Dhairya Gajara, Kutch: વિવિધ દેશોના ડેલીગેટ્સ જ્યારે કચ્છના સફેદ રણમાં G20 બેઠક માટે મળશે ત્યારે તેઓ કચ્છની સંસ્કૃતિથી પરિચિત થાય તે પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે. તેની સાથે જ આ મહેમાનોને કચ્છ અને ગુજરાતની મુખ્ય વાનગીઓનો ચટકો લાગે તે પ્રકારનું કચ્છી ભાણું તેમને પીરસવામાં આવશે. G20 સમીટના સભ્ય દેશોના પ્રતિનિધિઓને પીરસવામાં આવનાર આ કચ્છી ભાણું પણ હવે આંતરાષ્ટ્રીય કક્ષાએ પ્રખ્યાત થશે.
કોઈ પણ પ્રદેશની સંસ્કૃતિમાં ત્યાંનું ખોરાક પણ એક મહત્વનું ભાગ ભજવે છે. ત્યારે કચ્છ જેવા રણપ્રદેશમાં પહેલી વખત યોજાનારી G20 સમીટમાં ભાગ લેનારા વિશ્વભરના ડેલીગેટ્સ જ્યારે અહીંની હસ્તકળા, સંસ્કૃતિ, ભૌગોલિક વૈવિધ્યતા નિહાળશે ત્યારે અહીંનો પારંપરિક ભોજન પણ તેમને પીરસવામાં આવશે. વિદેશી ડેલીગેટ્સ માટે ભોજનની વ્યવસ્થા માટે દેશમાં વિવિધ ફાઈવ સ્ટાર હોટેલનું સંચાલન કરતી એક ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યું છે.
વિદેશી મહેમાનો માણશે રોટલાની મોજ આ ખાનગી કંપનીને અપાયેલ સૂચના મુજબ કચ્છમાં યોજાનાર આ બેઠકમાં કચ્છી અને ગુજરાતી વાનગીઓ પીરસવામાં આવશે. શિયાળો શરૂ હોતાં રણની ઠંડીથી બચાવવા મહેમાનોને ખાસ બાજરાના રોટલા અને સાથે માખણ અને ગોળ પીરસવામાં આવશે. બાજરી ગરમ અનાજ હોતાં રણની તીવ્ર ઠંડીથી આ વિદેશી મહેમાનોને બચાવશે અને સાથે જ કચ્છની ઓળખ સમાન આ રોટલાનો સ્વાદ પણ તેમને માણવાનો અવસર મળશે.
યર ઓફ મિલેટ્સ પર ભાર મુકાશે ભારતની દરખાસ્ત બાદ વર્ષ 2023ને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા યર ઓફ મીલેટ્સ એટલે કે જાડા અનાજનું વર્ષ ઘોષિત કરવામાં આવ્યું છે. ભારતની રજૂઆત બાદ ઘોષિત કરવામાં આવતા આ તકને ઝડપી જાડા અનાજમાંથી બનતી વિવિધ વાનગીઓ ડેલીગેટ્સને પીરસવામાં આવશે. બાજરી, જુવાર અને રાગી જેવા અનાજોમાંથી જ ખાનગી હોટેલ કંપનીના શેફ જાત જાતની રેસિપી તૈયાર કરી ડેલીગેટ્સને પીરસશે. મિલેટમાંથી જ વિશેષ મીઠાઈઓ પણ તૈયાર કરી પીરસવામાં આવશે.
નોનવેજ અને આલ્કોહોલ નહીં પીરસાય ગુજરાત ડ્રાય સ્ટેટ હોતાં અહીં દારૂબંધી હોવા ઉપરાંત વિવિધ દેશોથી આવનારા ડેલીગેટ્સ અહીંના અતિથિ હોતાં તેમને કચ્છ અને ગુજરાતની પરંપરા મુજબ નોન વેજ ખોરાક અને આલ્કોહોલ પીરસવામાં નહીં આવે તેવી ચોખ્ખી સૂચના આપવામાં આવી છે. આ ડેલીગેટ્સ અહીંના ભાતીગળ ભોજનને માણે તેના પર ભાર મૂકવામાં આવ્યું છે.
દારૂની અવેજીમાં સ્વદેશી જ્યુસ મહેમાનોને દારૂની બદલે ડ્રીંક્સમાં ભારતમાં ઉગતા વિવિધ ફળોના જ્યુસ પીરસવામાં આવશે. કચ્છમાં પણ હવે ખેડૂતો વિવિધ ફળો ઉગાડી રહ્યા છે ત્યારે આ ફ્રૂટ જ્યુસ કચ્છની બાગાયત ખેતીનો વિકાસ દર્શાવતો નમૂનો બની રહેશે.