Dhairya Gajara, Kutch: છેલ્લા દોઢ દાયકામાં વિશ્વવિખ્યાત થયેલા કચ્છના સફેદ રણમાં યોજાવા જઈ રહેલી G20 બેઠક માટે તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભારતની અધ્યક્ષતામાં યોજાનારી G20 સમીટની પહેલી જ બેઠક પ્રવાસનનો શ્રેષ્ઠ નમૂનો કહી શકાય તેવા સફેદ રણમાં યોજાશે તે કચ્છ માટે એક ગૌરવની વાત છે. સફેદ રણમાં આ વિદેશોના મહેમાનોના સ્વાગત માટે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે ત્યારે બન્ની વિસ્તારમાં પણ આ આંતરાષ્ટ્રીય સમીટ થકી ખુશીની લહેર સાથે નવી આશાઓ જાગી છે.
કચ્છના સફેદ રણમાં ફેબ્રુઆરી 7 થી 9 સુધી G20ની આંતરરાષ્ટ્રીય સમીટ મળવા જઈ રહી છે જેને લઈને હાલમાં કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પુરજોશમાં તૈયારી કરવામાં આવી રહી છે. ધોરડોમાં યોજાનાર આ સમીટ માટે ભુજથી ધોરડો સુધીના હાઇવેનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. G20ના ડેલીગેટ્સ માટે સફેદ રણની ટેન્ટ સિટીમાં ખાસ ટેન્ટ અને સમીટ માટે એક સભાખંડ તૈયાર કરવામાં પણ આવી રહ્યું છે.
ધોરડોની ટેન્ટ સિટી ખાતે જ વિદેશી ડેલીગેટ્સને કચ્છની સંસ્કૃતિના દર્શન કરાવવા વિવિધ હસ્તકળા કારીગરી પણ દર્શાવવામાં આવશે. G20 સંદર્ભે એકાએક શરૂ થયેલી આ તૈયારીઓના કારણે બન્ની વિસ્તારમાં રોનક જામી છે. રણોત્સવના કારણે પ્રવાસીઓના ધસારા વચ્ચે G20 સમીટનું પણ આયોજન થતાં બન્ની ધમધમી ઉઠ્યું છે.
રણોત્સવ થકી પ્રખ્યાત થયેલા કચ્છના બન્ની વિસ્તારમાં ફરી આ પ્રકારનું વિશાળ આયોજન થતાં અહીંના લોકોમાં ખુશી લહેર છવાઈ છે. G20 થકી બન્નીને એક અલગ ઓળખ મળી રહેશે અને ધોરડો તેમજ આસપાસના ગામના લોકોને રોજગારી પણ મળી રહેશે તેવી આશાઓ આ વિસ્તારમાં જાગી છે.