લા બે વર્ષથી કચ્છમાં સોલાર રુફટોપ થકી ઘરોઘર વીજળીનું ઉત્પાદન કરવામાં સતત વધારો થઈ રહ્યો છે. લોકો પોતાના ઘરની છત પર સોલર પેનલ લગાવી તેનાથી વીજળી ઉત્પન્ન કરી સરકારને આપતા સારી એવી કમાણી કરી રહ્યા છે. આ વચ્ચે અગાઉ ફક્ત શહેરી વિસ્તારો સુધી સીમિત આ યોજનાનો લાભ હવે કચ્છના ગામડાઓમાં લોકો લઈ રહ્યા છે. ચાલુ વર્ષે સોલાર પેનલ માટેની અરજીઓમાં ગ્રામીણ વિસ્તારોએ શહેરી વિસ્તારને પાછળ મૂકી દીધું છે.
વર્ષ 2019થી કચ્છમાં સોલાર રુફટોપ યોજનાની શરૂઆત થઈ હતી. અને શરૂઆત સાથે જ કચ્છ જિલ્લાના શહેરોમાં તેને સરો પ્રતિસાદ મળ્યો હતો. પહેલા જ વર્ષમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડને કચ્છમાંથી 1960 અરજીઓ મળી હતી જે થકી 6.21 મેગાવોટ વીજળીનું ઉત્પાદન શરૂ થયું હતું. તો બીજા જ વર્ષે 2020-21માં આ અરજીઓની સંખ્યા બમણી થતાં જ 3865 અરજીઓ મળતાં 14.63 મેગાવોટ ઉત્પાદન થયું હતું.
ઉલ્લેખનીય છે કે 2021 સુધી આવતી અરજીઓમાં ગ્રામીણ વિસ્તારોની અરજીઓ નહિવત હતી કારણ કે સોલાર રુફટોપ ઇન્સ્ટોલ કરતી ખાનગી એજન્સીઓ દ્વારા પોતાનું કામ શહેરો સુધી જ સીમિત રાખ્યું હતું. તો હવે શહેરોમાં મોટાભાગે લોકોએ રુફટોપ લગાવી લેતા અરજીઓમાં ઘટાડો થતાં હવે એજન્સીઓ ગ્રામીણ વિસ્તાર તરફ વળી છે. આ કારણે ચાલુ વર્ષમાં જ આ યોજના માટેની અરજીઓ શહેરો કરતાં ગામડાઓમાંથી વધી ગઈ છે.
ચાલુ વર્ષ 2022-23ના નવ મહિનામાં જ શહેરી વિસ્તારોમાંથી રેસીડેન્શિયલ સોલાર રુફટોપ માટે 410 અરજીઓ મળી છે જેની સામે ગ્રામીણ વિસ્તારોમાંથી 468 અરજીઓ આવી છે. આ થકી શહેરોમાં 1.63 અને ગામડાઓમાં 1.76 મેગાવોટ વીજ ઉત્પાદન થયું છે. છેલ્લા ત્રણ વર્ષમાં જ કચ્છમાં 24 મેગાવોટ જેટલું વીજળીનું ઉત્પાદન થવા લાગ્યું છે જે એક સબ-સ્ટેશન જેટલું છે અને ભુજ જેવા શહેરને વીજળી પૂરી પાડી શકે.
ગ્રાહકો પોતાના વીજ વપરાશ મુજબ તેમના મુજબની ક્ષમતા ધરાવતી સોલાર રુફટોપ પેનલ ઇન્સ્ટોલ કરવી શકે છે. આ થકી તેમના લાઈટ બીલનું ચાર્જ શૂન્ય થવા ઉપરાંત તેમની આવક પણ ઉભી થઇ શકે છે. સોલાર રુફટોપ ઇન્સ્ટોલેશન માટે તમારા વિસ્તારમાં કામ કરતી એજન્સીનું સંપર્ક કરી શકાય છે અને સરકારી ધારા ધોરણ મુજબ લોકોને આ માટે સબસિડી પણ આપવામાં આવે છે.