Dhairya Gajara, Kutch: કચ્છમાં ગામડાઓમાં ઉનાળા દરમિયાન પાણીની અછતના (Kutch Water Shortage) કારણે અનેક પરિવારો હિજરત (Villages Relocating) કરતા જોવા મળે છે પણ જાણીને નવાઇ લાગે કે કચ્છના સૌથી ભવ્ય એવા ભુજ શહેરમાં (Bhuj City) પણ લોકોને ભરચોમાસે (Kutch Monsoon) હિજરત કરવાની ફરજ પડે છે. ભુજના સંજોગ નગરના અનેક વિસ્તારોમાં હર ચોમાસે લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતાં લોકોને પારાવાર હાલાકી ભોગવવી પડે છે. તો હર ચોમાસે આવી પરિસ્થિતિ હોતાં લોકો પોતાનું ઘર મૂકી શહેરમાં અન્ય વિસ્તારોમાં સ્થળાંતર (People Relocating) કરવા મજબૂર બને છે.
કચ્છમાં આ વર્ષે અષાઢ મહિનાની શરૂઆત સાથે જ મેઘરાજા પણ પધાર્યા હતા. ત્યારે જોત જોતા સમગ્ર કચ્છમાં સતત વરસી રહેલા મેઘાએ આક્રમક રૂપ ધારણ કર્યું હતું અને અતિ હરે વરસાદના કારણે ઠેર ઠેર જળબંબાકાર સર્જાયો હતો. ત્યારે કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજના વોર્ડ નંબર 1 અને તેની આસપાસના વિસ્તારોમાં હર વર્ષની જેમ મુશળધાર વરસાદના કારણે ઘરોમાં પાણી ભરાવવાની શરૂ થયું હતું.
નીચાણ વાળા આ સમગ્ર વિસ્તારમાં અનેક ઘરોમાં ઘૂંટણ સુધી પાણી ભરાયાં હતાં જે કારણે અનાજ રાશન અને અન્ય ઘરવખરી ઉપરાંત ફ્રીઝ ટીવી જેવા ઉપકરણો પણ બગડ્યા હતા. ઘરોમાં ભરાયેલા પાણીના કારણે રસોઈ થઈ શકતી નથી જે કારણે લોકોને ખાઈ પેટે દિવસ કાઢવા પડે છે.
દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ બાદ પણ આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યું નથી. અને હવે તો લોકો પણ ટેવાઈ ગયા હોય તેમ પહેલા વરસાદની શરૂઆત સાથે જ પોતાના ઘરનું સામાન પેક કરવાની શરૂઆત કરે છે અને પાણી ભરાતા જ પોતાના ઘરેથી હિજરત કરી શહેરમાં જ આસપાસના ઊંચાં વાળા વિસ્તારમાં ભાડે રહેવા જતા રહે છે. તો જે લોકોને અન્યત્ર ભાડા પર રહેવું આર્થિક રીતે પરવડે તેમ ન હોય તેઓ રાહ જુવે છે કે ક્યારે વરસાદ ઓછું થાય અને તેમના ઘરોમાંથી પણ પાણી ઓસરી નીકળે.
આ નીચાણ વાળા વિસ્તારમાં વિકાસ માટે અનેક રજૂઆતો કર્યા છતાંય કોઇ પગલાં લેવામાં આવ્યા ન હોવાની વિપક્ષી કાઉન્સિલરે ફરિયાદ કરી હતી. તો બીજી તરફ પાલિકા પ્રમુખે સામા આક્ષેપ કરી જણાવ્યું હતું કે આ વિસ્તારમાં લોકોએ આડેધડ બાંધકામ કરી પાણીના પ્રાકૃતિક વહેણને અવરોધે તેવી રીતે ઘર બનાવ્યા છે. તો સાથે જ ગટરની ચેમ્બરના ઢાંકણા ખોલી તેમાં કચરો જતા ચેમ્બર બ્લોક થઈ જવાના કારણે હર ચોમાસે અહીં ઘરોમાં પાણી ભરાઈ જતાં હોવાનું પાલિકા પ્રમુખે જણાવ્યું હતુ.