Kutch: કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના (Abdasa Taluka) મુઠિયાર ગામના ચાર લોકોને થોડા દિવસો પહેલા નનામી પત્ર મળતા ચકચાર મચી ગઈ હતી. કોઈ પણ નામ અથવા સરનામા વગર આવેલા આ પત્રોમાં નામ બદલવા સાથે ધર્મ પરિવર્તનની (Religion Conversion) સલાહ અપાઈ હોતાં સમગ્ર ગામમાં થોડી જ ક્ષણોમાં અરેરાટી ફેલાઈ હતી. ટપાલ મારફતે ક્ષત્રિય સમાજના (Kshatriya Community) ચાર લોકોને આ પત્ર મળતા આ બાબતે પોલીસને લેખિત ફરિયાદ-અરજી અપાઇ હતી.
ગત 29 એપ્રિલના મુઠિયા૨ ગામના રહેવાસી અને વ્યવસાયે પશુપાલક કરશનજી દેશરજી બારાચ, સથુભા જાડેજા, ભાનુભા ચાવડા અને જામભા ચાવડાને ધર્મ પરિવર્તન માટે પત્ર મળ્યા હતા. અજ્ઞાત શખ્સ દ્વારા ટપાલથી મોક્લવામાં આવેલો આ પત્ર ગત તા. 29ના ફરિયાદીને મળ્યા હતા, જેમાં પ્રલોભન આપવાની વાત કરવા સાથે નામ બદલી નાખવા અને કોનો સંપર્ક કરવો તેની વિગતો લખાયેલી હતી.
મુઠીયાર ગામે રહેતા અને ખેતી-પશુપાલન સાથે સંકળાયેલા ફરિયાદીઓ પીએસઆઇને સંબોધીને કરેલી અરજીમાં જણાવ્યું કે, તેઓ તારીખ 29ના સાંજના સમયે ઘરે હતા ત્યારે પોસ્ટ ઓફીસના ટપાલી દ્વારા પોતાના નામજોગ લખાયેલું બંધ પરબીડીયું આપવામાં આવ્યું હતું. જેને ખોલતા તેની અંદર એક લખાણવાળું કાગળ મળી આવતા પૌત્ર હરપાલસિંહ પાસે તેનું વંચાણ કરાવતા કોઈ અજાણ્યા શખ્સ દ્વારા કરશનજીને નાણાકીય લોભ લાલચ આપીને નામ ‘કાસમછા’ રાખવા જણાવ્યું હતું અને રૂ.1 લાખ થી 10 લાખ સુધી સહાય આપવામાં આવશે તેવી લાલચ અપાઈ હતી. તો સાથે જ આગળની કાર્યવાહી માટે રામપર અબડાસા જમાતનો સંપર્ક કરવાનું જણાવી મોબાઈલ નંબર 4089395800 પણ અપાયા હતા.
આ પ્રકરણની તટસ્થ તપાસ માટે પોલીસમાં રજૂઆત કરવામાં આવી છે. બનાવ અંગે નલિયા પીએસઆઇ વિક્રમ ઉલવાથી વાત કરતા તેમણે જણાવ્યું કે, મુઠીયાર ગામના કરશનજીની અરજી મળી છે જેને ધ્યાને લઇ અરજદારના નિવેદન લેવા સાથે વિવિધ મુદાઓ પર તપાસ કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું.
આ બનાવ બાબતે ક્ષત્રિય સમાજ તથા વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓમાં પણ રોષ જોવા મળ્યો છે. આ ઉપરાંત આ પત્ર મોકલનાર અને આવું કૃત્ય કરનાર ગમે તે ધર્મનો વ્યક્તિ હોય તેની સામે યોગ્ય કાર્યવાહી અને તટસ્થ તપાસ કરવા માટેની માંગ સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવી છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર