ક્યારેય ન સાંભળી હોય તેવી એક ઘટનામાં અંજારમાં એક કિન્નરે હિન્દુ મુસ્લિમ સમાજના વિવિધ 25 યુગલોના સમૂહલગ્ન યોજી કોમી એકતાનો દાખલો બેસાડ્યા ઉપરાંત સમાજની કિન્નરો પ્રત્યેની દૃષ્ટિ બદલી હતી
Dhairya Gajara, Kutch: લગ્નમાં કિન્નરના આશીર્વાદ ન હોય તો તે લગ્ન અધૂરા ગણાય છે, પરંતુ જો લગ્ન જ કિન્નર દ્વારા કરાવવામાં આવે તેનાથી મોટો આશીર્વાદ શું કહી શકાય? ઐતિહાસિક શહેર અંજારમાં બનેલી આ ઐતિહાસિક ઘટનામાં એક કિન્નરે યોજેલા સમૂહ લગ્નમાં હિન્દુ મુસ્લિમ ધર્મના 25 યુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા. અગાઉ ક્યારેય ન સાંભળી હોય તેવી આ ઘટના થકી કચ્છના એક કિન્નર જયશ્રી દે નાયકે કોમી એકતાનો એક સુંદર દાખલો બેસાડ્યા ઉપરાંત કિન્નરો પ્રત્યે સમાજનો પરિપ્રેક્ષ્ય પણ બદલ્યો હતો.
પોતાની કોમી એકતા માટે જાણીતા પ્રદેશ કચ્છમાં આમ તો હિન્દુ મુસ્લિમ એકતાના અનેક દાખલા જોવા મળે છે. પરંતુ શનિવારે અંજાર શહેરમાં યોજાયેલ આ સમૂહ લગ્ન અહીંની કોમી એકતાનો એક અનન્ય ઉદાહરણ બન્યો હતો. શહેરના ટાઉન હોલમાં એક જ મંડપ નીચે 20 યુગલોના નિકાહ પઢાયા હતા તો પાંચ યુગલોએ લગ્નના ફેરા ફર્યા હતા. તેમાં પણ વાળી આ લગ્ન અંજારના જ એક કિન્નર દ્વારા યોજાયા હોતાં અનેક પ્રકારના ઐતિહાસિક ઘટનાઓનો સંગમ યોજાયો હતો.
ધામધૂમથી ઉજવાયેલા આ લગ્નમાં ચાર હજાર જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા તો વિવિધ સમાજના અગ્રણીઓએ પણ ઉપસ્થિત રહી આ નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. તો આ સમૂહ લગ્નના મુખ્ય આયોજન કિન્નર પ્રેમિલા દે દ્વારા આ સમૂહ લગ્નને માત્ર લગ્ન સુધી સીમિત ન રાખી, કન્યાઓના વાલીની જેમ દરેકને કરિયાવર અને સોના ચાંદીના દાગીના સાથે વિદાય આપી હતી.