89 કરોડના ખર્ચે બનીને તૈયાર થયું છે રીજનલ સાયન્સ સેન્ટર
સ્મૃતિ વનની પાછળ બનેલા રાજ્યના પ્રથમ રીજનલ સાયન્સ સેન્ટરમાં (Regional Science Centre Kutch) બોટ સિમ્યુલેટર અને સબમરીન સિમ્યુલેટર વિજ્ઞાન પ્રેમીઓ માટે બનશે મુખ્ય આકર્ષણ
Dhairya Gajara, Kutch: જેમ ફિનિક્સ પક્ષી રાખમાંથી ઊભુંથાય તેમ 2001ના ભૂકંપ બાદ કચ્છ ફરી એકવખત ઊભુંથયું છે. કચ્છના મુખ્યમથક ભુજમાં ભુજીયા ડુંગર પર એક તરફ એ 2001ના ભૂકંપમાં અવસાન પામેલા લોકોની યાદમાં સ્મૃતિ વન બનાવવામાં આવ્યું છે તો ભુજીયાની બીજા તરફે વિજ્ઞાનના અનેક પાસાઓને ઉજાગર કરતો રાજ્યનો સૌપ્રથમ રીજનલ સાયન્સ સેન્ટર બનાવવામાં (Regional Science Centre, Kutch) આવ્યું છે.
આગામી પેઢીમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તેમજ પ્રવાસનને વધુ વેગ આપવા ગુજરાત સરકાર દ્વારા ભુજીયા ડુંગર ખાતે રીજનલ સાયન્સ સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે. 10 એકરમાં ફેલાયેલા આ સેન્ટરને કચ્છની સંસ્કૃતિને અનુરૂપ ભુંગા આકારની ડિઝાઇનમાં તૈયાર કરાયું છે, જેનું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા લોકાર્પણ કરાશે. 89 કરોડના ખર્ચે બનેલું આ મ્યુઝિયમ વિજ્ઞાનક્ષેત્રે રસ ધરાવતા દેશ-વિદેશના જિજ્ઞાસુપ્રેમી પ્રવાસીઓ માટે વધુ એક નવલું નજરાણું બની રહેશે.
ભાવિ પેઢીને વિજ્ઞાનમાં રસ લેતા કરવા તથા તેમની જિજ્ઞાસાવૃત્તિને સંતોષવા આ મ્યુઝિયમ ખરૂ ઉતરશે. બાળકો અને યુવાનોને વિજ્ઞાનના પ્રવાહ સાથે જોડવા આ કેન્દ્રમાં માહિતીનો રસથાળ એ રીતે પિરસાયો છે કે, દરેક ઉંમરના લોકો કંટાળ્યા વગર ઉત્સુકતાથી દરેક ગેલેરીમાં વધુમાં વધુ સમય વિતાવીને માહિતગાર થઇ શકે. મુલાકાતીઓનો રસ કેળવી રાખવા તથા તેઓ વિજ્ઞાનના વિવિધ પાસાનો અભ્યાસ કરી તેનાથી માહિતગાર થઇ શકે તે માટે વૈજ્ઞાનિક પરિક્ષણ તથા વિવિધ પ્રયોગો કરવાની વ્યવસ્થા ઉભી કરાઇ છે.
મરિન નેવિગેશન ગેલેરી, સ્પેસ સાયન્સ ગેલેરી, એનર્જી સાયન્સ ગેલેરી, નેનો ટેકનોલોજી ગેલેરી, ફિલ્ડસ મેડલ ગેલેરી અને બોંસાઇ ગેલેરી એમ કુલ છ થીમ આધારીત ગેલેરી બનાવવામાં આવી છે. ઉપરાંત વૈજ્ઞાનિક પરીક્ષણ કરવા માટે વૈદ્યશાળા, થ્રીડી મૂવી થિયેટર, થીમ આધારીત વિશાળ લેન્ડ સ્કેપિંગ ગાર્ડન, સોલાર ટ્રી અને ઉચ્ચ ગુણવત્તાનો ટેલિસ્કોપ વગેરે અહીં લોકોને જોવા મળશે. તો વિશેષ આકર્ષણમાં સમુદ્રી નૌકા ચલાવવાની અનુભૂતિ કરાવતો સિમ્યુલેટર અને સબમરીન સિમ્યુલેટર પણ અહીં મૂકવામાં આવ્યા છે.
પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રના હેતુ અંગે ડો. પટેલ જણાવે છે કે, સાયન્સ સેન્ટર લોકોમાં વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ કેળવવા, વિજ્ઞાન અને ટેકનોલોજીની સમજ વધે તે માટેનું માધ્યમ બને છે. તે હેતુથી સરહદી કચ્છ ખાતે સંગ્રહાલયનું નિર્માણ કરાયું છે. અહીંનું કેન્દ્ર કચ્છના બાળકો, યુવાનોને વૈજ્ઞાનિક બનવા પ્રેરિત કરશે તેમજ વિજ્ઞાનના શિક્ષકો, યુવા ઉદ્યોગ સાહસિકો, ટેકનીશિયન્સ, દિવ્યાંગો, ગૃહિણીઓ તથા અન્ય લોકો માટે વિજ્ઞાન, ટેક્નોલોજી તથા ઉદ્યોગને લગતા તાલીમ કાર્યક્રમનું કેન્દ્ર બની રહેશે. જેના થકી ભવિષ્યમાં નવી પેઢી વધુને વધુ વિજ્ઞાનની નજીક આવશે.