Dhairya Gajara, Kutch: કચ્છનું ઐતિહાસિક માંડવી શહેર જેટલું દાબેલી માટે જાણીતું છે એટલું જ પોતાના વહાણવટાના ઉદ્યોગ માટે પણ જાણીતું છે. 400 વર્ષથી અહીં લાકડાના વિશાળ વહાણ બનાવવાનો ઉદ્યોગ ધમધમે છે પરંતુ છેલ્લા બે દાયકામાં આ ઉદ્યોગમાં મંદી આવી છે. આ મંદીને દૂર કરી શકે તેવા એક નવા અધ્યાયની શરૂઆત હાલ માંડવીના દરિયાકાંઠે થઈ ગઈ છે. ગુજરાતમાં અગાઉ ક્યારેય ન બનેલું લોખંડનું મહાકાય જહાજ માંડવીમાં હાલ નિર્માણ પામી રહ્યું છે. રિવર સી વેસલ ટાઇપ 4 તરીકે ઓળખાતું આ રૂ. 25 કરોડનું જહાજ આ પહેલા માંડવી જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં ક્યાંય બન્યું નથી.
ગાંધીધામ સ્થિત રિષી શિપિંગ કંપની કંડલા બંદર પર 25 બાર્જ અને 3 ફ્લોટિંગ ક્રેન ધરાવે છે. તેમના નવા સાહસમાં તેમણે પોર્ટ ટુ પોર્ટ માલનું વાહન કરી શકે તેવા એક મહાકાય જહાજ બનાવવાની શરૂઆત કરી હતી. માંડવી પોર્ટની સામે પાર સલાયા ગામ તરફના કિનારે આ મહાકાય જહાજ તૈયાર થઈ રહ્યું છે જેને બનાવવામાં જ માત્ર એક હજાર ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
600 હોર્સપાવર ધરાવતા બે એન્જિન થકી આ વેસલ 2.5 હજાર ટન કાર્ગો ઉપાડવા સક્ષમ છે. રૂ. 25 કરોડની કિંમતના આ જહાજને બનાવવા પાછળ આઠ મહિનાથી દિવસ રાત 100 થી વધારે કર્મચારીઓ કામ કરી રહ્યા છે અને હજુ બે મહિના સુધી તેનું કામ ચાલશે જે બાદ તેને પાણીમાં ઉતારવામાં આવશે.
માંડવીમાં વહાણવટાનો ઉદ્યોગ તો ચાર સદીથી ધમધમે છે પરંતુ અત્યારસુધી અહીં માત્ર લાકડાના જ વહાણ બન્યા છે જેને કન્ટ્રીક્રાફટ વેસલ કહેવાય છે. આ વહાણ પણ દુબઈ, મસ્કત સહિત આફ્રિકાના દેશો સુધીની સફર ખેડે છે પરંતુ છેલ્લા બે દાયકામાં આ ઉદ્યોગમાં ખૂબ મંદી આવી છે. સરકાર પાસેથી અપૂરતી સહાય, કન્ટેનર શિપિંગના સસ્તા ભાડા તેમજ વહાણના વીમા બાબતે પડતી મુશ્કેલીઓના કારણે આ ઉદ્યોગની કમર ભાંગી પડી હતી. પરંતુ છેલ્લા થોડા સમયમાં ફરી વધેલા કન્ટેનરના ભાડા સાથે હવે લોખંડના જહાજ બનાવવાની શરૂઆત પણ માંડવીના કિનારે શરૂ થતાં આ વહાણવટાના ઉદ્યોગમાં એક નવો અધ્યાય શરૂ થયું હોય તેવું કહી શકાય છે.