Home /News /kutchh /Kutch: ટ્રેનની એક ટિકિટ માટે આખી રાત લાઇનમાં ઊભું રહેવું પડે છે, લાંબું વેઇટિંગ

Kutch: ટ્રેનની એક ટિકિટ માટે આખી રાત લાઇનમાં ઊભું રહેવું પડે છે, લાંબું વેઇટિંગ

લોકો આઠ કલાક સુધી તત્કાલ ટિકિટની લાઈનમાં ઉભા રહેવું પડે છે.

દિવાળી વેકેશન શરૂ થતાં જ  પરિવારથી દૂર રહેતા લોકોએ વતન તરફ વાટ પકડી છે. કચ્છથી ઉપડતી ટ્રેનોમાં લાંબી વેટિંગ લીસ્ટના કારણે લોકો રાતભર રેલવે સ્ટેશન પર લાઈન લગાડી ટિકિટ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે.

    Dhairya Gajara, Kutch: દિવાળી વેકેશન શરૂ થતાં જ  પરિવારથી દૂર રહેતા લોકોએ વતન તરફ વાટ પકડી છે. બે વર્ષ કોરોના મહામારીના કારણે અનેક લોકો પોતાના પરિવાર સાથે દિવાળી ઉજવી શક્યા ન હતા તો આ વર્ષે મોટા પ્રમાણમાં કચ્છમાં રહેતા પરપ્રાંતીય લોકો પણ દિવાળી ઉજવવા ટ્રેન મારફતે પોતાના વતન તરફ વળ્યા છે. આ વચ્ચે કચ્છથી ઉપડતી ટ્રેનોમાં લાંબી વેટિંગ લીસ્ટના કારણે લોકો રાતભર રેલવે સ્ટેશન પર લાઈન લગાડી ટિકિટ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. ભૂકંપ બાદ વિકાસના પંથે પ્રસ્થાન કરેલા કચ્છ જિલ્લામાં ઉદ્યોગો સ્થપાતા મોટી સંખ્યામાં પરપ્રાંતીય લોકો અહી નોકરી કરવા સ્થાયી થયા છે. આ વર્ગમાં મોટા ભાગના લોકો ઉત્તર ભારતથી આવે છે અને દિવાળી સમયે પોતાના વતનમાં પોતાના પરિવાર સાથે દિવાળી મનાવવા કચ્છના ભુજ અને ગાંધીધામ સ્ટેશનથી ઉપડતી ગણેલી ટ્રેનોમાં ટિકિટ મેળવવા દોડે છે.


    હાલ કચ્છથી ઉત્તર ગુજરાતને જોડતી ટ્રેનોમાં ભારે વેટિંગ ચાલી રહી છે. ભુજ બરેલી એકસપ્રેસ ટ્રેનમાં 1 નવેમ્બર સુધી ટિકિટ મળે તેવી શક્યતા નથી. ભુજથી દરરોજ ઉપડતી આ ટ્રેનમાં 100 થી લઈને 250 સુધી વેટિંગ લીસ્ટ પહોંચ્યું છે. તો દર એકાંતરે દિવસે ગાંધીધામથી જોધપુર જતી જોધપુર એકસપ્રેસ સ્પેશ્યલ ટ્રેનમાં તારીખ 30 સુધી વેટીંગ લીસ્ટ ચાલે છે. મોટા પ્રમાણમાં કચ્છી સમાજ મુંબઈ સ્થાયી થયા છે ત્યારે હાલ કચ્છથી મુંબઈ તરફ જતી ટ્રેનોમાં સહેલાઈથી ટિકિટ મળી રહી છે પરંતુ, મુંબઈથી ભુજ આવતી ટ્રેનોમાં 7 નવેમ્બર સુધી 150 થી લઈને 500 સુધી વેટિંગ લીસ્ટ છે. તો કચ્છમાં દિવાળી ઉજવવા આવેલા મુંબઈના કચ્છી પરિવારો પણ પરત મુંબઈ જવાના હોતા દિવાળીની રજાઓ પૂરી થાય ત્યારથી એટલે કે 27 તારીખથી 5 નવેમ્બર સુધી ભરચક વેટિંગ છે.


    ઉલ્લેખનીય છે કે જે લોકોએ વહેલી તકે આયોજન કરી ટિકિટ મેળવી છે તેમને સહેલાઈથી ટિકિટ મળી રહી છે. પરંતુ જે લોકો દિવાળીના થોડા સમય પહેલાં જ ટિકિટ મેળવવા પ્રયાસો શરૂ કર્યા છે તેમના માટે આ એક મોટી મુશ્કેલી બની ગઈ છે. તેવામાં સૌ કોઈની નજર તત્કાળ ટિકિટ પર રહે છે અને તે જ કારણે તત્કાલ ટિકિટમાં પણ ખૂબ મારામારી ચાલુ છે. સવારે 10 વાગ્યે એ.સી. અને 11 વાગ્યે સ્લીપર ક્લાસનું તત્કાળ ક્વોટા ખૂલે તે માટે લોકો પૂરી રાત રેલવે સ્ટેશન પર લાઈન લગાડી રહ્યા છે.


    ભુજ રેલવે સ્ટેશન પર છેલ્લા થોડા દિવસોથી લોકો તત્કાલની લાઈનમાં ઊભા રહેવા રાતના બે વાગ્યાથી સ્ટેશને પહોંચી રહ્યા છે. તો રેલવે સ્ટેશન પર ફરજ બજાવતા કર્મચારીઓ મુજબ અનેક લોકો રાત્રે જમીને જ અહીં સૂઈ જાય છે અને બે વાગ્યે ઊઠીને લાઈનમાં ઊભા રહી જાય છે. 10 વાગ્યે ખુલનારી ટિકિટ બારી માટે સવારે 5.30 વાગ્યાથી સ્ટેશને જનાર લોકોને પણ કંફર્મ ટિકિટની આશામાં નિરાશ થઈ વેટિંગ ટિકિટ લઈને જવું પડે છે. ઉલ્લેખનીય છે કે પ્રવાસીઓના ધસારાને જોઈને રેલવે વિભાગ દ્વારા સ્પેશ્યલ વેકેશન ટ્રેન શરૂ કરવાની જરૂર હતી જે કરવામાં આવી નથી અને તે કારણે અનેક લોકોને આ દિવાળી પોતાના પરિવારથી દૂર રહીને ઉજવવી પડશે.
    First published:

    Tags: Festival, Kutch, ટ્રેન

    विज्ञापन
    विज्ञापन