Home /News /kutchh /Kutch: ગુજરાતના આ ગામનું ઘરચોળું છે ફેમસ, મોટા ઘરની મહિલાઓની છે પહેલી પસંદ

Kutch: ગુજરાતના આ ગામનું ઘરચોળું છે ફેમસ, મોટા ઘરની મહિલાઓની છે પહેલી પસંદ

દૂર દૂરથી મહિલાઓ તેરા ગામ ખાતે આ ખરીદવા આવે છે

ગામડાઓમાં મહિલાઓ બાંધેજ ભરી તેના પર ચાંદીનું ટચ અપાતા એક ઘરચોળુંની કિંમત રૂ. દોઢ લાખ સુધી પણ પહોંચે છે

    Dhairya Gajara, Kutch: નવેમ્બર મહિનો આવે એટલે ગુજરાતભરમાં લગ્નની ધમધમાટ શરૂ થઈ જતી હોય છે. લગ્નની ખરીદી કરવા લોકો ખાસ અમદાવાદ, મુંબઈ જેવા મોટા શહેરોની મુલાકાત લેતા હોય છે. પરંતુ આજે પણ લગ્નના મુખ્ય દિવસના મહિલાઓ દ્વારા પહેરાતા ઘરચોળું ખરીદવા લોકો કચ્છ જ આવે છે. તેમાં પણ વળી કચ્છના છેવાડાના તેરા ગામ ખાતે ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોથી પણ મહિલાઓ ઘરચોળાની ખરીદી કરવા પહોંચે છે.

    આમ તો કચ્છી બાંધણી સૌ મહિલાઓની પ્રિય છે. પરંતુ લગ્નના માંડવામાં મહિલાઓ ખાસ ઘરચોળું પહેરે છે. લગ્નના દાંડિયા, હસ્તમેળાપ જેવા વિવિધ પ્રસંગો માટે લોકો ભલે મુંબઈ અમદાવાદથી ખરીદી કરતા હોય પરંતુ માંડવાના ઘરચોળું તો કચ્છના અબડાસા તાલુકાના તેરા ગામથી ખરીદવામાં આવે છે. આમ તો કચ્છમાં સર્વત્ર જ બાંધણી ભરવાનું કામ મહિલાઓ ઘેર બેઠા કરે છે પરંતુ તેરા અને આસપાસના ગામોમાં ઘરચોળા પર બંધેજ ભરવાનું કામ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે.



    ઘરચોળું બનાવવા માટેનો કાચો માલ એટલે કે તેનું પોત ખાસ તમિલ નાડુના મદુરાઇ અને ખંભાતથી મંગાવવામાં આવે છે. કાચો માલ કચ્છ પહોંચ્યા બાદ તેના પર પ્રિન્ટ થાય, મહિલાઓ દ્વારા બંધેજ ભરવામાં આવે અને ત્યારબાદ તેના પર ડાઈ કરવામાં આવે છે. તો પ્રિન્ટમાં પણ ખાસ હાથી પૂતળી વાળી પ્રિન્ટ મહિલાઓમાં ખૂબ પ્રચલિત છે જ્યારે કે હાથી પૂતળી વગરની પ્રિન્ટ સસ્તી હોતાં તેનો વેંચાણ પણ ખૂબ થાય છે.

    આ ઘરચોળા પર ચાંદીનું ટચ લગાડવામાં આવે છે જેથી તેના ભાવ પણ ખૂબ રહે છે. 30 ટચ, 40 ટચ અને 50 ટચ મુજબ આ ઘરચોળું રૂ. 10 હજારથી લઈને રૂ. 1.5 લાખ સુધી પહોંચે છે. તો આટલા મોંઘા ઘરચોળા સૌને ન પર્વડતા હવે પેસ્ટેડ એટલે કે ડુપ્લીકેટ ઘરચોળા પણ ચલણમાં આવ્યા છે, જેના ભાવ રૂ. 4.5 હજારથી લઈને રૂ. 6.5 હજાર સુધી પહોંચે છે. માત્ર કચ્છ જ નહીં પરંતુ મુંબઈમાં પણ તેરાના ઘરચોળું ખૂબ પ્રખ્યાત છે અને મહિલાઓ ખાસ ખરીદી કરવા તેરા આવે છે.



    સમય સાથે કચ્છી ઘરચોળામાં પણ વિવિધ ફેન્સી સાડીઓ આવવાની શરૂ થઈ છે. તેમાં પણ અગાઉ આવતા મરૂન રંગ ઉપરાંત હવે ગ્રીન, પર્પલ, બ્લુ અને પિંક જેવા રંગો પણ શરૂ થયા છે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Kutch, Local 18

    विज्ञापन
    विज्ञापन