Dhairya Gajara, Kutch: એક તરફ રાજકારણીઓની પરીક્ષા માટે ગુજરાતભરમાં માહોલ ગરમાયો છે, બીજી તરફ કચ્છ યુનિવર્સિટીના વિદ્યાર્થીની ચાલતી પરીક્ષામાં મોટો છબરડો થયો હતો. શુક્રવારે બી.એ.ના વિદ્યાર્થીઓને હિન્દીની સેમેસ્ટર ત્રણની પરીક્ષામાં સેમેસ્ટર એકના પ્રશ્નો પૂછવામાં આવતા વિદ્યાર્થીઓમાં સોપો પડી ગયો હતો અને યુનિવર્સિટીને તાત્કાલિક પેપર પાછું ખેંચી નવું પેપર આપવું પડ્યું હતું. જો કે આ બાદ વિદ્યાર્થીઓની માંગ મુજબ પરીક્ષક અને ચેરમેનને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
દિવાળી વેકેશન બાદ બુધવારથી ફરી એકવખત કચ્છભરની શાળા કોલેજો ખુલતાની સાથે જ કચ્છ યુનિવર્સિટીની પરીક્ષાનો પ્રારંભ પણ થયો હતો. પરીક્ષાના ત્રીજા દિવસે કચ્છ યુનિવર્સિટીની હિન્દી વિષયની પરીક્ષામાં મોટો છબરડો થયો હતો. બેચલર ઓફ આર્ટ્સના 659 વિદ્યાર્થીઓ સવારે હોંશે હોંશે પરીક્ષા આપવા પહોંચ્યા હતા અને 10.30 વાગ્યે હાથમાં પેપર આવતા વિદ્યાર્થીઓએ જોયું કે સેમેસ્ટર ત્રણના પેપરમાં હિન્દીના સેમેસ્ટર એકના પ્રશ્નો પૂછયા હતા. વર્તમાન સેમેસ્ટરના સિલેબસ મુજબ પરીક્ષાની તૈયારી કરી ગયેલા વિદ્યાર્થીઓએ જૂના પ્રશ્નો જોતા જ પરીક્ષા આપવાનો ઉત્સાહ ધ્વંસ થયો હતો.
News18 સાથે વાત કરતા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે જૂના પ્રશ્નો હોતાં વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા ખંડ નિરીક્ષકોને જાણ કરવામાં આવી હતી અને આ રીતે યુનિવર્સિટીને જાણ થતાં જ યુનિવર્સિટી તરફથી હાથે લખાયેલો બીજો પેપર કોલેજોને ઇમેઈલ કરવામાં આવ્યું હતું, જેની ઝેરોક્સ નકલ કાઢી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. આ બધી પ્રક્રિયામાં વિદ્યાર્થીઓનો એક કલાક બગડ્યું હોવાનું અખિલ ભારત વિદ્યાર્થી પરિષદના પશ્ચિમ કચ્છ સંયોજક શિવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
આ મુદ્દે કચ્છ યુનિવર્સિટીના પરીક્ષા નિયામક તેજલ શેઠ સાથે વાત કરતા તેમણે News18ને જણાવ્યું હતું કે પરીક્ષા વિભાગને આ મુદ્દાની જાણ થતાં જ હિન્દી વિષયના સેમેસ્ટર ત્રણના પ્રશ્નપત્રોના તૈયાર સેટમાંથી એક પ્રશ્નપત્ર પસંદ કરી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડ્યો હતો. વધારે સમય ન બગડે તે માટે હાથે લખાયેલો પેપર જ વિદ્યાર્થીઓ સુધી મોકલી દેવાયો હતો. તો સાથે જ વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર મળ્યા બાદ પૂરતો સમય પણ આપવામાં આવ્યો હતો.
જો કે, આ બનાવ બાદ વિદ્યાર્થીઓ દ્વારા આ મુદ્દે અખિલ ભારત વિદ્યાર્થી પરિષદને રજૂઆત કરતા છાત્ર સંગઠન અને વિદ્યાર્થીઓ પરીક્ષા નિયામક પાસે રજૂઆત કરવા પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓએ તાત્કાલિક જવાબદારો વિરુદ્ધ પગલાં લેવા માંગ કરી હતી. રજૂઆતોના લાંબા સિલસિલા બાદ વાત કુલપતિ સુધી પહોંચી હતી જ્યાં વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષક અને હિન્દી વિષયના ચેરમેનને સસ્પેન્ડ કરવા માંગ કરી હતી. યુનિવર્સિટી દ્વારા આ મુદ્દે કમિટી બનાવવાની વાત કરવામાં આવી હતી પરંતુ વિદ્યાર્થીઓની દ્રઢ રજૂઆતના પગલે અંતે યુનિવર્સિટી દ્વારા પરીક્ષક અને ચેરમેનને ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.