જિલ્લામથક ભુજથી ધોળાવીરાનો અંતર ઘટાડતા ઘડુલી સાંતલપુર માર્ગનો કાઢવાંઢથી ત્રગડી બેટ સુધીનો રસ્તો ત્રણ વર્ષથી ધીમી ગતિએ બની રહ્યું હતું ત્યારે સફેદ રણમાં યોજાનારી G20 સમીટના કારણે આ કામમાં ઝડપ આવી છે
Dhairya Gajara, Kutch: કચ્છમાં G20 સમીટ પૂર્વે તંત્ર દ્વારા એકસાથે અનેક કામો હાથ પર લીધા છે ત્યારે G20 સમીટના ડેલીગેટ્સ જે રસ્તા પરથી પસાર થઈ ધોળાવીરાની મુલાકાતે પહોંચશે એ ખાવડા ધોળાવીરા રોડ બનાવવાની કામગીરીમાં પણ ખૂબ ઝડપ આવી છે. છેલ્લા ત્રણ વર્ષથી નિર્માણ પામતા આ રસ્તાનું કામ ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યું હતું. પરંતુ G20 સમીટના કારણે આ રસ્તાના કામમાં ઝડપ આવતા આખરે આ ટુ લેન રોડની એક લેનનું કામ સમાપ્ત થઈ શક્યું છે.
કચ્છના ખડીર બેટનો મુખ્ય મથક ધોળાવીરા પાંચ હજાર વર્ષ જૂના અમૂલ્ય વારસાને સંગ્રહી બેઠો છે અને તે કારણે જ તે વિશ્વ ધરોહર બન્યો છે. જો કે વિશ્વ ધરોહર હોવા છતાંય છેવાડાના વિસ્તારમાં આવેલો હોવાના કારણે ધોળાવીરાના વિકાસમાં આજે પણ અનેક ખૂટતી કડીઓ છે. જિલ્લામથક ભુજથી 219 કિલોમીટર દૂર આવેલા ધોળાવીરાને જિલ્લામથકથી નજીક લઈ આવતા ઘડુલી સાંતલપુર માર્ગ થકી અંતર 118 કિલોમીટર થયો છે.
જો કે, ત્રણ વર્ષ પહેલાં શરૂ થયેલા આ માર્ગના નિર્માણનું કામ શરૂઆતથી જ ખૂબ ધીમી ગતિએ ચાલતો આવ્યો છે. ડામર ન લાગ્યું હોવાના કારણે ગત ચોમાસે પાકિસ્તાનથી આવેલા પૂરના પાણીએ પણ માટીનું ધોવાણ કર્યું હતું. પરંતુ કચ્છના સફેદ રણમાં યોજાનારી G20 સમીટ જાણે આ રસ્તાના કામ માટે એક વરદાન બની આવી હોય તેમ આ રસ્તાના કામમાં ઝડપ આવી હતી.
G20ના ડેલીગેટ્સને વિશ્વ ધરોહર ધોળાવીરાની મુલાકાતે લઈ જવાનું હોતાં આ રસ્તો બનવું ખૂબ જ જરૂરી હતું. આ માટે જિલ્લા કલેકટરની સૂચના મુજબ રસ્તાને બન્ને બાજુથી બંધ કરી શ્રમિકો દિવસ રાત એક કરી આ રસ્તો બનાવવા જોતરાઈ ગયા હતા. ત્રણ વર્ષથી નિર્માણ પામી રહેલા આ રસ્તાના કામને આખરે G20 થકી પૂર્ણ કરાયું છે. જો કે, હજુ સુધી એક જ લેન બની છે, કે G20 ડેલીગેટ્સના આવજાવ માટે પર્યાપ્ત થઈ જશે. પરંતુ બીજી લેનનું કામ ક્યાર સુધી પૂરું થાય છે તે જોવાનું રહ્યું.