Dhairya Gajara, Kutch: કચ્છ યુનિવર્સિટીના જિયોલોજી વિભાગનો પોતાનો એક જીયોલોજી મ્યુઝિયમ તો છે જ, જેમાં ભૌગોલિક અને પુરાતત્વ મહત્વ ધરાવતા 10 હજાર જેટલા નમૂનાઓ છે પરંતુ હવે આ જીયોલોજી વિભાગને એક એવો ખજાનો મળ્યો છે જે પોતાનામાં જ એક રિસર્ચ મટીરીયલ છે. માંડવીમાં તબીબી સેવા આપતા ડૉ. પુલીન વસા દ્વારા પોતાના સમગ્ર જીવન દરમિયાન નાની રાયણ ગામમાંથી હડપ્પન, વેદિક અને હિસ્ટોરિક પિરિયડના અનેક અવશેષો ભેગા કરવામાં આવ્યા છે. આ બધા અવશેષો કચ્છ યુનિવર્સિટીના જીયોલોજી ડિપાર્ટમેન્ટને સોંપતા ડૉ. વસાના નામ પર એક જીયો-આર્કિર્યોલોજી ગેલેરી બનાવી છે જેના પર હવે વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે.
વ્યવસાયે તબીબ પણ મનમાં ભૂસ્તરશાસ્ત્ર અને પુરાતત્વ પ્રત્યેની જિજ્ઞાસા થકી મંડવીના ડૉ. પુલીન વસાએ પોતાના જીવનના ચાર દાયકા સુધી અનેક અવશેષો ભેગા કર્યા છે.તેમની કારકિર્દીની શરૂઆતમાં જ નાની રાયણ ગામના એક પેશન્ટે ગામમાંથી મળી આવેલો એક માટીકામનો ટુકડો તેમને દેખાડ્યો હતો. દેખાવે હડપ્પન સભ્યતાનો અવશેષ લાગતો એ ટુકડો જોયા બાદ ડૉ. વસાએ રાયણ ગામે આવી વસ્તુઓ શોધવાનું શરૂ કર્યું હતું. ગામના વાડી ખેતરોમાં જ્યારે પણ હળ ચાલતા હોય ત્યારે ડૉ. વસા ત્યાં પહોંચી જતા અને ત્યાંથી આવા અનેક મહત્વના નમૂનાઓ શોધી પોતાની સાથે લઈ આવતા.
આવા મહત્વપૂર્ણ અવશેષોને એકત્રિત કર્યા ઉપરાંત ડૉ. વસા તેના મુદ્દે અધ્યયન કરતા અને એક જીયોલોજિસ્ટની જેમ તે અવશેષો તે સ્થળ પર હોવા પાછળનો તારણ પણ કાઢતા. ચાર દાયકામાં ડૉ. વસાએ મિડલ હડપ્પન, લેટ હડપ્પન, વેદિક અને હિસ્ટોરિક પિરિયડના ઢગલાબંધ નમૂનાઓ એકત્ર કર્યા છે અને હવે તેને ઉપયોગી બનાવવા તેમજ એક સુરક્ષિત સ્થળે સાચવવા કચ્છ યુનિવર્સિટીના જીયોલોજી વિભાગને સોંપ્યા છે.
કચ્છ યુનિવર્સિટી દ્વારા પણ ડૉ. વસાના જીવનભરની મહેનતના સન્માનમાં જીયોલોજી વિભાગમાં જ ડૉ. વસા જીયો-આર્કિયોલોજી ગેલેરી બનાવી છે. તો આ અમૂલ્ય નમૂનાઓ અનેક સંશોધન માટે સક્ષમ છે તેવું જાણી યુનિવર્સિટી દ્વારા હવે આ નમૂનાઓ સાથે એક રિસર્ચ સેન્ટર પણ શરૂ કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. ડૉ. વસાની કચ્છને આ અમૂલ્ય ભેટ થકી પુરાતત્વ ક્ષેત્રે અનેક મહત્વપૂર્ણ સંશોધન કચ્છમાં જ હાથ ધરી શકાશે.