મુન્દ્રા ખાતેથી કાપડના રોલમાં આવેલા રૂ 376 કરોડના ડ્રગ્સ કેસમાં ગુજરાત એટીએસ દ્વારા કુખ્યાત ગેંગસ્ટરને પકડવામાં આવ્યો છે જેની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થઈ શકે છે
Dhairya Gajara, Kutch: કચ્છમાં છેલ્લા થોડા વર્ષોથી ડ્રગ્સ (Kutch Drugs) ઘુસાડવાની પ્રવૃત્તિઓ વધતા ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્કવોડ (Gujarat Anti Terrorism Squad) દ્વારા હવે આ ગુનાહિત પ્રવૃત્તિઓ વિરુદ્ધ લાલ આંખ કરવામાં આવી છે. એ.ટી.એસ. દ્વારા છેલ્લા થોડા મહિનાઓમાં નોંધપાત્ર કામગીરી કરી અનેક દરોડામાં ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યો છે. તો કચ્છના મુન્દ્રામાંથી ગત મહિને પકડાયેલ રૂ. 376 કરોડના હેરોઇન (Mundra Heroin) કેસમાં ગુજરાત એ.ટી.એસ. (Gujarat ATS) દ્વારા કુખ્યાત ગેંગસ્ટરની ધરપકડ કરવામાં આવી છે. ફરીદકોટ જેલમાંથી (Faridkot Jail) લાવવામાં આવેલા આ હિસ્ટ્રી શીટરની ધરપકડ થતાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતા દેખાઈ રહી છે.
જુલાઈ મહિનામાં પંજાબ પોલીસ તરફથી ગુજરાત એ.ટી.એસ.ને બાતમી આપવામાં આવી હતી કે મુન્દ્રા પોર્ટ ખાતે એક સંદિગ્ધ કન્ટેનર છેલ્લા દોઢ બે મહિનાથી પડેલ છે અને તેમાં માદક પદાર્થનો જથ્થો હોવાની શકયતા છે અને આ કન્ટેનર મુદ્રાથી પંજાબ ખાતે ડીલીવરી થનાર છે. બાતમીના આધારે એ.ટી.એસ.ની એક ટુકડી દ્વારા મુન્દ્રાના ઓલ કાર્ગો સી.એફ.એસ (કન્ટેઇનર ફ્રેઇટ સ્ટેશન) ખાતે દરોડો પાડ્યો હતો.
ત્યાંના એક શંકાસ્પદ કન્ટેઇનરની ઝડતી લેતા, તેમાં 540 રોલમાં વીંટાળેલ લગભગ ચાર હજાર કિલોગ્રામ કાપડ હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું હતું. રોલની ઝીંણવટભરી તપાસ કરતા 64 રોલની અંદરથી 75.300 કિલોગ્રામ હાઈ પ્યોરીટી હેરોઇન મળી આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિં રૂ. 376.5 કરોડની થાય છે. આ મામલામાં પોલીસે કાપડના રોલ મંગાવનાર દીપક કિંગર નામના આરોપીની ધરપકડ કરી હતી.
તો આ કેસમાં બીજી ધરપકડ કરતાં એ.ટી.એસ. દ્વારા બુટ્ટાખાન ઉર્ફે બગાખાન ગુજ્જરની ધરપકડ કરી હતી. પોલીસનું કહેવું છે કે ડ્રગ્સ મંગાવવામાં બગાખાનની મહત્વની ભૂમિકા રહી હતી. ફરીદકોટ જેલમાં સજા ભોગવી રહેલા બગાખાનને પોલીસે ટ્રાન્ઝિટ વોરંટ મેળવી આજે મંગળવારે ભુજની સ્પેશ્યલ એન.ડી.પી.એસ. કોર્ટ ખાતે રજૂ કરતા કોર્ટે નવ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
આરોપીની વાત કરીએ તો બગાખાન વિરુદ્ધ માદક પદાર્થો સંદર્ભે પાંચ કેસ ઉપરાંત મર્ડર અને ડકૈતી જેવા વિવિધ 45 ગુના નોંધાયેલા છે. મુન્દ્રામાંથી પકડાયેલ ડ્રગ્સ તેણે જેલમાં બેઠા બેઠા મંગાવ્યું હોવાનું એ.ટી.એસ. દ્વારા કોર્ટને જણાવાયું હતું. બગાખાન જેલમાં સ્માર્ટફોન વાપરી રહ્યો હતો અને વોટ્સએપના માધ્યમથી ચેટ અને ફોન કરી તેણે ડ્રગ્સ મંગાવ્યો હતો.
ગુજરાત એ.ટી.એસ. તરફથી કચ્છના મુખ્ય સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે જે રીતે જેલમાંથી આ આરોપી ગુનાહિત પ્રવૃત્તિઓ કરી રહ્યો હતો તે રીતે આનો ત્રાસવાદી સંગઠનો સાથે પણ કનેક્શન છે. ડ્રગ્સ મંગાવવા તેમજ તેના પૈસા પૂરા પાડવા માટે આ શખ્સની મુખ્ય ભૂમિકા રહી છે. ઉલ્લેખનીય છે કે તેના ફોનની તપાસ કરતા તેમજ તેની વ્યક્તિગત પૂછપરછમાં અનેક નવા ખુલાસા થવાની શક્યતા છે.