Home /News /kutchh /Exclusive: પહેલીવાર 20 દેશના પ્રતિનિધિઓ સફેદ રણમાં માણશે મૂન લાઈટ ડિનરની મોજ

Exclusive: પહેલીવાર 20 દેશના પ્રતિનિધિઓ સફેદ રણમાં માણશે મૂન લાઈટ ડિનરની મોજ

કચ્છ પ્રવાસન માટે મહત્વની ઇવેન્ટ

આ વર્ષે G20 સમિટનું અધ્યક્ષપદ ભારત પાસે હોવાથી પહેલી જ સમિટ સફેદ રણમાં યોજાશે ત્યારે કચ્છના પ્રવાસનના વિવિધ પાસાઓને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજાગર કરવા 20 દેશોના પ્રતિનિધિઓ માટે વિશેષ આયોજન

    Dhairya Gajara, Kutch: આગામી ફેબ્રુઆરી મહિનામાં વિશ્વવિખ્યાત કચ્છના સફેદ રણમાં 20 દેશોની આંતરાષ્ટ્રીય G20 સમીટ યોજાવાની છે. આ માટે કેન્દ્ર સરકારના અનેક સચિવોએ પણ સફેદ રણ સહિત તેના આસપાસના સ્થળોની મુલાકાત લીધી હતી. સમીટ માટેના કાર્યક્રમો પણ હવે નક્કી થઈ રહ્યા છે. ત્યારે પ્રવાસન મુદ્દે વિચાર વિમર્શ કરવા આવવાના 20 દેશના પ્રતિનિધિ અને તેમની ટીમ કચ્છના વિવિધ પ્રવાસનલક્ષી પાસાઓ નિહાળશે.


    વૈશ્વિક અર્થતંત્રને સ્થિર કરવા રચાયેલી G20 સમીટનું અધ્યક્ષપદ આ વર્ષે ભારતને મળ્યું છે. ત્યારે આ વર્ષે પ્રથમ બેઠક જ કચ્છના વિશ્વવિખ્યાત સફેદ રણ મધ્યે યોજાશે. ફેબ્રુઆરી 7, 8 અને 9ના યોજાનારી આ સમીટ માટે અત્યારથી જ કચ્છમાં તૈયારીઓ આરંભાઈ છે. સૌ પ્રતિનિધિઓ ભુજ એરપોર્ટ પર પહોંચવાના હોવાથી સૌપ્રથમ ભુજ હવાઈમથકનું કાયાપલટ કરવામાં આવશે. એરપોર્ટ ને શણગારી તેના પર G20ના લોગો લગાડી આવનાર મહેમાનોનું પારંપરિક ભારતીય ઢબે સ્વાગત કરવામાં આવશે.



    તારીખ 7ના બધા મહેમાનો ધોરડો ટેન્ટ સિટી ખાતે પહોંચતા ત્યાં પણ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને તેમના રહેઠાણ માટે ટેન્ટ સિટીમાં વિશેષ ફેરફારો કરવામાં આવશે. તો પહેલા દિવસે જ મહેમાનો કચ્છની પારંપરિક હસ્તકળા નિહાળશે. તે માટે ટેન્ટ સિટીમાં જ ખાસ લાઈવ ડેમોન્સટ્રેશન ગોઠવવામાં આવશે.


    સફેદ રણમાં મૂન લાઈટ ડિનર કરશે
    G20 સમીટના ત્રણ દિવસ વચ્ચે પૂનમ હોતાં ત્રણેય દિવસ રણમાં ફૂલ મૂનનો નજારો જોવા મળશે. તો પૂનમના ચંદ્રથી ચમકી ઉઠતા સફેદ રણનો અલભ્ય અનુભવ કરાવવા પ્રતિનિધિઓ માટે ખાસ મૂન લાઈટ ડીનરનું આયોજન કરવામાં આવશે. રણની વચ્ચે આવેલી ટેન્ટ સિટીમાં ખુલ્લામાં ડાઇનિંગ ટેબલ ગોઠવી સૌ પ્રતિનિધિઓ એકસાથે પૂનમની ચાંદની વચ્ચે ડીનર લેશે.


    તારીખ 8ના સમગ્ર દિવસ પ્રતિનિધિઓની કોન્ફરન્સ યોજાશે. આ માટે ભારત તરફથી કોણ જોડાશે તે હજુ નક્કી નથી. કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયમાંથી મંત્રી જોડાઈ શકે છે અથવા તો ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભારતની અધ્યક્ષતામાં યોજાનારી પ્રથમ G20 બેઠકમાં જોડાઈ શકે છે.


    તો છેલ્લા દિવસે તારીખ 9ના બધા પ્રતિનિધિઓને સાઈટ સીઈંગ માટે ધોળાવીરા લઈ જવામાં આવશે. ધોળાવીરામાં પાંચ હજાર વર્ષ જૂના હડપ્પન સંસ્કૃતિના અવશેષો આ પ્રતિનિધિઓ નિહાળશે. આ સાથે જ વિશ્વ ધરોહર બનેલું ધોળાવીરા ફરી એકવખત વૈશ્વિક સ્તરે ચમકશે.
    First published:

    Tags: Kutch, Local 18

    विज्ञापन
    विज्ञापन