Home /News /kutchh /Kutch: રાષ્ટ્રીય કક્ષાના પાવર લિફ્ટિંગમાં ભૂજના ચાર લોકો ઝળક્યા, સ્પર્ધામાં નવ મેડલ મેળવ્યા

Kutch: રાષ્ટ્રીય કક્ષાના પાવર લિફ્ટિંગમાં ભૂજના ચાર લોકો ઝળક્યા, સ્પર્ધામાં નવ મેડલ મેળવ્યા

16 વર્ષીય કિશોર નેશનલ ચેમ્પિયન બન્યો હતો

ભુજમાં 17 વર્ષીય કિશોર, 64 વર્ષીય વૃદ્ધ, એક આધેડ અને યુવતીએ મળી રાષ્ટ્રીય કક્ષાની પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં ચાર સ્વરણ અને પાંચ રજત ચંદ્રક મેળવ્યા

    Dhairya Gajara, Kutch: કચ્છના યુવાનોએ રમત ગમતના દરેક ક્ષેત્રમાં નામના મેળવી છે. ત્યારે છેલ્લા થોડા સમયથી કચ્છના યુવાનોએ પાવર લિફ્ટિંગ જેવી અતિ કઠીન શારીરિક બળ અને કળ માંગી લેતી રમતમાં પણ કાંઠુ કાઢ્યું છે. હાલમાં જ દિલ્હી ખાતે યોજાયેલી એક રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં કચ્છના એક કિશોર, એક વૃદ્ધ અને એક યુવતી સહિત ચાર લોકોએ ઉત્તમ પ્રદર્શન દર્શાવી નવ મેડલ મેળવ્યા હતા, જ્યારે કે 17 વર્ષીય કિશોર નેશનલ ચેમ્પિયન બન્યો હતો.


    કચ્છમાં છેલ્લા થોડા વર્ષોથી યુવાનો પાવર લિફ્ટિંગ તરફ વળ્યા છે. જીમના ક્રેઝ વચ્ચે અનેક યુવાનોએ આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની શરૂઆત કરી છે તો સાથે જ આ રમત થકી નામના પણ મેળવી છે. ચાલુ મહિનાની 23 અને 24 તારીખે નવી દિલ્હી ખાતે યોજાયેલી નેશનલ પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં દેશભરમાંથી રમતવીરોએ ભાગ લીધો હતો. આ પ્રતિયોગિતામાં સ્પર્ધકોને ત્રણ અલગ અલગ રમત થકી મૂલવવામાં આવ્યું હતું, જેમાં બેન્ચ પ્રેસ, સ્કવોટ્સ અને ડેડલિફ્ટમાં બાર્બેલ પર ઊંચકવામાં આવતા વજન મુજબ વિજેતા નક્કી કરવામાં આવ્યું હતું. તો આ રાષ્ટ્રીય સ્પર્ધામાં ઉંમર મુજબ વિવિધ કેટેગરીમાં કચ્છમાંથી પણ ચાર લોકોએ ભાગ લીધો હતો.


    કચ્છના 17 વર્ષીય વત્સલ મહેશ્વરીએ સબ જુનિયર કેટેગરીમાં ભાગ લઈ કુલ 460 કિલોગ્રામ વજન ઊંચકી રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ હાંસલ કરી હતી, જે માટે તેને એક સ્વર્ણ અને બે રજત ચંદ્રક મળ્યા હતા. આ અગાઉ છેલ્લા બે વર્ષમાં વત્સલ ગુજરાતમાં ત્રણ વખત તેમજ ચેમ્પિયન ઓફ ચેમ્પિયનશિપ જેવા ખિતાબ મેળવી ચુક્યો છે. 17 વર્ષીય વત્સલ હાલ ભુજની એક કોલેજમાં ફીઝીઓથેરાપી કોર્સના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. વત્સલના પિતા નિખિલ મહેશ્વરીએ પણ આ સ્પર્ધાની માસ્ટર 2 કેટેગરીમાં ભાગ લઈ એક ગોલ્ડ તેમજ એક સિલ્વર મેડલ મેળવ્યો હતો. 50 વર્ષીય નિખિલ મહેશ્વરી પાવર લિફ્ટિંગમાં ત્રણ વખત નેશનલ ચેમ્પિયન બની ચૂક્યા છે. તો સાથે જ હિમાલયમાં માઈનસ ડિગ્રી તાપમાનમાં છ કલાક સુધી સતત તુમ્મો ધ્યાન કરનાર એકમાત્ર કચ્છી છે.


    નિખિલ મહેશ્વરી પાસેથી જ ટ્રેનિંગ મેળવેલા 64 વર્ષીય અલી ખાન પઠાણ પણ માસ્ટર 3 કેટેગરીમાં સમગ્ર દેશમાં દ્વિતીય સ્થાને આવી સિલ્વર મેડલ મેળવ્યું હતું. રિટાયર્ડ બેંક કર્મચારી અલી ખાન પઠાણે પોતાની નિવૃત્તિ બાદ શરીરની સ્વસ્થતા જાળવવા જીમ જોઈન કર્યું હતું અને પાવર લિફ્ટિંગમાં રસ જાગતા તેના આગળ વધતા ગયા. તો આ સ્પર્ધામાં ભુજ તાલુકાના માધાપર ગામની એક 22 વર્ષીય યુવતીએ પણ ત્રણ મેડલ મેળવ્યા હતા. 22 વર્ષીય ઉર્વિશા સિતપરાએ જુનિયર કેટેગરીમાં ભાગ લઈ બે ગોલ્ડ અને એક સિલ્વર મેડલ મેળવ્યું હતું.
    First published:

    विज्ञापन
    विज्ञापन