બર્ડ કંઝરવેશન સોસાયટી ગુજરાત અને બર્ડ કાઉન્ટ ઇન્ડીયા દ્વારા પ્રથમ વખત કચ્છમાં આવતા પેસેજ માઇગ્રેટરી પક્ષીઓની ગણતરી કરવા 106 પક્ષી નિરીક્ષકો કચ્છ પહોંચ્યા
Dhairya Gajara, Kutch: સામાન્યપણે ધૂળિયા વંટોળ અને આગ ઓકતું કચ્છનું મોટું રણ ચોમાસા બાદ પક્ષીઓ માટે સ્વર્ગ બની જતું હોય છે. ચોમાસાથી શિયાળો પૂરો થાય ત્યાં સુધી કચ્છમાં સાઇબિરીયા, રશિયા જેવા દેશોથી યાયાવર પક્ષીઓ મોટી માત્રામાં અહીં આવી રોકાય છે. તો સાથે જ અનેક પક્ષીઓની પ્રજાતિ એવી છે કે જે ભારતમાં રોકાતા નથી પરંતુ પોતાના સફર દરમિયાન કચ્છના રણમાં વિસામો ખાય છે. આવા પેસેજ માઇગ્રેન્ટ પક્ષીઓની કચ્છમાં પ્રથમ વખત ગણતરી કરવામાં આવી રહી છે.
ચોમાસા બાદ કચ્છના અફાટ રણમાં પાણી ભરાઈ જતું હોય છે તો સાથે જ સારી માત્રામાં ઘાસ પણ ઉગી આવે છે. આવામાં વિવિધ પ્રકારના વિદેશી પક્ષીઓને પોતાને સાનુકૂળ આવે તેવું વાતાવરણ મળી રહે છે. આ જ કારણે શિયાળા દરમિયાન સુરખાબ, સારસ જેવા અનેક પક્ષીઓ કચ્છના મેહમાન બને છે. તો સાથે જ અનેક પક્ષીઓ મધ્ય એશિયાથી થઈને ભારતમાંથી પસાર થઈ આફ્રિકા અને અનેક વિસ્તારો સુધી ઉડાન ભરે છે. તે સમયે મહાસાગર પાર કરીને કચ્છ પહોંચતા અહીં વિસામો ખાય છે.
બર્ડ કંઝરવેશન સોસાયટી ગુજરાત અને બર્ડ કાઉન્ટ ઈન્ડીયા દ્વારા આવા પક્ષીઓ કે જેને પેસેજ માઇગ્રેન્ટ બર્ડ્સ કહેવાય છે, તેમની ગણતરી શરૂ કરવામાં આવી છે. આ ગણતરી માટે ગુજરાત તેમજ દેશના વિવિધ ખૂણેથી 106 પક્ષીનિરીક્ષકો જોડાયા છે. કચ્છ વન વિભાગના સહકારથી આ પક્ષીનિરીક્ષકો 26 ટીમો બનાવી કચ્છના રાપરથી વિશાળ મોટા રણ સુધી બે દિવસ માટે સર્વે હાથ ધરશે.
આ સર્વે માટે ઇ-બર્ડ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવશે. આ મોબાઇલ એપ્લિકેશન થકી પક્ષીનિરીક્ષકો ભૂલરહિત ગણતરી કરી શકશે. તો સાથે જ એક સાથે આટલી મોટી માત્રામાં પક્ષીનિરીક્ષકો ઇ-બર્ડ એપ્લિકેશનથી ગણતરી કરશે તેવી પણ આ પહેલી ઘટના છે.
ઉલ્લેખનીય છે કે કચ્છમાં પેસેજ માઇગ્રેન્ટ પક્ષીઓની આઠ પ્રજાતિઓ જોવા મળે છે. આ પ્રજાતિઓમાં કાશ્મીરી ચાસ (European Roller), લાલપીઠ લઠોરો ,(Redback Shrike) લાલપૂંછ લઠોરો (Redtail Shrike), મોટો પતરંગો (Blue Cheeked Bee Eater), કુહૂ કંઠ (Eurasian Cuckoo), દિવાળી મચ્છીમાર (Spotted Flycatcher), નાચણ તિદ્દો (Rufous Tailed Scrub Robin), મોટો શ્વેતકંઠ (Orphean Warbler) નો સમાવેશ થાય છે.
નોંધનીય બાબત છે કે આ ગણતરી અનેક સંસ્થાઓને તો કચ્છમાં પક્ષીઓ વિશે સંશોધન કરવામાં મદદરૂપ બનશે જ પરંતુ વન વિભાગ પણ આ ગણતરી થકી પક્ષીઓના જતન માટે આગળની કામગીરી કરી શકશે.