Dhairya Gajara, Kutch: કચ્છમાં સતત વકરી રહેલા લમ્પી સ્કિન ડીસીઝના (Lumpy Skin Disease) કારણે મોટી માત્રામાં ગાયો બીમાર પડી રહી છે. આ રોગના કારણે ગાયોના જીવ પર તો જોખમ ઊભી થાય જ છે તો સાથે જ તેમના દૂધ ઉત્પાદનની ક્ષમતામાં પણ અનેકગણો ઘટાડો થાય છે. આ રોગથી લડવા હવે સામાજિક સંસ્થાઓ (KutchNGOs) પણ આગળ આવી રહી છે. ત્યારે ગાયો માટે કામ કરતી કચ્છની તેરા તુજકો અર્પણ સંસ્થા (TeraTujko Arpan NGO) દ્વારા રક્ષાબંધન અને સ્વાતંત્ર્ય દિવસ (Independence Day) ઉજવવા ગાયો માટે શક્તિ વર્ધક 25 હજાર લાડવા બનાવવામાં આવી રહ્યા છે જેથી તેમની રોગ પ્રતિકારક શક્તિ વધે અને લમ્પી રોગને નાથવા સક્ષમ બને.
એપ્રિલ મહિનાથી કચ્છમાં શરૂ થયેલા લમ્પી સ્કિન ડીસીઝ રોગના કારણે જિલ્લાના માલધારીઓ પર આભ ફાટી પડ્યો છે. જિલ્લાભરમાં ગાયો આ રોગની ચપેટમાં આવી રહી છે તો અનેક માલધારીઓએ પોતાની ગાયો ગુમાવી છે. સરકારી આંકડા મુજબ અત્યાર સુધી જિલ્લામાં 38 હજારથી વધારે ગાયો રોગગ્રસ્ત થઈ છે તો 1766 ગાયોની આ રોગના કારણે મોત થઈ છે. તો જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા પણ આ રોગથી ગાયોને બચાવવા અત્યાર સુધી 3.86 લાખથી વધારે ગાયોને રસી આપવામાં આવી છે.
તો આ રોગથી ગાયોને બચાવવા જિલ્લા તંત્ર સાથે અનેક સામાજિક સંસ્થાઓ પણ મેદાનમાં આવી છે. યુવાનો ઉપરાંત બાળકો અને વૃદ્ધો પણ ઠેર ઠેર ગાયોની સેવામાં જોડાયા છે. જિલ્લાના અનેક શહેરોમાં ગાયો માટે ખાસ આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યા છે જ્યાં દિવસ રાત તેમની સારવાર ચાલે છે તો હવે આ રોગથી ગાયોને બચાવવા ઔષધિઓથી ભરપુર લાડવા ગાયોને ખવડાવવામાં આવે છે.
કચ્છની એક સામાજિક સંસ્થા તેરા તુજકો અર્પણ દ્વારા રક્ષાબંધન અને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ગાયોના સ્વાસ્થ્ય માટે ગુણકારી એવા આ ઔષધીય લાડવા ખવડાવવાનું નક્કી કર્યું છે. આ માટે સંસ્થા દ્વારા 25 હજાર લાડવા બનાવવામાં આવશે, જે અનેક ગામડાઓ ખાતે ગાયોને ખવડાવી તેમની રોગ પ્રતિકારક શક્તિ વધારવાનો પ્રયાસ કરાશે.
આ કાર્યમાં માધાપર ગામની અનેક બહેનો જોડાઈ છે જે દરરોજ સવારથી સાંજ સુધી ઔષધિઓ ભેળવાથી લઈને લાડવા બનાવવા સુધીનું કામ કરે છે. આજે તેરસ હોતાં ગામની બહેનો દ્વારા લાડવા બનાવવા ઉપરાંત ગાયોની સુખાકારી માટે ઠંડુ ખાવાની માનતા માનવામાં આવી હતી.