Dhairya Gajara, Kutch: કચ્છ પોતાની ભૌગોલિક પરિસ્થિતિના કારણે વૈવિધ્યતા ધરાવતી વન્ય પ્રજાતિને (Kutch Wildlife) પાળે છે. એવા જ એક અનોખા વન્ય જીવોમાંનો એક છે ઘોખોદિયું (Honey Badger), જેને સ્થાનિક ભાષામાં ગુરનાર તરીકે ઓળખાય છે. હાલમાં જ કચ્છના માંડવી (Mandvi Kutch) તાલુકાના કાંઠાળ વિસ્તારના એક ગામમાંથી એક ઘોરખોદીયું મળી આવ્યું હતું જેબાદ વન વિભાગે (Kutch Forest Department) તેને રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડ્યુ હતું.
દેશના સૌથી વિશાળ એવા કચ્છ જિલ્લામાં વન વિસ્તાર ઉપરાંત વાડી વિસ્તાર ખૂબ આવેલો છે. ગુરનાર કે ઘોખોદિયું જેને અંગ્રેજીમાં હનીબેજર તરીકે ઓળખાય છે, તે પ્રાણી કચ્છના આ વન અને વાડી વિસ્તારમાં જોવા મળે છે. સ્વભાવે અત્યંત આક્રમક એવું આ પ્રાણી માનવ વસતી કરતા દૂર રહે છે અને તે માટે જ તેને જોવું દુર્લભ ગણાય છે.
હાલમાં જ કચ્છના માંડવી તાલુકાના કાઠડા ગામે પંચવટી રહેણાંક વિસ્તારમાં એક ઘોરખોદીયું ઘૂસી આવ્યું હતું જે બાદ સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરતા માંડવી રેન્જની ટીમ તેને રેસ્ક્યુ કરવા દોડી પહોંચી હતી. સામાન્ય રીતે માનવ વસતીથી દૂર રહેતું આ પ્રાણી રહેણાંક વિસ્તારમાં પહોંચી જતા માનવ અને પ્રાણી ઘર્ષણ ન થાય તે હેતુથી વન વિભાગ દ્વારા ગુરનારને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો, જે બાદ તેને વન વિસ્તારમાં જ પરત છોડી દેવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે કદમાં બિલાડી કરતા થોડુ મોટુએવુંઆ પ્રાણી આક્રમક હોતાં માનવીઓ માટે તે ભયજનક છે. તો ઉપરાંત એવી માન્યતાઓ પણ છે કે ઘોરખોદીયું દફન કરેલા માનવીય મૃતદેહોને કાઢી તેને આરોગે છે જે કારણે આ પ્રાણી તરફે લોકોમાં ખૂબ ભય ફેલાતો હોય છે. જો કેવન વિભાગના અધિકારીએ આ બાબતને એક ખોટી માન્યતા કહી જણાવ્યું હતું કે ઘોરખોદીયું દરેક પ્રકારનો ખોરાક આરોગે છે. નાના જાનવરો ઉપરાંત જંગલ વિસ્તારમાં અન્ય પશુ પક્ષીઓના મૃતદેહો પણ તેનો ખોરાક છે અને માનવીય મૃતદેહો તેમાં વિશેષ નથી.
કચ્છ વન વિભાગના નાયબ વન સંરક્ષક યુવરાજસિંહ જાડેજાએ News18 સાથે વાત કરતા જણાવ્યું હતું કે ઘોરખોદીયું ઈન્ડિયન વાઈલ્ડલાઇફ એક્ટ (Indian Wildlife Act) અંતર્ગત એક સંરક્ષિત પ્રાણી છે અને તેના વિરુદ્ધ ખોટી માન્યતાઓ ન પાળી, લોકોને તેના સંરક્ષણ માટે વન વિભાગ સાથે પ્રયત્ન કરવા જોઈએ.