G20 સમીટમાં વિદેશી ડેલીગેટ્સ માટે યોજાયેલ અનેક એક્ટિવિટીઝમાં આકાશ દર્શન પણ ઉમેરવામાં આવ્યું છે અને ટેલિસ્કોપ વડે આકાશ દર્શન કર્યા ઉપરાંત ખગોળીય ઘટનાઓ વિશે પણ માહિતગાર કરવામાં આવશે
Dhairya Gajara, Kutch: G20 સમીટ માટે વિવિધ દેશોના ડેલીગેટ્સ કચ્છ પહોંચ્યા છે અને તેમના સ્વાગત માટે કચ્છમાં અનેક પ્રકારના આયોજન કરવામાં આવ્યા છે. આ ત્રણ દિવસ દરમિયાન વિદેશી ડેલીગેટ્સને કચ્છના પ્રવાસનના અનેક પાસાઓ દર્શાવવામાં આવશે અને તેમાંનો જ એક પાસો છે કચ્છનું એસ્ટ્રો ટુરિઝમ. G20 ડેલીગેટ્સને કચ્છના સફેદ રણમાં આકાશ દર્શન કરાવવાનો ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે જે થકી સમગ્ર વિશ્વને કચ્છમાં રહેલા એસ્ટ્રો ટુરિઝમના અવકાશ વિશે જાણ થઈ શકે.
ઉડ્યોગીકરણ અને શહેરીકરણથી બચેલું કચ્છનું સફેદ રણ આકાશ દર્શન માટેનો ઉત્તમ સ્થળ માનવામાં આવે છે. અહીં લોકોને ખુલ્લા આકાશ અને ચોખ્ખા વાતાવરણના કારણે આકાશમાં ન માત્ર તારાઓ પણ ઉપગ્રહો, ઉલ્કાઓ અને અનેક ખગોળીય ઘટનાઓ નિહાળવાની તક મળે છે. ભારતમાં ખૂબ ઓછા સ્થળો પર 6.5થી વધારે તેજાંક વાળા તારાઓ નિહાળી શકાય છે અને તેમાંથી કચ્છ એક સ્થળ છે. તો જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી સીધા સપાટ રણ સિવાય અન્ય કોઈ અવરોધ ન હોતાં આકાશનો 360 ડિગ્રી નજારો જોવા મળે છે.
G20 સમીટના ડેલીગેટ્સને પણ કચ્છની વધુ એક વિશેષતા દર્શાવવા સફેદ રણની ટેન્ટ સિટીમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ રાત સુધી આ ડેલીગેટ્સ ટેન્ટ સિટીમાં રોકવાના હોતાં તેમના માટે યોજાનારી અનેક એક્ટિવિટીઝમાં આકાશ દર્શનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, રીજનલ સાયન્સ સેન્ટર ભુજ અને કચ્છની સ્ટારગેઝિંગ ઇન્ડીયા સંસ્થા દ્વારા મળીને આ ડેલીગેટ્સને ટેલિસ્કોપ વડે આકાશ દર્શન કરાવી ખગોળીય ઘટનાઓ વિશે માહિતગાર પણ કરવામાં આવશે.