Home /News /kutchh /Kutch: 'આધોઈ' ગુજરાતના રાજકારણનો એવો રસપ્રદ ઇતિહાસ જે તમે નહીં જાણતા હોય!
Kutch: 'આધોઈ' ગુજરાતના રાજકારણનો એવો રસપ્રદ ઇતિહાસ જે તમે નહીં જાણતા હોય!
મોરબીના રાજવીએ આધોઈમાં સ્થાપેલી શાળા
1948 માં યોજાયેલા પ્રથમ વિધાનસભા ચુંટણીમાં કચ્છમાં અન્ય ક્યાંય ચુંટણી યોજાઈ ન હતી પરંતુ છતાંય આધોઈ ચુંટણીમાં જોડાયું હતું તેની પાછળની કહાની ઇતિહાસકાર નરેશ અંતાણીએ News18ને જણાવી
Dhairya Gajara, Kutch: ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત થતાં જ રાજ્યમાં ચુંટણીના પડઘમ વાગી ગયા છે. કચ્છમાં પણ દરેક પક્ષ વિસ્તાર અને જાતિ સમીકરણના આધાર પર પોતાની રણનીતિ નક્કી કરી રહી છે. પણ શું આપને ખબર છે કે એક વિધાનસભા ચુંટણી એવી પણ હતી કે જેમાં સમગ્ર કચ્છમાંથી ફક્ત એક જ વિસ્તારમાં મતદાન થયું હતું? તે વિસ્તાર હતો પૂર્વ કચ્છનો આધોઈ. કચ્છના જાણીતા ઇતિહાસકાર અને કટાર લેખક નરેશ અંતાણીએ પોતાની પુસ્તક 'અતીતના ઝરૂખે' માં કચ્છમાં પ્રથમ વખત આઘોઈમાં યોજાયેલ વિધાનસભાની ચૂંટણી વિશે વિસ્તારમાં આલેખન કર્યું છે. 'કચ્છમાં લોકશાહીનો પ્રથમ ધબકાર આઘોઈમાં ઝીલાયો' લેખમાં નરેશભાઈ જણાવે છે કે કઈ રીતે એ વિધાનસભાની ચુંટણી કચ્છમાં ક્યાંય નહીં પરંતુ ફક્ત આઘોઈમાં જ યોજાઇ હતી.
દેશની આઝાદી બાદ જ્યારે રજવાડાઓને ભારત રાજ્યમાં એકીકરણ કરવાનું કામ સરદાર પટેલ ચલાવી રહ્યા હતા ત્યારે સૌરાષ્ટ્રમાંથી સૌપ્રથમ 15 જાન્યુઆરી, 1948ના ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહે સત્તાત્યાગ કરી જવાબદાર રાજ્યતંત્રની રચના કરવાની જાહેરાત કરી હતી. જામનગરના રાજવી જામસાહેબ દિગ્વીજયસિંહ પનનએકીકરણમાં જોડાવા સંમત થતાં, સૌરાષ્ટ્રના જૂનાગઢ સિવાયના બધાં રાજ્યોએ 22 જાન્યુઆરી 1948 સુધીમાં સૌરાષ્ટ્ર એકમમાં જોડાવા માટેના કરારના દસ્તાવેજ ૫૨ હસ્તાક્ષર કર્યા હતા. આ સમયે આધોઈ મોરબી રાજયની હકૂમતમાં હતું આથી સ્વાભાવિક રીતે આધોઈ પણ સૌરાષ્ટ્ર એકમમાં જોડાયું હતું.
હરિભાઇ નાનજી પટેલ.. આધોઇના મતદાતા અને કચ્છના પૂર્વ સાંસદ
બીજી તરફ કચ્છ રાજપરિવારે કચ્છને ભારત સંઘમાં જોડાવા માટેના દસ્તાવેજ પર હસ્તાક્ષર કરવા ઘણું સમય લીધા બાદ 4 મે 1948 ના કચ્છ ભારત સંઘમાં જોડાયું હતું અને 1 જૂન 1948 થી ધારાસભા વિનાનું 'ક' રાજ્ય બન્યું. તેના પહેલા જ 15 ફેબ્રુઆરીના સૌરાષ્ટ્ર સંયુક્ત રાજ્યની રચના થઈ ગઈ હતી, જેના પ્રમુખ તરીકે જામનગરના રાજવી જામ સાહેબ દિગ્વીજયસિંહ અને પ્રથમ મુખ્યમંત્રી તરીકે ઉછરંગભાઈ ઢેબરની વરણી કરવામાં આવી હતી, જેને 'સૌરાષ્ટ્ર બંધારણ સભા' એવું નામ આપવામાં આવ્યુ હતું. આ કારણે સૌરાષ્ટ્રને પોતાની ધારાસભા મળી હતી.
સૌરાષ્ટ્ર બંધારણ સભાની પ્રથમ ચુંટણી નવેમ્બર 1948માં યોજાઇ હતી, જેમાં સૌરાષ્ટ્રને 45 બેઠકો મળી હતી. આ 45 બેઠકોમાંથી બે બેઠક મોરબી રાજ્યને મળી હતી, જેમાં એક મોરબીને અને બીજી આધોઈને મળી હતી. ઉલ્લેખનીય છે કે એ સમયે આધોઇ કચ્છનું નહીં પરંતુ મોરબી રાજ્યનું ભાગ હતું. આ ચુંટણીમાં કોંગ્રેસ પક્ષે 41 બેઠકો પર વિજય મેળવ્યું હતું. ઉછરંગભાઈ ઢેબરનો પણ જવલંત વિજય થયો અને તેઓ સૌરાષ્ટ્ર બંધારણ સભાના વિધિવત્ત મુખ્યમંત્રી બન્યા હતા.
મોરબી પેલેસ
ઇતિહાસકારને એ સમયની રસપ્રદ વિગતો આપતાં કચ્છના પૂર્વ સાંસદ અને આધોઈના વતની સ્વ. હરિલાલભાઈ નાનજી પટેલે પોતાની એ સમયની સ્મૃતિઓને વાગોળતાં જણાવ્યું હતું કે, \"માળીયા બેઠક પરથી કોંગ્રેસના અમૃતલાલ શેઠ (માળીયાવાળા) એ મોરબીના રાજવી લખધિરસિંહના બીજા નંબરના કુંવર કાલીકાકુમારને હરાવ્યા હતા. આમ, કચ્છનો જ એક ભાગ છતાં મોરબી રાજ્યમાં સમાવાયેલા એવા આધોઈમાં લોકશાહીનાં પ્રથમ પગરણ થયા હતા.\"
જો કે, બાદમાં 1949-50 વચ્ચે અંજારના નાયબ કલેકટર હરિભાઈ છાયાએ 'ક' વર્ગના કચ્છ રાજ્ય વતી આઘોઈનો કબ્જો મેળવ્યો હતો. News18 સાથે ખાસ વાત કરતા નરેશ અંતાણીએ જણાવ્યું હતું કે, 1950 માં કચ્છમાં મુંબઈ મ્યુનિસિપાલિટી એકટ- 1926 અમલમાં આવતાં એ સમયે અહીં ચાર નગરપાલિકાઓની પુખ્ત મતાધિકારવાળી ચૂંટણીઓ યોજાઈ હતી. \"1952 માં પ્રથમ લોકસભાની ચૂંટણીઓ યોજાઈ ત્યારે કચ્છમાં પણ કચ્છની સંસદની બેઠક માટેની ચૂંટણી યોજાઈ હતી. પણ આ બધી જ ચૂંટણીઓ પહેલાં આધોઈમાં ચૂંટણી યોજાઈ આથી એમ ચોક્કસ કહી શકાય કે, કચ્છમાં લોકશાહીનો પ્રથમ ધબકાર તો આધોઈમાં જ ઝિલાયો હતો.\"