અજરખ હસ્તકળાના એક ખ્યાતનામ કારીગર ડૉ. ઇસ્માઇલ ખત્રી દ્વારા હસ્તકળા અને હડપ્પન અવશેષોમાં સમાનતાઓ શોધ્યા બાદ હવે અવશેષોના આધાર પરથી વધુ ડિઝાઇન તૈયાર કરશે
Dhairya Gajara, Kutch: કોઈ પણ પ્રદેશની કળા જે તે પ્રદેશની સંસ્કૃતિની ઝલક દર્શાવે છે. ત્યારે પાંચ હાજર વર્ષ જૂની હડપ્પન સભ્યતાના પ્રદેશ કચ્છની કળાઓમાં આ પ્રાચીન સભ્યતાની ઝલક ન દર્શાય તેવું તો બને નહીં! કચ્છની અજરખ બ્લોક પ્રિન્ટ કળા ની અનેક ડિઝાઇન હડપ્પન સભ્યતાના અવશેષોમાં મળી આવેલા આકારો સાથે મળતી આવે છે. અજરખ કળાના એક ખ્યાતનામ કારીગર ડૉ. ઇસ્માઇલ ખત્રીએ ધોળાવીરા સંબંધિત આર્ટ પીસ બનાવતી વખતે આ બન્નેમાં સમાનતાઓ શોધી હતી.
તેમના મુજબ આજે અજરખ કળામાં જોવા મળતી ડિઝાઇન પાંચ હાજર વર્ષ જૂની હડપ્પન સંસ્કૃતિના અવશેષોમાં પણ જોવા મળે છે. તો હવે આ જ અવશેષોમાં જોવા મળતી અન્ય ડિઝાઇન પરથી પણ અજરખ પ્રિન્ટ્સ તૈયાર કરવામાં આવશે.
કચ્છની અજરખ બ્લોક પ્રિન્ટ હસ્તકળા આજે જગવિખ્યાત બની છે. હાલમાં જ આ કળાના ખ્યાતનામ કારીગર ડૉ. ઇસ્માઇલ ખત્રી ધોળાવીરા ફેસ્ટિવલ માટે હડપ્પન સભ્યતા સંબંધિત એક અજરખ પીસ બનાવતા હતા ત્યારે તેમના ધ્યાને આવ્યું કે ધોળાવીરામાંથી મળી આવેલા હડપ્પન સભ્યતાના અવશેષોમાં અને અજરખ પ્રિન્ટ્સમાં અનેક સમાનતાઓ છે. આ પાંચ હાજર વર્ષ જૂના અવશેષોમાં જોવા મળતી ડિઝાઇન પેઢીઓથી અજરખ પ્રિન્ટમાં પણ જોવા મળે છે. ડૉ. ખત્રીએ આ સમાનતાઓને શોધી એક અદ્ભુત આર્ટ પીસ પણ તૈયાર કર્યું છે.
ડૉ. ખત્રીના જણાવ્યા મુજબ અજરખ પ્રિન્ટમાં વપરાતી કક્કર, ચોકડી અને અન્ય ડિઝાઇન હડપ્પન અવશેષોમાં પણ જોવા મળે છે. તો અજરખમાં કરાતી ચંપાકલી ડીઝાઈન હડપ્પન સભ્યતાના સમયમાં ઘરોની ટાઈલ્સમાં જોવા મળી છે. તો આ સંશોધન દરમિયાન જ ડૉ. ખત્રીએ અન્ય અનેક આકર્ષક ડિઝાઇન હડપ્પન અવશેષોમાંથી મળી આવી છે, જે ડિઝાઇન હજુ સુધી અજરખમાં જોવા નથી મળી. તો હડપ્પન સભ્યતા અને અજરખના આ અનેરા સંબંધને જીવંત રાખવા કારીગર દ્વારા આ ડિઝાઇન્સ પરથી પણ બ્લોક પ્રિન્ટ તૈયાર કરવામાં આવશે.