Home /News /kutchh /

World Heritage Day: ભુજના એવા ઐતિહાસિક સ્મારકો જે પર્યટકોના નકશાથી બહાર રહીને ઝંખે છે જાળવણી 

World Heritage Day: ભુજના એવા ઐતિહાસિક સ્મારકો જે પર્યટકોના નકશાથી બહાર રહીને ઝંખે છે જાળવણી 

ઇતિહાસકારો બાળકો અને યુવાનોએ હેરિટેજ વોકમાં જોડાઈ કચ્છના વારસાની ઉજવણી કરી

વિશ્વ ધરોહર દિવસ નિમિતે ગુજરાતના સૌથી જૂના સંગ્રહાલય કચ્છ મ્યુઝિયમ દ્વારા ભુજ મધ્યે એક હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઇતિહાસકારો અને અન્ય લોકોએ જોડાઈ કચ્છના અમૂલ્ય વારસા વિશે માહિતી મેળવી હતી.

  Kutch: કોઈપણ પ્રદેશની ઐતિહાસિક ઇમારતો (Historical Monuments) તે વિસ્તારનું ઇતિહાસ અને ત્યાંની સભ્યતા દર્શાવે છે. આજે 18 એપ્રિલ સમગ્ર વિશ્વમાં ધરોહર દિવસ (World Heritage Day) તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે દેશના સૌથી મોટા જિલ્લા કચ્છનો ઇતિહાસ ઘણો લાંબો રહ્યો છે. જેમાં હડપ્પન સંસ્કૃતિથી (Harappan Civilisation) લઈને આઝાદી પહેલાની રાજાશાહી સમયના અનેક ઐતિહાસિક સ્મારકો આવેલા છે. વિશ્વ ધરોહર દિવસ નિમિતે ગુજરાતના સૌથી જૂના સંગ્રહાલય કચ્છ મ્યુઝિયમ (Kutch Museum in Gujarat) દ્વારા ભુજ શહેરમાં એક હેરિટેજ વોકનું (Bhuj Heritage Walk) આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકોએ શહેરમાં આવેલી રાજાશાહી વખતના સ્મારકો જોઈ તેના વિશે માહિતી મેળવી હતી.

  જૂનું સ્વામિનારાયણ મંદિર (પ્રસાદી મંદિર): શહેરના દરબાર ગઢ નજીક આવેલું આ સ્વામિનારાયણ મંદિર કચ્છમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સ્થાપવામાં આવેલું સૌપ્રથમ મંદિર હતું. સહજાનંદ સ્વામી જ્યારે કચ્છની મુલાકાતે આવ્યા હતા ત્યારે આઠ વર્ષ સુધી તેઓ કચ્છમાં રહ્યા હતા. આ દરમ્યાન તેમણે જ આ મંદિરની પાયવિધી કરી હતી. અને આ કારણે જ આ મંદિર ભક્તો માટે એક આસ્થાનું કેન્દ્ર છે.

  જૂની કોર્ટ: ભુજના આશાપુરા મંદિર નજીક આવેલી આ ઇમારત આઝાદી પહેલાં રાજાના દીવાનનું નિવાસસ્થાન હતું. તે સમયે સ્વામી વિવેકાનંદ કચ્છના પ્રવાસે આવ્યા હતા. અને ત્યારે અહીં તેમણે રોકાણ કર્યું હતું.

  આઝાદી બાદ રાજાશાહી યુગનો અંત આવતા આ ઇમારતને જિલ્લા અદાલત તરીકે વપરાશ કરવામાં આવતું હતું. પણ 2001ના ભૂકંપમાં આ ઇમારતની હાલત અત્યંત દયનીય બની હતી. જે કારણે કોર્ટને અન્ય જગ્યા પર સ્થળાંતર કરી તે ઇમારતને તેમની તેમ રહેવા દીધી. આજે આ જૂની કોર્ટની ઇમારતની દુર્દશા જોઈ કોઈ વ્યક્તિને વિચાર આવવું અશક્ય છે, કે ઇતિહાસમાં આ જગ્યા પર સ્વામી વિવેકાનંદ જેવી મહાન હસતી રહી હતી.  નાનીબા સંસ્કૃત પાઠશાળા: ભુજના પાટવાળી નાકા નજીક આવેલી આ ઇમારત રાજાશાહી સમયની કચ્છની પ્રથમ પાઠશાળા હતી. તે સમયના કચ્છના મહારાણી નાનીબાના નામ પર આ પાઠશાળા શરૂ કરવામાં આવી હતી. જ્યાં ખાસ સંસ્કૃતનું અભ્યાસ થતું હતું. આઝાદીની ચળવળ સમયે આ કચ્છના પ્રવાસે આવેલા સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધી અને મહાદેવ દેસાઈ આ સ્થળ પર રોકાયા હતા. તો અન્ય સ્મારકોની સરખામણીએ આ ઇમારતની દશા ઘણી સારી હોય હાલ અહીં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના પોલીસ ઇન્સ્પેકટરની કચેરી કાર્યરત છે.

  જમાદાર ફતેહમામદનો ખોરડો: આ ભવ્ય ઇમારત રાજાશાહી સમયના કચ્છના સેનાપતિ જમાદાર ફતેહમામદનું નિવાસસ્થાન હતું. જમાદાર ફતેહમામદને એક જાંબાઝ સેનાપતિ અને વહીવટદાર તરીકે યાદ કરવામાં આવે છે. તો આજે આ સ્મારકની દુર્દશા એવી છે કે ઇતિહાસકારોના લેખ લખવા બાદ જિલ્લા તંત્રએ તેની આસપાસ ઊગી આવેલા બાવળિયા સાફ કર્યા હતા. તો કચ્છના સાંસદ વિનોદ ચાવડા દ્વારા પણ રાજ્યના પુરાતત્વ વિભાગને આ સ્થળની જાળવણી કરવા પત્ર પણ લખ્યો છે.  કચ્છ ગવરમેન્ટ પ્રેસ: આઝાદી પહેલા રાજા રજવાડાઓ દ્વારા જાહેર કરવામાં આવતા ફરમાન છાપવા કચ્છમાં એક પ્રિન્ટિંગ પ્રેસ સ્થાપવામાં આવી હતી. જમાદાર ફતેહ મામદના ખોરડાની એકદમ સામે આવેલી આ પ્રેસ સામેથી આજે હજારો લોકો પસાર થાય છે, પણ તેમાંથી દસ લોકોને પણ ખ્યાલ નહીં હોય કે અહીં એક સમયે પ્રિન્ટિંગ પ્રેસ આવેલી હતી. જેની ઇમારત આજે પણ અહીં બિસ્માર હાલતમાં ઊભી છે.

  વ્રજભાષા પાઠશાળા: ભુજના આશાપુરા મંદિર પાસે આવેલી આ બંધ મકાન જેવી ઇમારત એક સમયના સાહિત્યના વારસાને પોતાને સંગ્રહીને બેઠી છે. કચ્છમાં આઝાદી પહેલા કાર્યરત આ વ્રજભાષા પાઠશાળામાં ગુજરાત તેમજ રાજસ્થાનથી અનેક લોકો કાવ્ય લખવાનું શિક્ષણ મેળવવા આવતા હતા. તો ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ દલપતરામ પણ આ પાઠશાળાની મુલાકાતે આવ્યા હતા.

  રામકુંડ: આ કુંડ એક ખાસ પ્રકારનો જળસ્રોત છે જે 300 વર્ષથી વધુ પ્રાચીન હોવાના સંદર્ભો સાંપડે છે. આ કુંડની ચારેય તરફ દીવાલોમાં દીવા રાખવા માટે ગોખલાઓ ઘડેલા છે. જેમાં દીવા મૂકતા સમગ્ર કુંડ રોશનીથી ઝળહળી ઉઠે છે. તો તેની જાળવણીના અભાવે હાલ ઇતિહાસકારો માંગ કરી રહ્યા છે કે આસ્થા અને ઇતિહાસના આ પ્રતીકને સાચવવા સરકાર યોગ્ય પ્રયાસ કરે.  આ પણ વાંચો:રાજકોટ: સ્કૂલ વાન અને કાર વચ્ચે અકસ્માત, ધો.5ની વિધાર્થિનીનું મોત, 8 લોકો ઇજાગ્રસ્ત

  કચ્છ મ્યુઝિયમના ક્યુરેટર શેફાલીકા અવસ્થીએ આ હેરિટેજ વોક પ્રસંગે જણાવ્યું હતું કે ભુજમાં અનેક ઐતિહાસિક સ્મારકો આવેલા છે જે સામાન્ય પર્યટકોના ધ્યાનથી દૂર રહે છે. પણ આ સ્મારકોને પ્રવાસનના નકશા પર મૂકવા આપણે જ સૌપ્રથમ તેને ઓળખવા પડશે. કારણ કે આપણું ભવિષ્ય ઘડવા માટે આપણને આપણા ભૂતકાળને જોવું જરૂરી છે.  ત્યારે આ હેરિટેજ વોકમાં લોકોને માહિતગાર કરનાર પત્રકાર અને ઇતિહાસકાર નરેશ અંતાણીએ કહ્યું હતું કે દરેક સ્મારકોમાં અનેક ઐતિહાસિક પ્રસંગો ઘડાયા છે. પણ આજે સરકાર અને જિલ્લા તંત્ર આ વારસાને જાળવવા પૂરતા પ્રયાસ કરી રહી નથી.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Kutch City, કચ્છ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन