કચ્છ: કચ્છની રાપર બેઠક પર ભાજપના ઉમેદવારે કોંગ્રેસના ઉમેદવાર માટે પોલીસ પ્રોટેક્શન માંગ્યુ છે. ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાએ પોલીસ વડાને પત્ર લખી કોંગ્રેસના ઉમેદવાર ભચુભાઈ આરેઠીયાને પોલીસ પ્રોટેક્શન આપવાની માંગ કરી છે. અગાઉ ભચુભાઈના પત્ની અહીં ધારાસભ્ય હતા. તેમણે વિકાસ કાર્યો ન કરતાં અનેક ગામોમાં ભચુભાઈ આરેઠીયાને લોકોએ પ્રચાર કરતા અટકાવ્યા હોવાની વાત વિરેન્દ્રસિંહ જાડેજાએ કરી હતી. કોંગ્રેસના ઉમેદવાર ભચુભાઈ આરેઠીયા હાર ભાળી ગયેલા હોવાથી પોતા પર જ હુમલાઓ કરાવી શકે તેવી શક્યતા અંગે વિરેન્દ્રસિંહ જાડેજાએ આક્ષેપ કર્યા હતા. ભચુભાઈએ પોતે કરાવેલા હુમલાથી ભાજપની છબી ખરાબ ન થાય તે અર્થે અગાઉથી જ તેમને પોલીસ પ્રોટેક્શન આપવાની માંગ ભાજપે કરી છે.
પોતા પર જ હુમલાઓ કરાવી શકે તેવી શક્યતા કરાઇ વ્યક્ત
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પૂરજોશમાં પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે, ત્યારે કચ્છના રાપરથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં ભાજપના ઉમેદવારે કોંગ્રેસના ઉમેદવાર માટે પોલીસ પ્રોટેક્શન માંગ્યું છે. ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાએ આક્ષેપ કર્યો છે કે, હારની શંકા સાથે કોંગ્રેસના ઉમેદવાર ખુદ પર હુમલો કરાવી શકે છે. રાપર વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર ભચુભાઈ આરેઠીયાને પોલીસ રક્ષણ આપવા ખુદ ભાજપે માંગ કરી છે. રાપર ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાએ પોલીસ વડાને પત્ર લખ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર ભચુભાઈ આરેઠીયા હાર ભાળી ગયેલા હોવાથી પોતા પર જ હુમલાઓ કરાવી શકે તેવી શક્યતા વ્યક્ત કરી હતી.
નોંધનીય છે કે, ગુજરાતમાં 15મી વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે, ત્યારે કચ્છ જિલ્લામાં પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરના રોજ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છ જિલ્લામાં કુલ 6 વિધાનસભા સીટ પર ચૂંટણી યોજવામાં આવે છે. વર્ષ 2017ની ચૂંટણીની વાત કરીએ તો કચ્છ જિલ્લાની બે બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ હતી. જ્યારે ચાર બેઠકો પર ભાજપના ઉમેદવારની જીત થઇ હતી.