Dhairya Gajara, Kutch: વૈશ્વિક ધરોહર બનેલું ધોળાવીરા હડપ્પા સંસ્કૃતિના પાંચ મુખ્ય નગરોમાંથી એક છે. પાંચ હજાર વર્ષ જૂનું આ પ્રાચીન નગર તે સમયની આધુનિક સભ્યતાનો ઉત્તમ ઉદાહરણ છે. અહીં આવેલું આ વિશાળ મેદાન તે સમયે સ્ટેડિયમ તરીકે ઉપયોગમાં લેવાતો જેમાં વિવિધ રમત ગમત ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાતા હતા. શનિવારે આ સ્ટેડિયમમાં યોજાયેલા ધોળાવીરા ફેસ્ટિવલ થકી આ પાંચ હજાર વર્ષ જૂનું સ્ટેડિયમ ફરી જીવંત બન્યું હતું.
ભારત દેશ ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહરનો અમૂલ્ય વારસો ધરાવે છે. આ ધરોહરનો એક જીવતો જાગતો ઉદાહરણ છે પાંચ હાજર વર્ષ જૂની હડપ્પન સંસ્કૃતિનું નગર ધોળાવીરા. આજના ગતિમય અને આધુનિક સમયમાં યુવાનોમાં દેશના ઐતિહાસિક સ્મારકો પ્રત્યેની નીરસતા દૂર થાય અને અતુલ્ય વારસા પ્રત્યે તેમનો લગાવ વધે તેવા ઉદ્દેશ્ય સાથે ધોળાવીરા મધ્યે એક ભવ્ય ફેસ્ટિવલનો આયોજન કરવામાં આવ્યો હતો. રોશનીથી ઝળહળતા ધોળાવીરામાં ખ્યાતનામ કલાકારોએ સંગીતની ધૂન પર પાંચ હજાર વર્ષ જૂના નગરને ઝુમાવ્યો હતો.
આજથી પાંચ હજાર વર્ષ પહેલાં હડપ્પન સભ્યતા સમયે ધોળાવીરામાં પાકા મકાનો, ગટર લાઇન, જળાશયો વગેરે બધું જ હાજર હતું. તો તે સમયે લોનોના મનોરંજન માટે એક વિશાળ મેદાનમાં રમત અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાતા હોય તેવા અવશેષો પણ અહીંથી મળી આવ્યા હતા. શનિવારે યોજાયેલ ધોળાવીરા ફેસ્ટિવલ થકી આ સ્ટેડિયમ ફરી જીવંત બન્યું હતું અને જાણે હડપ્પન સભ્યતામાં લોકો પહોંચ્યા હોય તેવો આભાસ પ્રેક્ષકોએ મેળવ્યો હતો.
ક્રાફટ ઓફ આર્ટ સંસ્થા દ્વારા ધોળાવીરાના ખનન સ્થળ પર ફોટો એકઝીબિશન, ક્રાફટ, વોકિંગ ટુર, સાંસ્કૃતિક સંગીત વર્લ્ડ મ્યુઝિકનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે 3 થી સાંજે 8 વાગ્યા સુધી યોજાયેલ આ ધોળાવીરા ફેસ્ટિવલમાં તબલાવાદક ઉસ્તાદ ફઝલ કુરેશી, અમેરિકન સેક્સોફોન વાદક જ્યોર્જ બ્રુક્સ, સિતાર વાદક દિલશાદ ખાન, ગિટાર વાદક સંજય દિવેચા, ગટમ્ વાદક ગિરધર ઉડુપા, ડ્રમ વાદક મંજુનાથ સહિત દેશ અને વિશ્વના જાણીતા કલાકારો પોતાના સંગીત થકી આ પ્રાચીન વિરાસતને પુનઃ જીવંત કરી હતી.
આ ઉપરાંત કચ્છના કલાકારોએ પણ લોકો સમક્ષ પોતાની કળા પીરસી હતી, જેમાં ખડીરના જ મુરાલાલ મારવાડાએ પોતાની પોતાની કબીરવાણી થકી લોકોનું મન જીતી લીધું હતું. આ ઉપરાંત ભરૂચના સિદ્દી સમુદાયે પોતાની જાણીતી સીદી ધમાલ રજૂ કરી લોકોનું મનોરંજન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન કરવા પણ જાણીતા ટીવી કલાકાર માનવ ગોહિલ હજાર રહ્યા હતા.